કચ્છમાં પણ મહાનગરોની જેમ કોરોના કાબૂ બહાર ?

Computer image of a coronavirus

કચ્છમાં રેમડેસિવિરના ઈન્જેકશન, રેપીડ ટેસ્ટ કીટ, હોસ્પિટલમાં પથારી અને વેક્સિન ખૂટી : તંત્રના જવાબદારો હકિકત છૂપાવવામાં અને મિટિંગોમાં વ્યસ્ત

ભુજ : કચ્છમાં કાબુમાં રહેલો સરકારી કોરોનાએ એકાએક પોતાનો વ્યાપ વિસ્તાર્યો છે. સપ્ટેમ્બર, ઓકટોબરમાં જિલ્લામાં કોરોના તંત્રની અંકુશ બહાર જતાં એકાએક હોસ્પિટલો શરૂ કરાઈ હતી. અધિકારીઓ રોડ પર ઉતર્યા હેમખેમ રીતે ગંભીર પરિસ્થિતિમાં કચ્છના લોકો બહાર આવ્યા પરંતુ ચૂંટણી બાદ કચ્છમાં એકાએક કોરોના અંકુશ બહાર જતાં ફરી પરિસ્થિતિ કથળતાં એકડે એકથી ઘુટવાનો વારો આવ્યો છે. કારણે દર્દીઓ વધતા હવે અધિકારીઓ જાગ્યા છે. તમામ તાલુકામાં મિટિંગો યોજવા ઉપરાંત હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવી તેમજ સાધન સામગ્રી મંગવવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. તે વચ્ચે જિલ્લામાં મહાનગરો જેવી પરિસ્થિતિ સર્જાય તો પણ નવાઈ નહીં કારણ કે બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે કે, કચ્છમાં રેમડેસિવિરના ઈન્જેકશન, રેપીડ ટેસ્ટ કીટ, હોસ્પિટલમાં પથારી અને વેક્સિન ખૂટી છે, જો કે તંત્રના જવાબદારો હકિકત છૂપાવવામાં અને મિટિંગોમાં વ્યસ્ત હોવાનું જણાઈ રહ્યું છે.
કોરોનાની સારવાર માટે ઓક્સિજન પર હોય કે, ગંભીર પ્રકારના દર્દીઓની સારવાર રેમડેસિવિર ઈન્જેકશન જરૂરિયાત હોય છે. જો કે, કચ્છમાં આ ઈન્જેકશનની કાળા બજારી વચ્ચે કમી સર્જાઈ છે. રાજ્ય ભરમાં ઈન્જેકશનની અછત વચ્ચે કચ્છમાં પણ ઈન્જેકશન ખુટી પડતાં કાળા બજારી શરૂ થઈ હતી. ગાંધીધામ સહિતના વિસ્તારમાં તો આ ઈન્જેકશન મળતાં પણ નથી. જો કે જિલ્લામાં રર૦૦ ઈન્જેકશનની માંગ વચ્ચે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશને પ૦૦ જેટલા ઈન્જેકશન ફાળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેને સરકારી હોસ્પિટલમાં વિતરીત કરાયા છે. બીજીતરફ કોઈ વ્યક્તિને કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો તેઓ ટેસ્ટ માટે આગ્રહ રાખે છે. ભુજમાંં સરકારી આરોગ્ય કેન્દ્ર પર નિઃશુલ્ક રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ શહેરના દવાખાનામાં રેપીડ ટેસ્ટની કીટ ખુટી પડતાં આરટીપીસીઆરનો સહારો લેેવાયો હતો. આરટીપીસીઆર રિપોર્ટ બેથી ત્રણ દિવસે મળશે તેમાં પણ રેપીડ ટેસ્ટની કીટ ખુટી પડી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે જવાબદારોએ કહ્યું કે, થોડો જથ્થો આવી ગયો છે. ઉપરાંત છેલ્લા બે – ત્રણ દિવસથી વેક્સિન પણ ખુટી પડતાં અગાઉની સરખામણીએ રસીકરણની કામગીરી ધીમી પડી છે. ગઈકાલે મમતા દિવસનું બહાનું બતાવી રસીકરણની કામગીરી ઝીરો બતાવાઈ હતી. આ પૂર્વે પણ વેક્સિનેશનમાં ઘટાડો થયો હતો. મુખ્ય કોવિડ હોસ્પિટલ જી.કે. જનરલમાં બેડ ખુટી પડતાં ૧૦૦ બેડની સંખ્યા વધારવાની પ્રક્રિયા શરૂ થઈ છે. સરકારી હોસ્પિટલો ફૂલ થઈ જતાં થોડી સારવાર બાદ દર્દીઓને ઘરે રવાના કરી દેવાય છે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ ધસારો વધતા દરેક તાલુકામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તંત્ર દોડતું થયું છે. જે આંકડા ચોપડે દર્શાવાય છે તે તો સામાન્ય છે, પરંતુ બીનસત્તાવાર રીતે બમણા કેસો નોંધાઈ રહ્યા છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં ૧૦૦થી વધુ દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર પર દાખલ હોવાનું જાણવા મળ્યું છે. તો અંજારની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં કોવિડ વોર્ડના તમામ ર૬ બેડ ફુલ થઈ ગયા છે. મસ્કાની હોસ્પિટલમાં ૧૦૦ બેડની સંખ્યા સામે ૪૭ દાખલ છે. દરમિયાન જિલ્લામાં નવી ચાર કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની તજવીજ પુનઃ શરૂ થઈ છે. કથળતી સ્થિતિ વચ્ચે તંત્ર સબ સલામતની આલબેલ પોકારે છે. તેમજ પુરતો જથ્થો હોવાના દાવા કરે છે. જો કે આ અંગે હકિકતો જાણવા આરોગ્ય વડા ડો. માઢકનો સંપર્ક કરતા મિટિંગમાં વ્યસ્ત હોવાથી સંપર્ક થઈ શકયો ન હતો.