કચ્છમાં ગુલાબી ઘોમડોના નાશ થયેલા ઈંડા અને પક્ષીઓના મોત મામલે વનતંત્ર જાગ્યુ : જો કે વન વિભાગને 12 મૃત પક્ષીઓ અને 3 તૂટેલા ઈંડા જ મળ્યા

વનતંત્રએ સર્વે કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાનુ જણાવ્યુ : ઈંડા અને પક્ષીઓના થયેલા મૃત્યુના આંકડાઓમાં ગણાવ્યો અતિરેક

ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં ગુલાબી ઘોમડો નામના અલભ્ય પક્ષીના પાંચ હજારથી વધુ ઈંડા અને હજારો બચ્ચાઓનો નાશ કરાયાના ચોકાવનાર આક્ષેપ બાદ વનતંત્ર હરકતમાં આવ્યુ છે. જો કે પક્ષકાર અને કચ્છના ડીસીએફ દ્વારા અપાયેલી વિગતોમાં વિરોધાભાષ જોવા મળી રહ્યો છે.

સમગ્ર બનાવ અંગે પક્ષીવિદ્દો દ્વારા સરહદી કચ્છમાં પક્ષીઓની વસાહતમાં પ્રકૃતિથી અજાણ બેદરકાર કામદારો, કોન્ટ્રાક્ટર અને કંપનીના સત્તાવાળાઓની બેદરકારીના કારણે ગુલાબી ઘોમડોના હજારો ઈંડા અને બચ્ચાઓ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કચ્છનું એકમાત્ર પ્રજનન સ્થળ છે. અને તેનું પણ નખોદ વાળવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. પક્ષકારના દાવા મુજબ પ હજારથી વધારે ઈંડા નાસ થયેલો છે. તો કેટલાક પક્ષીઓ પણ મૃત્યુ પામ્યા છે. અને આ અંગે વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. તો બીજી તરફ પૂર્વ ક્ચ્છ વનવિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરે સમગ્ર ઘટના બાબતે વિપરિત નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતુ કે, પાંચ હજાર ઇંડાનો નાશ થયો છે તે આંકડો અતિરેક છે. ટીમને સ્થળ પર તપાસ માટે મોકલાવી છે, જ્યાં 12 પક્ષીઓના મૃતદેહ જોવા મળ્યા છે. જેઓને પીએમ માટે મોકલવામાં આવ્યા છે, તો 3 ઈંડા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે 500થી વધુ ઈંડા જ હોવાનું જણાવ્યું હતું તેમજ કથિત રીતે જે કોન્ટ્રાકટર અને મજૂરો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, તેઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. જેઓ સામે વાઈલ્ડ લાઇફ એક્ટ પ્રમાણે કામગીરી કરવામાં આવશે. એક તરફ પક્ષીવિદ પાંચ નહિ પચીસ હજાર ઈંડાના નાશની વાત કહે છે, જ્યારે બીજી તરફ વનવિભાગ માત્ર 500 ઈંડા જ હોવાનું નિવેદન આપે છે. તેથી સાચું કોણ એ સવાલ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે