કચ્છમાં મીઠા ઉદ્યોગ માટે લીઝ પર જમીન ભાડાપટ્ટે અપાવવાના બહાને નિવૃત આઈપીએસ અધિકારીના પુત્રએ સુરતના બિલ્ડર પાસેથી ૪૦ લાખ પડાવ્યા

આરોપી નિરવ જેબલીયાએ મંત્રી અને સચિવો સાથે સેટીંગ કરાવી કામ કરાવી આપવાની લાલચે બિલ્ડરને ઉતાર્યા શીશામાં

ગાંધીધામ : કચ્છમાં મીઠા ઉદ્યોગ માટે સરકારી જમીન ભાડાપટ્ટાથી અપાવવા તેમજ નર્મદા નદીમાંથી રેતીની લીઝ અપાવવાના બહાને નિવૃત આઈપીએસ અધિકારીના પુત્રએ સુરતના એક બિલ્ડરને ૪૦ લાખનો ચુનો ચોપડતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રોગતિમાન કર્યા છે. આ અંગેની વિગતો મુજબ સુરત શહેરના સરથાણા ચોકડી પાસે ગોકુલમ આર્કેડમાં ઓફિસ ધરાવતા બિલ્ડર ગોપાલભાઈ વ્રજલાલ રાદડીયાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને નમર્દા નદીમાંથી રેતીની લીઝ અને કચ્છમાં મીઠાના ઉત્પાદનના ધંધા માટે સરકારી જમીન ભાડાપટ્ટી અપાવાને બહાને નિવૃત્ત આઈપીઍસના પુત્ર નિરવ બાવકુભાઈ જેબલીયાઍ રૂપિયા ૪૦ લાખ પડાવી છેતરપિંડી કરતા ભારે ચકચાર મચી છે.ફરિયાદી ગોપાલભાઈ જમીન મકાન લે-વેચ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધંધાકિય કામકાજ માટે અવાર નવાર ગાંધીનગર સચિવાલયમાં મહેસુલ સહિતની અન્ય સરકારી કચેરીઓમાં જવાનું થાય છે. સન ૨૦૧૯માં રેતીની લીઝના કામ માટે ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ગયા હતા, તે વખતે તેમની મુલાકાત જમીન લે વેચનું કામકાજ કરતા મુકેશ માધવજી બોધરા સાથેે થઈ હતી. મુકેશે તેમની ઓળખ નિરવ બાવકુ જેબલીયા (રહે, વૈભવલક્ષ્મી મહાદેવનગર સરદાર પટેલ સ્ટે઼ડીયમ અમદાવાદ) સાથે કરાવી હતી. અને તે નિવૃત્ત આઈપીઍસ અધિકારીના પુત્ર છે તેવું જણાવ્યું હતું. આરોપી નિરવ જેબલીયાઍ પોતે સચીવ કે કૈલાશ નાથનના અંગત વિશ્વાસુ માણસ હોવાનું અને ગુજરાત સરકારની કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ કામ પોતે ભલામણથી કરાવી આપે છે તેવું જણાવ્યું હતું.  અને ફરિયાદીના આ બન્ને કામો કરાવી આપવા માટે રૂા. ૮૦ લાખનો વહીવટ કરવો પડશે તેવું જણાવ્યું હતું. અંતે ૬૦ લાખનો વ્યવહાર કરવાનું નક્કી થયું હતું, જેમાં ફરિયાદીએ આરોપીને ર૦ લાખ એડવાન્સમાં અને ટુકડે ટુકડે મળીને કુલ્લ ૪૦ લાખની રકમ આપી હતી, પરંતુ કામ ન થતા ફરિયાદીએ નાણા પરત માંગતા નીરવે સમજુતી કરાર લખી આપીને ચેક આપ્યો હતો. જે એકાઉન્ટ બંધ હોવાના શેરા સાથે પરત થયો હતો. ત્યાર બાદ ફરિયાદીએ ક્રાઈમ બ્રાન્ચમાં નિરવ જેબલીયા સામે ગુનો નોંધાવતા ફરિયાદ નોંધાઈ છે.