કચ્છમાં કોરોનાની રોકેટ ગતિ : પેન્ડિંગ રિપોર્ટના ઉંચકાતા ગ્રાફથી લોકોને હાલાકી

સરકારી ચોપડે નોંધાયેલા દર્દીઓ કરતા વાસ્તવિક આંકડો અનેકગણો હોવાની ચર્ચા : રીપોર્ટ આવવામાં ૪૮ કલાક કરતા વધુ સમય નિકળી જતો હોઈ ન માત્ર દર્દીઓ પરંતુ તેના પરિવારજનો પણ સતત રહે છે ચિંતામાં :દૈનિકની ટેસ્ટીંગ ક્ષમતા કરતા સેમ્પલ વધુ આવતા સર્જાતી સમસ્યા

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું હોઈ પોઝીટીવ કેસનો આંક સતત ઉંચકાઈ રહ્યો છે. ગઈકાલે તો સરકારી ચોપડે પ્રથમ વખત પોઝીટીવ દર્દીઓની સંખ્યા પ૦ને પાર પહોંચી હતી. જિલ્લામાં સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે પેન્ડિંગ રીપોર્ટના ઉંચકાતા ગ્રાફથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગેની વિગતો મુજબ કોરોનાની બીજી લહેરે લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાવ્યો છે. અગાઉ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણની ગતિ ધીમી હતી.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શહેરોની સાથોસાથ ગ્રામ્ય પંથકમાં પોઝીટીવ દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે. વાયરલ ફીવરના લક્ષણો ધરાવતા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ મોટા ભાગે સ્થાનિક ડોકટર પાસે સારવાર કરાવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ જિલ્લામાં હાલે ૩પ૦ એક્ટિવ પોઝિટીવ કેસો છે. જિલ્લાની સરકારી હોસ્પિટલ કરતા ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યા અનેકગણી વધુ છે. આ દર્દીઓ પૈકીના અનેકના પરિવારજનો આઈસોલેટ થતા ન હોઈ સંક્રમણ વધુ વકરશે તેવી ભીતિ પણ વ્યકત થઈ રહી છે. જિલ્લામાં સરકારી તંત્ર દ્વારા દૈનિકના જે સેમ્પલો લેવાઈ રહ્યા છે તેની સામે જાહેર કરાતા રીપોર્ટની સંખ્યા ખુબ જ નીચી જોવા મળી રહી છે. એટલે પેન્ડિંગ રીપોર્ટનો આંક સતત ઉંચકાઈ રહ્યો છે.જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા દર્દીઓ કરતા વાસ્તવિક આંકડો અનેકગણો હોવાની ચર્ચા છે. રીપોર્ટ આવવામાં ૪૮ કલાક કરતા વધુ સમય નિકળી જતો હોઈ ન માત્ર દર્દીઓ પરંતુ તેના પરિવારજનો પણ સતત ચિંતામાં રહે છે. કચ્છમાં દૈનિકની ટેસ્ટીંગ ક્ષમતા કરતા સેમ્પલ વધુ આવતા હોઈ આ સમસ્યા સર્જાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સેમ્પલીંગની કામગીરી તો તેજ બની રહી છે, પરંતુ આ સેમ્પલોની ચકાસણી માટે સરકારી લેબમાં પુરતી ક્ષમતા ન હોઈ રીપોર્ટ આવવામાં ખુબ જ સમય નિકળી જાય છે. ત્યારે જો લેબોમાં ટેસ્ટીંગ ક્ષમતા વધારાય તો પોઝીટીવ દર્દીઓનો આંક પણ ખુબ જ ઉંચકાય તેમ છે.