કચ્છમાં નવા સત્રથી ફરી સ્કૂલ ફીનો શરૂ થશે કકળાટ

સરકારે ગત વર્ષે ફી માફીના નામે લોલીપોપ આપ્યા બાદ આખા વર્ષમાં માંડ બે મહિના સ્કૂલો રહી હતી ચાલુ : આ વર્ષે જૂન – જુલાઈમાં સ્કૂલો શરૂ થવાના નથી કોઈ એંધાણ પણ શાળા સંચાલકો ફી માટે વાલીને કરશે દબાણ : ગત વર્ષે તો રાહતના સરકારે શાળા સંચાલકોનો પક્ષ ખેંચ્યો, આ વર્ષે પુરી ફી માફ કરવા ઉઠી માંગ

ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન પરીક્ષા એટલે ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ જેવો તાલ

ભુજ : કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે શૈક્ષણિક સત્રમાં ખલેલ પહોચી છે. ગત વર્ષે તો દિવાળી સુધી શાળાઓ બંધ રહ્યા બાદ બે મહિના સ્કૂલો ખુલી. જો કે બીજી લહેરના કારણે અનિશ્ચિતકાળ સુધી શાળાઓ બંધ કરી દેવાઈ છે. હાલમાં જુન – જુલાઈમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. જો કે, જે રીતે કોરોના વકર્યો છે તે જોતા શાળાઓ શરૂ થવાના કોઈ એંધાણ નથી, પરંતુ શાળા સંચાલકો શરૂઆતથી ઓનલાઈન શિક્ષણની સ્કૂલ ફી મુદ્દે વાલીઓ પર દબાણ કરવાનું શરૂ કરી દેશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગત વર્ષથી રાજયમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ આ શિક્ષણ કારગત સાબીત થાય તેવું નથી. ઓનલાઈન શિક્ષણ ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ જેવા તાલ જેવું છે. ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન કલાસ એટેન્ડ કરતા નથી. જો કોઈ ઓનલાઈન કલાસ કરે તો ધ્યાન આપતા નથી. શિક્ષકો પણ હળવાશના મુળમાં હોય તેમ ઓનલાઈન કલાસમાં બાળકોને ટોપીક વિશે સમજાવી શકતા નથી. તેમાં પણ ઈન્ટરનેટની રામાયણ હોય છે. વાલીઓ એવું કહે છે કે, મારો છોકરો મારૂં સાંભળતો નથી. આખો દિવસ ફોન લઈને બેસી જાય છે. સાહેબ તમે કંઈક કરો. પણ સાહેબ પોતે વિદ્યાર્થીને ઓનલાઈન કલાસમાં અડધો કલાક બેસાડી રાખવા અને તેને સમજાવવામાં ગરથોલા ખાઈ જાય છે. ઓનલાઈન કલાસ માત્ર ટાઈમપાસ પુરતું શિક્ષણ રહ્યું છે. જે સરકારે માની લેતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી ઉત્તિર્ણ કરાયા છે. સરકારને પણ ખબર છે. ઓનલાઈન શિક્ષણ મેળવેલું પરીક્ષા આપશે તો મોટા ભાગના છાત્રો એ જ કલાસમાં બે વર્ષ ખેંચી નાખશે જેથી આ વખતે માસ પ્રમોશન અપાયા હોવાનું ખુદ વાલીઓ કહી રહ્યા છે. ઓનલાઈન પરીક્ષા માત્ર નામ પુરતી કસોટી રહી છે. કારણ કે, શાળાઓ દ્વારા અપાતા કસોટીના પેપર ગુગલ કે યુ-ટયુબ પર આન્સર સીટ સાથે જોવા મળે છે. શાળાઓ એક સાથે સાત થી આઠ વિષય પ્રશ્નપત્રો વિદ્યાર્થીને આપી દે છે. અથવા દરરોજ પેપર વોટસઅપમાં મોકલાય છે, પરંતુ હકિકત એવી છે કે, ૯૯ ટકા વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રની બાજુમાં ચોપડી – નવનીત અને મોબાઈલ લઈને બેસી પલવારમાં જ જોઈ જોઈને જવાબ વહી પુરી નાખે છે. વાલીઓ પણ આ વાતથી પરિચીત છે. ખુદ માસ્તરો પણ માને છે કે, તમામ વિદ્યાર્થીઓ જોઈ જોઈને લખે છે. કોઈ રોકટોક કરવા વાળું નથી. એક વર્ષ તો જેમ તેમ વીતી ગયું પણ આ વર્ષે જો ગત વર્ષ જેવી લીપાપોતી થશે તો બાળકનું શિક્ષણ સાવ નીચલા સ્તરે આવી જશે. જેના કારણે આવનારા સમયમાં શિક્ષણનું મહત્વ ઘટી જશે. ઓનલાઈન શિક્ષણના નામે શાળાઓ ફી પણ ઉઘરાવી રહી છે. જો કે, ફીના પ્રમાણમાં શિક્ષણ અપાતું નથી. આ વર્ષે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં એડમીશનો થઈ જતા ફી માટે આગોતરી જાણ કરી દેવાઈ છે. ગુજરાતી માધ્યમની શાળાઓમાં જુન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા સાથે ફીની ઉઘરાણી શરૂ થશે. વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી પાસ થયા હોવાથી પ્રવેશનો પ્રશ્ન રહેતો નથી. પણ ફીનો પ્રશ્ન ફરી સપાટી પર કકળાટ રૂપે સામે આવે તો નવી નવાઈ નહીં કહેવાય. આ વર્ષે જો શાળાઓ બંધ રહે અને ઓનલાઈન શિક્ષણ ચાલુ રહે તો રપ ટકા માફી નહીં પણ રપ ટકા જ ફી ભરવાની રહેશે તેવો આદેશ સરકાર કરે તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે. શાળા ખુલે અને પોતાનું બાળક નીશાળે જાય તો વાલી પુરી ફી ભરવા તૈયાર છે, પણ ઓનલાઈન શિક્ષણમાં પુરી ફી ભરવી પોષાય તેમ નથી. વાલીઓના સર્વેમાં એક એવી બાબત પણ સામે આવી છે કે, ૪૦ ટકા વાલીઓને લોકડાઉન, કોરોના જેવી અસરોના કારણે ફી ભરવામાં તકલીફ પડી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ૬૦ ટકા વાલીઓ ફી ભરવામાં હપ્તાની સુવિધા ઈચ્છે છે. અમુક વાલીઓમાં ફીમાં ડીસ્કાઉન્ટ મળશે તેવી આશાએ ફી ચુકવવામાં વિલંબ પણ કરી રહ્યા છે. અમુક વાલીઓની આવક અને પરિવાર પર કોરોનાએ વ્યાપક અસર પહોંચાડી હોવાથી તેઓ ફી ભરવા હાલના તબક્કે સક્ષમ નથી. આવા સમયે પણ સરકારના ફી બાબતેના વિલંબીત નિર્ણયથી શાળા સંચાલકોને મોકળું મેદાન મળ્યું છે.