કચ્છમાં કોરોનાનો વધુ એક ફૂંફાડો : આજે નવા 41 પોઝિટીવ કેસ નોંધાયા

રાજ્યમાં 24 કલાકમાં સર્વાધિક 4021 દર્દી કોરોના સંક્રિમત બન્યા, મહામારીથી 35નું મોત

ભુજ : કચ્છમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં બે મુખ્ય મથકો ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યુ પણ લગાવી દેવાયો છે. તેમ છતાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે. તેવામાં આજે ગુરૂવારે વધુ 41 કોરોના પોઝિટીવ કેસો આ સરહદી જિલ્લામાં સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે કોરોનાથી જૂનો રેકોર્ડ બ્રેક થતા 4021 દર્દી સંક્રિમત બન્યા છે. તો રાજ્યમાં કોરોનાને કારણે 35 દર્દીઓનું મોત નીપજ્યુ છે. કચ્છની વાત કરીએ તો જિલ્લામાં લાંબા સમય બાદ એક સામટા 41 કેસો સામે આવતા ભયનું લખલખું પ્રસરી ગયું છે. કચ્છમાં પણ કોરોના તેના જૂના રેકોર્ડ બ્રેક કરીને પોઝિટીવ કેસોનાં આંકમાં વધારો કરી રહ્યો છે. જો આજે કોરોના પોઝિટીવ 22 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ. આજે કચ્છમાં વધુ 41 પોઝિટીવ કેસ સામે આવતા જિલ્લા કુલ પોઝિટીવ કેસનો આંક 5264 થયા છે. જ્યારે જિલ્લા અત્યાર સુધી 4828 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તો જિલ્લામાં હાલની સ્થિતિએ 280 કોરોનાના એક્ટિવ કેસો છે.