ટીડીઓ, ટીએચઓ અને ટીપીઈઓના નેજા હેઠળ તલાટી, વીસીઈ અને શિક્ષકોને કામગીરીમાં જોતરી દેવાયા : રસીકરણને ઝડપી બનાવવા સરકારે આરોગ્ય કર્મચારીઓની એપ્રિલની તમામ રજાઓ કરી દીધી રદ્દ : ૩ થી ૬ એપ્રીલ સુધી ગ્રામ પંચાયત કક્ષાએ કોવિડ રસીકરણ કરાશે

(બ્યુરો દ્વારા)ભુજ : એક તરફ દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે જેને માથે સૌથી મોટી જવાબદારી આવી છે તેવા આરોગ્ય કર્મચારીઓ આ કોરોના કાળમાં સાચા અર્થમાં ભગવાન બનીને સામે આવ્યા છે. ત્યારે કોરોના વાયરસની બીજી લહેરને પગલે હવે આરોગ્ય કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. કચ્છમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે તે જોતા વેક્સીનેશન અભિયાનને પ્રોત્સાહિત કરવા આરોગ્ય વિભાગે તનતોડ મહેનત કરતા હેલ્થ વર્કરોની કામગીરીમાં વધારો થયો છે. તેમાં પણ આજથી કચ્છના ગામે ગામ મહા વેક્સિનેશન અભિયાનનો આરંભ કરી દેવાયો છે. તે જોતા એપ્રીલના અંત સુધીમાં મહતમ કચ્છીઓને રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવાનો વ્યાયામ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને યુદ્ધના ધોરણે ચાલતા રસીકરણની કામગીરી વચ્ચે કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ આરોગ્ય કર્મમચારીઓની તમામ રજાઓ રદ કરી દીધી છે. આ સાથે જ કોરોના વેક્સિનેશન ઝડપી બનાવવા માટે આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. તમામ જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય કર્મચારીઓની રજાઓ સમગ્ર એપ્રિલ માસમાં રદ્‌ થઈ છે. કચ્છમાં પણ વેકસીનેશન અભિયાનને મહત્તમ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જે રીતે કેસો વધી રહ્યા છે તે જોતા તંત્રએ રસીકરણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કલેકટર દર બે દિવસે કોવિડ કોર કમિટીની બેઠક યોજી પરિસ્થિતિનો ચિતાર મેળવવા સાથે રસીકરણ અભિયાનનું સ્ટેટસ જાણી રહ્યા છે. વિશાળ એવા જિલ્લામાં મહત્તમ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાય તે માટે આયોજનબદ્ધ માળખું ગોઠવાયું છે. દરેક તાલુકામાં ટીડીઓ અને ટીએચઓને આ માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તાલુકામાં આવતી પીએચસી અને સીએચસી ઉપરાંત સબ સેન્ટરો, આંગણવાડી, શાળાઓ સમાજવાડીઆમાં સેશનનો આરંભ થઈ ચુકયો છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના આગેવાનો પણ રસીકરણ અભિયાનમાં તંત્રની પડખે આવ્યા છે. આ માસના અંત સુધીમાં મહત્તમ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે તેવી શક્યતાઓ હાલના તબક્કે પ્રવર્તી રહી છે. અત્યારે પણ જિલ્લામાં ૧.૩૦ લાખથી વધુ લોકોએ રસી મેળવી લીધી છે. દરરોજ આઠથી દસ હજાર લોકો રસી લઈ રહ્યા છે. દરમ્યાન સરકારે જાહેરાત કરી છે કે, એપ્રીલ માસમાં એક પણ રજા વીના દરરોજ વેક્સિનેશન કરવામાં આવશે. ખાસ તો આ માટે આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત શિક્ષકો, તલાટીઓ સહિતના સરકારી કર્મચારીઓને પણ જોડી દેવાયા છે. વહીવટી તંત્રના સત્તાવાર પરિપત્ર પ્રમાણે પીએચસીએ પોતાના વિસ્તારમાં નક્કી કરેલ સેશન સાઈડ પર વેકસીનેટરની વ્યવસ્થા કરવાની રહેશે જેમાં એફએચડબલ્યુ, સીએચઓ સ્ટાફ નર્સને નીમી શકાશે. આ સ્થળો પર પ્રુફ વેરીફીકેશન માટે શિક્ષક તથા લાભાર્થીઓને એન્ટ્રી કરાવવા માટે વીસીઈ (ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર)ની વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે તમામ તાલુકામાં ટીડીઓ અને ટીપીઈઓને જવાબદારી સોંપાઈ છે. જેમ લોકડાઉન સમય સમગ્ર તંત્ર લોકડાઉનની અમલવારી અને લોકોની સેવામાં ખડે પગે રહ્યું તેમ હવે વેક્સિનેશન માટે સમગ્ર સ્ટાફને જોતરી દેવાયો છે. જિલ્લામાં ૩ થી ૬ એપ્રીલ સુધી ચાર દિવસનું મહા
વેકસીનેશન અભિયાન શરૂ કરાયું છે. જેમાં ભુજ તાલુકામાં આવતા ૧૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત ૬૬ જેટલા ગ્રામ પંચાયત વિસ્તારમાં વેક્સિનેશનનું આરંભ થયો છે. દરમ્યાન મુંદરામાં પણ આ દિવસ દરમ્યાન કુલ્લ ૭પ સ્થળોએ કુલ્લ ર૩૧૬૧ લોકોને રસીકરણમાં આવરી લેવાનું લક્ષ્યાંક છે. અબડાસામાં પણ ચાર દિવસ સુધી વીનામુલ્યે તમામ ગામોમાં રસી આપવાની શરૂઆત થઈ છે. માંડવીમાં ગ્રામ પંચાયત દીઠ કરાયેલા આયોજનમાં ૪૦ સ્થળોએ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તમારા ભૂલકાઓને સાચવજો

ભુજ : બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને ડોક્ટર્સ ચિંતામાં મૂકાયા છે. હવે બાળકો પણ ઝડપભેર કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. કુમળી વયના બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. આવામાં માતાપિતાએ ચેતી જવાની જરૂર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાળકોના માથા પર ઘાત લઈને આવી છે, ત્યારે વાલીઓ સજાગ બને અને પોતાના બાળકો બહાર નિકળે ત્યારે માસ્ક પહેરે તેમજ બહારથી આવે ત્યારે હાથ સેનીટાઈઝ અને હેન્ડવોસ કરે તે અનિવાર્ય બન્યું છે.

૧૫થી ૨૦ એપ્રિલ વચ્ચે પીક પર પહોંચશે કોરોનાની બીજી લહેર

ભુજ : દેશમાં એક મહિનાથી કોરોનાના દૈનિક કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાની આ બીજી લહેર એપ્રિલના મધ્યમાં પીક પર પહોંચી જવાનો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. વૈજ્ઞાાનિકોએ ગણિતીય મોડેલનો ઉપયોગ કરીને અંદાજ મૂક્યો છે કે એપ્રિલના મધ્ય સુધીમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો પીક પર પહોંચી જશે અને મે મહિનાના અંત સુધીમાં કોરોનાના કેસમાં ઘણો ઘટાડો જોવા મળી શકે છે.