કચ્છમાં પરવાનગી વગર થતા લગ્નો કોરોનાનું સંક્રમણ વધુ ફેલાવશે

કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પણ પાલન થતું નથી

ભુજ : વર્તમાન કોવિડ-૧૯ મહામારીને અનુલક્ષીને સરકારે લગ્ન કરવા માટે જરૂરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને મંજૂરી મેળવ્યા બાદ લગ્ન કરવા તેવી ગાઈડલાઈન હોવા છતાં કચ્છમાં વર્તમાન સમયમાં મંજૂરી લીધા વગર લગ્નો થઈ રહ્યા છે, જેના કારણે કોરોના મહામારી ગંભીરરૂપ ધારણ કરશે. પોલીસ આ બાબતે તપાસ કરે તો પરવાનગી લીધા વીના થતા લગ્નોના અનેક કિસ્સાઓ સામે આવે તેમ છે.કોરોના મહામારીનો રાક્ષસ ચારે બાજુ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કોવિડ-૧૯ની આ મહામારી કાબુમાં આવે તે માટે સરકાર દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યા છે. લગ્ન સહિતના પ્રસંગોમાં વધુ લોકો એકત્ર ન થાય તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ લગ્ન પ્રસંગમાં પ૦ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકે છે, પરંતુ લગ્ન યોજવા માટે સરકાર દ્વારા પરવાનગી ફરજીયાત બનાવવામાં આવી છે અને આ કાયદાનો ભંગ થતા કાયદાકીય કાર્યવાહી થાય છે. વિશાળ એવા કચ્છ જિલ્લામાં હાલની કોવિડ-૧૯ મહામારીમાં અનેક લગ્નો થાય છે. પરંતુ ચિંતાની વાત એ છે કે, આવા લગ્નોમાંથી મોટા ભાગના ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા તંત્ર પાસેથી મંજૂરી લીધા વગરના હોય છે. જેના કારણે પ૦ થી પણ વધુ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહે છે.જો કોઈ એક વ્યક્તિ કોવિડ પોઝિટીવ હોય તો તે અન્યને પણ ચેપ લગાડી શકે તેમ હોતા આવા મંજૂરી લીધા વગર થતા લગ્નોને અટકાવીને પોલીસે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, પરવાનગી વીના થતા લગ્નોના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે.