કચ્છમાં ભંગારના વાડાઓ પર એજન્સી ત્રાટકે તો અનેક વાહનચોરીઓના મસમોટા ભેદ ઉકેલાય.!

કચ્છમાં રજીસ્ટ્રેશન રદ્‌ કરાવ્યા વગર જ વાહનોનું ભંગારીયાઓને થતું વેંચાણ જોખમકારક : વાહનને ભંગારમાં આપતા પહેલા રજીસ્ટ્રેશન રદ્‌ કરાવવું જરૂરી : ભંગારિયાઓ ગેરકાયદે જ વાહનો તોડતા હોવાની બૂમ : વાહન માલિકો પોતાના જૂના વાહનો આડેધડ સસ્તામાં વેચી દેતા હોઈ કયારેક સર્જાઈ શકે છે મહા મુશીબત

(બ્યુરો દ્વારા)ગાંધીધામ : કચ્છ જિલ્લામાં ભૂકંપ બાદ વિકાસનો વાયરો ફુંકાયો છે. જિલ્લામાં ઔદ્યોગીક ધમધમાટ સતત વિસ્તરી રહ્યો હોઈ રોજીરોટીની પણ વિપુલ તકો સર્જાઈ છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા વાહનોનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સાથોસાથ લોકોનું જીવનધોરણ ઉચું આવ્યું હોઈ અવનવા વાહનો પણ જિલ્લાના માર્ગો પર મોટી સંખ્યામાં દોડી રહ્યા છે. નવા વાહન ખરીદતા લોકો સામાન્ય રીતે જૂના વાહનોને એકસચેન્જમાં જમા કરાવવાની સાથોસાથ અન્ય વ્યક્તિને પણ વેંચાણ કરતા હોય છે. જો કે, જો વાહનની કંડીશન અત્યંત ખખડધજ થઈ ગઈ હોય તો વાહન માલિકો ભંગારવાડાઓને પણ વાહનો વેંચી દેતા હોય છે. વાહનને ભંગારમાં આપતા પહેલા રજીસ્ટ્રેશન રદ્‌ કરાવવું અત્યંત જરૂરી અને અનિવાર્ય છે, પરંતુ કચ્છ જિલ્લામાં રજીસ્ટ્રેશન રદ્‌ કરાવ્યા વિના જ ભંગારીયાઓને જૂના વાહનોનું વેંચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે જે જોખમકારક કહી શકાય તેમ છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં બે મહાબંદરો આવેલા હોઈ મુંદરા તેમજ ગાંધીધામમાં તો અનેક ભંગાર વાડાઓ વર્ષોથી ધમધમી રહ્યા છે, તેની સાથોસાથ જિલ્લા મથક ભુજ સહિતના અન્ય શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભંગારના વાડાઓ કાર્યરત છે. સામાન્ય રીતે ભંગાર વાડાઓ લોખંડ, તાંબુ, પીતળ, એલ્યુમીનીયમ સહિત પસ્તી ઉપરાંત અન્ય વસ્તુઓનો ભંગાર લેતા હોય છે.આ ભંગારીયાઓ સ્ક્રેપ થઈ ગયેલા વાહનોની પણ ખરીદી કરી રહ્યા છે. આવા વાહનોની ખરીદી કરવી ગેરકાયદેસર નથી પરંતુ ભંગારમાં ખરીદાતા વાહનોના રજીસ્ટ્રેશન રદ્‌ થતા ન હોઈ તેમાં નિયમનો ભંગ થતો હોવા ઉપરાંત જોખમકારક સાબિત થઈ શકે છે. ભંગારીયાઓ આવા વાહનોને તોડી સ્પેર પાર્ટસ છુટા કરી છુટકમાં તેનું વેચાણ કરી ગજવા ભરે છે. ભંગારીયાઓ દ્વારા રજીસ્ટ્રેશન થયા વિનાના ખરીદાઈ રહેલા વાહનો પછવાડે વાહન માલિકોની જ બેદરકારી જવાબદાર છે. આ બાબતે આરટીઓ કચેરીના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ કોમર્શીયલ તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના માલિકોમાં નીતિ નિયમો પ્રત્યે પુરતા પ્રમાણમાં જાગૃતતા હોય છે અને કચ્છમાં પણ તે જોવા મળી રહી છે, જેના લીધે આવા મોટા વાહનો જો ભંગારમાં આપવામાં આવે છે તો તેનું રજીસ્ટ્રેશન રદ્‌ કરાવ્યા બાદ જ વેંચાણ કરાય છે. પરંતુ નાના વાહન માલિકો તેમાં પણ ખાસ કરીને ટુ-વ્હીલર માલિકો, અકસ્માતગ્રસ્ત વાહનોના માલિકો, દાયકા જૂના ખખડધજ ટ્રેકટરો, જૂની રીક્ષાઓ કે જેની આયુમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ હોય અને તે ચાલવા માટે સક્ષમ ન હોય તેવા સમયે ભંગારમાં કિલોના ભાવે આવા વાહનોને રજીસ્ટ્રેશન રદ્‌ કરાવ્યા વગર જ ભંગારીયાઓને વેચી દેવામાં આવે છે. રજીસ્ટ્રેશન રદ્‌ કરાવાતા ન હોઈ કયારેક આવા વાહનોના નંબરનો કોઈ ગેરકાયદે પ્રવૃતિ માટે ઉપયોગ થવાની પણ ભીતિ સર્જાઈ શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભંગારીયાઓ દ્વારા નાના મોટા વાહનોના એન્જીન, ગેયર બોકસથી લઈ તમામ સ્પેર પાર્ટસ સેકન્ડમાં વેચાઈ રહ્યા હોવાની પણ ચર્ચાઓ છે. દરેક એન્જીનો પર એન્જીન નંબર હોય છે. ચેસીસ નંબર પણ છપાયેલા હોય છે, ત્યારે જો ભંગાર વાડાઓની ચકાસણી કરવામાં આવે તો અનેક વાહનોની ચોરીના ભેદ પણ ઉકેલાઈ શકે તેમ છે. સ્ક્રેપનો ધંધો કરતા મોટા ભાગના ભંગારીયાઓ ગેરકાયદેસર વાહનો તોડતા હોવાની બુમ ઉઠી રહી છે. તો વાહન ચોર ટોળકીઓ પણ ભંગારીયાઓના સંપર્કમાં રહેતી હોઈ ચોરાઉ વાહનો આવા ભંગારીયાઓને વેચી સાંઠગાંઠ રચી ધીકતી કમાણી કરી લેતા હોય છે.