કચ્છમાં કોરોના બેકાબુ, મુખ્યમંત્રી સત્વરે જિલ્લાની મુલાકાત ગોઠવે : તારાચંદ છેડા

જિલ્લામાં રેમડેસિવીર, વેન્ટીલેટર, ઓક્સિજનની અછત : પરિસ્થિતિ તંત્રના કાબુમાં નથી ત્યારે રાજ્યના વડા કચ્છમાં પ્રશ્નોનું લાવે નિરાકરણ

ભુજ : કચ્છ જિલ્લામાં કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે પરિસ્થિતિને કંટ્રોલમાં લેવા રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સત્વરે આ જિલ્લાની મુલાકાત લઈ કોરોનાની પરિસ્થિતિને કંટ્રોલમાં લેવા પગલાં ભરે તે માટે પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ રજૂઆત કરી છે.
કચ્છ જિલ્લામાં કોરોના બિમારીની પરિસ્થિતિ દિવસો દિવસ વિકટ બનતી જાય છે ત્યારે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીનભાઈ પટેલને સુરત અને રાજકોટની જેમ જ કચ્છ જિલ્લાની મુલાકાત લઈ અધિકારીઓ, પદાધિકારીઓ, સ્વૈચ્છીક સંસ્થાના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરી કોરોનાની ગંભીર પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે તારાચંદભાઈ છેડાએ અનુરોધ કર્યો છે. શ્રી છેડાએ વિનંતી પત્રમાં કચ્છ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવીર ઈન્જકેશન, વેન્ટીલેટર, ઓકિસજન વિગેરેની ખૂબ જ અછત ઉભી થઈ છે ત્યારે આ બાબતે બન્ને મહાનુભાવોએ સ્થાનિકે આવી વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ થાય અને મોતના મુખમાં ધકેલાતા દર્દીઓને નવજીવન મળે તેવી રજુઆત કરતા શ્રી છેડાએ જણાવ્યું હતું કે, હવે આ પરિસ્થિતિમાં કચ્છના વહિવટીતંત્રના અથાગ પ્રયત્નો છતાં પરિસ્થિતિ હાથ ઉપર રહી નથી ત્યારે તમારે બન્ને મહાનુભાવોએ તાત્કાલિક કચ્છની મુલાકાત લઈ બેઠક ગોઠવી અને કોરાના બિમારી સામેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અનુરોધ કર્યો હતો.
કચ્છીમંત્રી વાસણભાઈ આહિરને પણ શ્રી છેડાએ આ પત્રની નકલ મોકલી આ પ્રશ્ન બાબતે આગામી બુધવારે કેબિનેટની મિટીંગમાં ચર્ચા કરી અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. ઉપરાંત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ શ્રી છેડાએ પત્રની નકલ મોકલી આ પ્રશ્ન બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.