કચ્છમાં બાયોડીઝલના ગેરકાયદે પમ્પો ફુલ સ્વિંગમાં

  • કાર્યવાહી માટે તંત્ર મુહૂર્તની રાહ જોઈ રહ્યું હોઈ

અગાઉ ચોરીછૂપીથી કરાતો ધંધો હવે થઈ રહ્યો છે ખૂલ્લેઆમ : સામાન્ય વાહન ચાલકોની નજરે ચડતા પમ્પો જવાબદાર અધિકારીઓને નથી દેખાઈ રહ્યા : માધાપર, નખત્રાણા, અબડાસા, લખપત અને મુન્દ્રા – માંડવીમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે

ભુજ : ગેરકાયદે બાયોડીઝલનો વેપાર દિન-પ્રતિદિન ફુલીફાલી રહ્યો હોઈ કાયદેસરના ડીઝલ પમ્પ સંચાલકોની આવકમાં મસમોટું ગાબડું પડ્યું છે. મંજૂરી વગર ધમધમતા બાયોડીઝલના પમ્પો થકી અકસ્માતનું જોખમ પણ સતત મંડરાતું રહેતુું હોઈ આવા પમ્પો સામે કાર્યવાહી કરવા રાજ્ય કક્ષાએથી આદશો વછૂટ્યા હતા. આદેશો બાદ કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. જોકે, તે ચાર દિન કી ચાંદની સમાન જ સાબિત થઈ હતી. બાયોડીઝલના ગેરકાયદે પમ્પો સામે કાર્યવાહી કરવા માટે કચ્છનું તંત્ર મુહૂર્તની રાહ જોઈ રહ્યું હોઈ આ ગેરકાયદે ધંધો ફુલ સ્વિંગમાં ચાલી રહ્યો છે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં બાયોડીઝલના ગેરકાયદે પમ્પો તો ધમધમી જ રહ્યા છે સાથો સાથ બેઝ ઓઈલનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ર૦૧૯ના અંત ભાગમાં મુખ્યમંત્રીએ બાયોડીઝલના ગેરકાયદે પમ્પો પર કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો, જે બાદ કચ્છમાં પોલીસ સહિતના વિભાગો દ્વારા કાર્યવાહી કરી સપાટા પણ બોલાવાયા હતા. તંત્રની કડક કાર્યવાહીને પગલે જે-તે સમયે કચ્છમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપલો થોડા સમય માટે બંધ પણ થઈ ગયો હતો.જોકે, આ કારોબારમાં રાજકારણીઓથી લઈ સફેદ કોલરધારીઓ પણ સંડોવાયેલા હોઈ બાયોડીઝલ તેમજ બેઝ ઓઈલનો કારોબાર જિલ્લામાં ફરી ધમધમી ઉઠ્યો છે. પમ્પ સંચાલકો પોલીસ, પુરવઠા સહિતના વિભાગોના પલળેલા બાબુઓને સાચવી રહ્યા હોઈ ખૂલ્લેઆમ બાયોડીઝલ વેચાઈ રહ્યું છે. અગાઉ આવા પમ્પો હોટલોની પછાળ, માર્ગની એક-બે ઠામ અંદર કે પછી વાડાઓમાં ધમધમતા હતા, પરંતુ હપ્તાઓનું નેટવર્ક ગોઠવાઈ ગયું હોઈ સામાન્ય પમ્પોની જેમ જ બાયોડીઝલના ગેરકાયદે પમ્પો પણ માર્ગો પર ધમધમી રહ્યા છે.