કચ્છમાં બાયોડિઝલ અને બેઝઓઈલના ગેરકાયદે વિક્રેતાઓ સામે કાયદાનો દંડો વિંઝવાની તૈયારીઓ

  • સીઆઈડી ક્રાઈમના વડાએ આપેલા આદેશ બાદ

રાજ્યભરના રેન્જ આઈજી, કમિશ્નર, એસપીને કાર્યવાહી કરવા સૂચના : જીએસટી, જીપીસીબી અને જીએફસીએસડી વિભાગના સંકલનમાં રહી બાયોડિઝલ અને બેઝઓઈલના અનઅધિકૃત વિક્રેતાઓ સામે તાત્કાલિક એફઆઈઆર કરવા પણ હુકમ : કરાયેલી કાર્યવાહીનો વિસ્તૃત અહેવાલ ૩૧ માર્ચ સુધીમાં કરવો પડશે રજૂ

બેઝઓઈલના વિક્રેતાઓ સામે પણ સંયુક્ત ટીમ બનાવી ઝુંબેશરૂપે ત્રાટકવાનું ઘડાઈ રહ્યો છે પ્લાન : જિલ્લામાં લાંબા સમયથી ગેરકાયદે બાયોડિઝલ – બેઝઓઈલનો ધમધમે છે કારોબાર : જિલ્લામાં અનેક ઠેકાણાઓ પર દરોડા પડાયા બાદ મુળિયા ઉલેચાતા ન હોઈ પુનઃ આ બેનંબરી કારોબાર આવી જાય છે ફુલસ્વીંગમાં

(બ્યુરો દ્વારા)ભુજ : સરહદી કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટીએ અતિ વિશાળ હોઈ વહીવટી સરળતા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સહિતના તંત્રોને પૂર્વ તેમજ પશ્ચિમ વિભાગમાં વિભાજીત કરી નાખવામાં આવ્યા છે. જો કે, આ પગલાની અસામાજીક તત્ત્વો તેમજ બેનંબરી કારોબાર કરનારાઓ પર કોઈ જ અસર વર્તાઈ ન હોય તેમ દારૂની મોટી મોટી ખેપો, જુગાર કલબો, કાળા કોલસાનો કારોબાર, ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક, નકલી સોનાની લાખો – કરોડોની છેતરપિંડી, ચકલા – પોપટના ધંધાઓ, ખનિજ ચોરી, ભૂમાફિયાઓ દ્વારા જમીનો હડપ કરવા સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ દિનપ્રતિદિન માજા મુકી રહી છે ત્યારે પાછલા થોડા સમયથી કચ્છમાં બાયોડિઝલ તેમજ બેઝઓઈલનો ગેરકાયદે ધંધો પણ બેફામ બન્યો હોઈ તેના વેંચાણ મારફતે સરકારને કરોડોનો ચુનો તો ચોપડાઈ જ રહ્યો છે તેની સાથોસાથ પારંપરીક ડિઝલના વિક્રેતાઓના પેટ પર પણ લાત પડી છે. આ કારોબારમાં વ્હાઈટ કોલરધારીઓની પણ સામેલગીરી હોઈ આ દુષણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. ન માત્ર કચ્છ પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓની પણ આજ સ્થિતિ હોઈ સીઆઈડી ક્રાઈમના વડાએ આપેલા આદેશ બાદ રાજ્યની સાથોસાથ કચ્છમાં બાયોડિઝલના ગેરકાયદે વિક્રેતાઓ સામે કાયદાનો ડંડો વિંઝવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. આ અંગે વિગતો મુજબ ગુજરાતના પેટ્રોલિયમ ડિલર્સ દ્વારા અગાઉ રાજયના મુખ્યમંત્રીને આ મુદ્દે રજૂઆત કરાઈ હતી, જે બાદ ગાંધીનગર કક્ષાએથી વછૂટેલા આદેશોને પગલે બાયોડિઝલ અને બેઝઓઈલનું ગેરકાયદે વેંચાણ કરતા પંપો અને સંચાલકો પર તવાઈ બોલાવાઈ હતી. જો કે, કમાઉ દિકરા સમાન ગેરકાયદે પંપના સંચાલકો સાથે તંત્રના કેટલાક પલળેલા અધિકારી – કર્મચારીઓ ઉપરાંત આ સિન્ડીકેટની લીંક ઉપર સુધી જતી હોઈ કાર્યવાહીની પ્રક્રિયા ચાર દિન કી ચાંદની સમાન જ સાબિત થઈ હતી. પુનઃ લાંબા સમયથી બાયોડિઝલના ગેરકાયદે વેચાણની પ્રવૃતિ બેખોફ ધમધમી રહી હોઈ સીઆઈડી ક્રાઈમના વડાએ રાજ્યભરના રેન્જ આઈજી, કમિશ્નર, એસપીને કાર્યવાહી કરવા સૂચના આપી છે. પોલીસે જીએસટી, જીપીસીબી અને જીએફસીએસડી વિભાગના સંકલનમાં રહી બાયોડિઝલના અનઅધિકૃત વિક્રેતાઓ સામે તાત્કાલિક એફઆઈઆર કરવા પણ હુકમ કરાયો છે. વધુમાં આ હુકમમાં અપાયેલા આદેશ મુજબ કરાયેલી કાર્યવાહીનો વિસ્તૃત અહેવાલ ૩૧ માર્ચ સુધીમાં રજૂ કરવા પણ આદેશ કરાયો છે. જો કે ગેરકાયદે બાયોડિઝલના ધંધામાં લાખો રૂપિયાના હપ્તા ચુકવાતા હોઈ પોલીસ તંત્ર, જીએસટી વિભાગ, પુરવઠા તંત્ર સહિતના વિભાગો કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરતા હોઈ આગામી દિવસોમાં કેવા પ્રકારના પગલા લેવાશે તે પણ જોવું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં લાંબા સમયથી ગેરકાયદે બાયોડિઝલ – બેઝઓઈલનો કારોબાર ધમધમી રહ્યો હોઈ બાયોડિઝલની સાથોસાથ બેઝઓઈલના વિક્રેતાઓ સામે પણ સંયુક્ત ટીમ બનાવી ઝુંબેશરૂપે ત્રાટકવાનું ઘડાઈ પ્લાન ઘડાઈ રહ્યો છે. જો કે, અગાઉ જિલ્લામાં અનેક ઠેકાણાઓ પર દરોડા પડાયા બાદ મુળિયા ઉલેચાતા ન હોઈ પુનઃ આ બેનંબરી કારોબાર ફુલસ્વીંગમાં આવી જતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.