કચ્છમાં નિયમભંગ કરી ખનનની મંજૂરી અપાતા હાઇકોર્ટમાં PIL

લીઝના કાયદાકીય મોનિટરિંગની માગણી : ગામથી ૫૦૦ મીટર દૂર લીઝને મંજૂરી, રાત-દિનસ ખનનના કારણે લોકોને હેરાનગતિ : અરજદાર

ભુજ : જિલ્લામાં ભુજ નજીક આવેલા મોટા પૈયા ગામમાં નિયમો વિરૃદ્ધ ખનન પ્રવૃત્તિ માટે મંજૂરી અપાઇ હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની રિટ કરવામાં આવી છે. અરજદારની ફરિયાદ છે કે, રહેણાંક વિસ્તારની એક કિલો મીટરની હદમાં ખનનની મંજૂરી ન આપવાનો નિયમ હોવા છતાં મંજૂરી આપવામાં આવી છે. રિટ અંગે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે મૌટા પૈયા ગામમાં સરકાર દ્વારા લીઝને મંજૂરી આપવામાં આવી છે. કાયદા પ્રમાણે રહેણાંક વિસ્તાર, રોડ, રેલવેલાઇન, તળાવ કે જળસ્ત્રોતના એક કિલોમીટરની હદમાં ખનને મંજૂરી આપી શકાતી નથી, આમ છતાં અહીં ગામથી ૫૦૦ મીટર દૂર આવેલા સ્થળ પર લીઝ કાર્યરત છે. આ ઉપરાંત લીઝમાં ખનનની કામગીરી અને વિસ્ફોટ માટે પણ સમય નિયત કરવામાં આવ્યા છે, પરંતુ લીઝમાં રાત-દિવસ ખનન ખાય છે અને ગમે ત્યારે વિસ્ફોટ કરવામાં આવે છે. જેના કારણે ગામલોકોને ઘણી પરેશાની થાય છે. આ ઉપરાંત ખનના કારણે પ્રદૂષણ પણ ફેલાય છે. અરજદારોની રજૂઆત છે કે કાયદા પ્રમાણે લીઝના મોનિટરિંગના આદેશો કોર્ટે આપવા જોઇએ અને તેમાં કોઇ નિયમનો ભંગ થતો હોય તો લીઝની કામગીરી બંધ કરવી જોઇએ.