કચ્છમાં પેસેન્જર ટ્રેન બે દિવસ રદ્દ, ગુડસ લોડિંગ પણ સ્થગિત

વાવઝોડાને પગલે રેલવે સ્ટેશનો પર તકેદારીના પગલાં લેવાયા

ભુજ : રાજ્યની સાથે કચ્છમાં પણ તાઉતે વાવાઝોડાની આફત સામે લડવા સરકારી વિભાગો દોડતા થયા છે. પરિવહન ક્ષેત્રે મુખ્ય ગણાતા રેલવે વિભાગ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રવાસીઓની સલામતી માટે આજે અને આવતીકાલે કચ્છને જોડતી પેસેન્જર ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ઉપરાંત ભારે પવન અને વરસાદીની આગાહીના કારણે રેલવે સ્ટેશનો પર તકેદારીના પગલાં લેવાયા છે.

એઆરએમ આદિશ પઠાનીયાએ માહિતી આપતા કહ્યું કે, આજે અને આવતીકાલે ૧૮ તારીખે તાઉતે વાવાઝોડાના કારણે કચ્છ રીઝીયનની પેસેન્જર ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. બુકિંગ કરાવનાર પ્રવાસીઓ રેલવે સ્ટેશનમાંથી રીફંડ મેળવી શકે એ માટે કાઉન્ટરો ખુલ્લા રાખવામાં આવ્યા છે. પ્રવાસીઓની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે. વધુમાં કહ્યું કે, હાલ કંડલા પોર્ટ, મુંદરા પોર્ટ, તુણા સહિતના બંદરો પર ગુડસ લોડીંગ સ્થગીત રાખવામાં આવ્યું છે. બંદરો પર જેમ જેમ કાર્ગો હેન્ડલીંગની કામગીરી બંધ થઈ રહી છે તેમ રેલવે વિભાગ દ્વારા રેક હટાવી સ્ટાફને સલામત સ્થળે મોકલાઈ રહ્યા છે. માલગાડીઓ હવામાનની સ્થિતિના આધારે સ્થગીત રાખવામાં આવશે. ભારે પવનની આગાહી હોવાથી રેલવે મથકો પર હોર્ડિગ્સ ઉતારી લેવાયા છે. રેલવે સ્ટેશન સેડના પતરા ઉડે નહીં તે માટે મેન્ટેન્સ કરી લેવાયું છે. ભારે વરસાદ થાય અને પાટા ધોવાઈ જાય એવી પરિસ્થિતિમાં તાકીદના ધોરણે રેલવે પાટા બનાવવા માટે વેગનો ભરીને સામગ્રી ઉપલબ્ધ છે. દરિયા નજીક આવેલા રેલવે સ્ટેશનો પર વધુ તકેદારી સ્ટાફ રાખવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન પર ત્રણ દિવસ સુધીના પાણી અને ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવાઈ છે. આપત્તકાલિન કે રેસ્કયુની પરિસ્થિતિમાં રેલવે વિભાગ તમામ મોરચે લડવા માટે સક્ષમ હોવાનું ઉમેર્યું હતું.