કચ્છમાં ચોમાસુ ઢુંકળું : ૧પ જૂનથી મોન્સુનની સત્તાવાર એન્ટ્રી

પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ વરસાદ વરસતો રહેશે તેવી હવામાન વિભાગની આગાહી : ખેડૂતો જમીન સમતળ કરવા સહિતની કામગીરીમાં પરોવાયા

ભુજ : જેમ કોરોના વાયરસની મહામારી આખું વરસ હોય છે તેમ હવે ચોમાસાની સિઝન પણ બારમાસી બની છે. શિયાળો હોય કે ઉનાળો દર મહિને મેઘરાજાની લટાર જાેવા મળતી હોય છે તે વચ્ચે કચ્છ સહિત રાજયમાં જૂન મહિનાથી ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થશે. જેના પગલે ખેડૂતોએ જમીન સમતળ કરવા સહિતની કામગીરી શરૂ કરી દીધી છે.

આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં પાછલા બે ચોમાસા સારા વીત્યા છે, જેના કારણે ઉનાળામાં પાણીની તંગીની મોટી બૂમરાડ કયાંય સામે નથી આવી, ઉપરાંત પાક પણ સારો થયો છે. જાે કે, કમોસમી માવઠાનો દોર અવિરત જારી રહેતા કયાંક ખેતીને નુકશાની પહોંચી હોવાના બનાવો પણ સામે આવ્યા છે. તે વચ્ચે હાલમાં પણ વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. જાે કે, ચોમાસું નજીક હોવાથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ વરસી શકે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. ભુજ સ્થિત હવામાન કચેરીના નિયામક રાકેશકુમારે કહ્યું કે, કચ્છમાં ૧પ થી ર૦ જૂનના સમયગાળા દરમ્યાન ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થશે. હાલમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે થન્ડરસ્ટ્રોમ થવાથી જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ સત્તાવાર ચોમાસા સુધી વરસાદ વરસતો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળમાં ૧ જૂને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થયા બાદ મુંબઈ અને ત્યાર બાદ દક્ષિણ ગુજરાતની વાટે કચ્છમાં ચોમાસાનો પ્રવેશ થતો હોય છે, પરંતુ પાછલા બે વર્ષોથી કચ્છમાં ચોમાસાએ વહેલી દસ્તક દીધી હોવાનું જણાઈ રહ્યું છે. આ વર્ષે પણ ચોમાસુ ઢુંકળું દેખાઈ રહ્યો હોવાના અહેવાલો મળતા જગતનો તાત બિયારણની ખરીદી, જમીન સમતળ કરવાની કામગીરી ઉપરાંત ખેતરોના શેઢે પાળા બાંધવા, ખેતરોમાં છેણીયું ખાતર અને માટી નાખવા સહિતની કામગીરીમાં જાેતરાઈ ગયા છે.