કચ્છમાં તંત્ર, પોલીસ, એનડીઆરએફ સહિતનાઓની સંયુક્ત કવાયત વચ્ચે વાવાઝોડાની ઘાત ટળી

છેલ્લા ત્રણ દિવસથી તમામ અધિકારી – કર્મચારીઓ વાવાઝોડા સામે લડવા બન્યા હતા સજ્જ : તકેદારીના તમામ પગલાં વચ્ચે વાવાઝોડું ફંટાઈ જતા તંત્રએ અનુભવ્યો રાહતનો દમ

ભુજ : કચ્છ પરથી તો તાઉતે વાવાઝોડાની ઘાત ટળી છે, પણ સૌરાષ્ટ્રમાં ભારે નુકસાની થઈ છે. હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટીન પ્રમાણે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં વાવાઝોડું પરિવર્તિત થઈ જશે. આ વાવાઝોડું ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફ ફંટાવાની શક્યતા છે. આવતીકાલથી વાવાઝોડાનું સંકટ સાવ ઘટી જશે તેવું જણાવાયું છે. અગાઉ કચ્છમાં નલિયાથી પોરબંદર વચ્ચેના દરિયામાં વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી હતી, જે અનુસંધાને અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી, મુન્દ્રા, અંજાર, ભુજ, ગાંધીધામ, રાપર, ભચાઉ તાલુકામાં નોડલ ઓફિસરો નિમવા સાથે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા હતા. કાંઠાળ વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર, દરિયાઈ ગામોમાં સમિતિ બનાવાઈ હતી. તકેદારીના ભાગરૂપે રાહત ટુકડીઓ જિલ્લામાં તૈનાત કરી દેવાઈ, દરિયાઈ ગામો ખાલી કરાવાયા, ઠેર-ઠેર હોર્ડિંગ્સ ઉતારી લેવાયા હતા. જિલ્લામાં વાવાઝોડું ત્રાટકે તેવી દહેશતને ધ્યાને લઈને જ તંત્ર દ્વારા કામગીરી કરાઈ હતી. પ્રભારી સચિવ જે.પી. ગુપ્તા સમગ્ર પરિસ્થિતિનું મોનીટરીંગ રાખતા હતા. ઉપરાંત કલેક્ટર પ્રવિણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા, આરએસી કુલદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારીઓ મનિષ ગુરૂવાની, વિમલ જોષી, પ્રવિણસિંહ જેતાવત, મેહુલ બારાસરા, પી.એ. જાડેજા સહિતનાઓ દ્વારા પોતાના સબ ડિવિઝનમાં મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીની ટીમો બનાવી લોકોને સચેત કરાયા હતા. જિલ્લામાં તકેદારીના તમામ પગલાં વચ્ચે આખી રાત તંત્ર જાગતું રહ્યું. જોકે, વાવાઝોડાની આફત ટળી છે તેમજ જિલ્લામાં ભારે વરસાદ પણ થયો નથી. પવન ફુંકાવાના કારણે ક્યાંક વીજ વિક્ષેપ કે વૃક્ષ ધરાશાયી અને હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. બાકી ક્યાંય નુકસાની થઈ નથી. ટીમવર્કના કારણે આ વાવાઝોડાની ઘાતને ઘટાડી શકાઈ છે.