કચ્છમાં દેહદાનની કામગીરી સદંતર બંધ

કોરોનાએ બાનમાં લીધું જનજીવન :  કોવિડના કારણે છેલ્લા દોઢ વર્ષથી મેડિકલ કોલેજાે બંધ રહેતા સ્વૈચ્છિક સંસ્થાઓ નથી સ્વીકારતી ઓર્ગન : દેહદાનના સંકલ્પ લેનારા અનેક લોકોની ઈચ્છા રહી અધુરી

ભુજ : કોરોના વાયરસની મહામારીએ સમગ્ર જનજીવનને બાનમાં લઈ લીધું છે. કારણ કે, આજે માનવીઓ ધરતી પર પોતાનું આયુષ્ય ટકાવવા બિમારીથી દૂર ભાગી રહ્યા છે. જયારે જે લોકોએ પ્રાણ ગુમાવ્યા છે તેવા લોકોની મૃત્યુ પર્યંત પણ ઈચ્છાઓ અધુરી રહી ગઈ છે. ઘણા લોકો જીવતે જીવ લોકોને મદદરૂપ થતા હોય છે અને મૃત્યુ પછી પણ અનેક લોકોને ઉપયોગી થાય તેવો દ્રઢ સંકલ્પ લઈ પોતાના પરિવાર પાસે એવી ઈચ્છા રાખતા હોય છે કે, મૃત્યુ પછી તેઓના દેહનું દાન કરવામાં આવે. જાે કે, કોરોનાના કારણે દોઢ વર્ષથી આ કામગીરી સદંતર બંધ થઈ જતા અનેક પરિવારોની ઈચ્છા અધુરી રહી ગઈ છે.

આ અંગેની વિગતો મુજબ કોરોના બિમારી પહેલા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગામે ગામ જઈ લોકોને અંગદાન અંગે સમજ આપવામાં આવતી હતી. ઘણા લોકો મૃત્યુ પછી અંગદાનનો ઈન્કાર પણ કરતા હોય છે. ઘણા લોકો સામે ચાલીને દેહદાન માટે આગળ આવે છે. કોવિડ પહેલા અંગદાનનું પ્રમાણ ઘણું હતું. જાે કે, કોરોના વાયરસે આરોગ્યની સ્થિતિમાં આપણને ડામાડોળ કરી નાખ્યા છે. મેડિકલ કોલેજાે પણ બંધ થઈ ગઈ છે. સમગ્ર તંત્ર અને સરકાર બિમારીને ડામવા લોકોની સારવારમાં જાેતરાઈ જતા આ પ્રવૃતિ સાવ ઠપ્પ થઈ ગઈ છે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ છે.

કોરોનાના ભયના કારણે મેડિકલ કોલેજાે અંગદાન સ્વીકારવા પણ તૈયાર નથી. જેના કારણે કોવિડ પહેલા જે લોકોએ અંગદાનના સંકલ્પ કર્યા હતા, અને દોઢ વર્ષના સમયગાળામાં જેઓ ઈશ્વરે સિધાવી ગયા તેવા લોકોની અંતિમ ઈચ્છા પણ પુરી થઈ નથી. જે લોકોનું કોવિડના કારણે અવસાન થયું છે, તેવા લોકોએ તો પોતાના ઘરમાં અંતિમ ફેરા પણ ફર્યા નથી. સીધા હોસ્પિટલથી સ્મશાનમાં જવાની સ્થિતિ સર્જાઈ છે. ધરતી પર જીવતો માનવી કોરોનાથી ત્રસ્ત છે અને પોતાના મોજશોખ બિમારી અને નિયંત્રણોના કારણે પુરા કરી શકતો નથી. પરંતુ મૃત્યુ પામ્યા પછી પણ કોરોનાના કારણે ઈચ્છાઓ અધુરી રહી ગઈ છે.  આ બાબતે સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલી માનવ જયોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરને પુછતા તેમણે અંગદાનની પ્રવૃતિ કોરોનાના કારણે બંધ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તો લાયન્સ કલબના મનસુખભાઈ નાગડાએ કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે દેહદાનની પ્રવૃતિ બંધ છે.

ઉદયપુરમાં મેડિકલ કોલેજ બંધ હોવાથી દેહદાન સ્વીકારાતા નથી. હાલમાં અમારી પાસે અમુક લોકો દેહદાન માટે આવતા હોય છે પરંતુ મેડિકલ કોલેજ બંધ હોવાથી અંગદાન સ્વીકારાઈ શકાય તેમ ન હોવાનું સમજાવી રહ્યા છીએ. જાે કે ચક્ષુદાન સ્વીકારવાની કામગીરી ચાલુમાં છે.