કચ્છમાં કોરોનાના 181 કેસ : ગઈકાલની તુલનાએ 63નો ઘટાડો

ભુજ : રાજ્યમાં બેકાબૂ બનેલી કોરોના મહામારી પર આંશિક અંકુશ આવ્યો છે. પરંતુ કચ્છમાં પોઝિટીવ કેસો નાટકિય ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે કચ્છમાં કોરોનાએ ફરી બેવડી સદી ફટકારી હતી. તો આજે ફરી પાછો પોઝિટીવ આંક ઘટીને 181 થયો હતો. જિલ્લામાં રવિવારની તુલનાએ સોમવારે કોરોનાના 65 કેસો વધ્યા હતા. તો સોમવારની તુલનાએ મંગળવારે પુનઃ 63 કેસનો ઘટાડો નોંધાયો હતો. આમ સોમવારે કચ્છમાં કોરોનાના સર્વાધિક 244 કેસ નોંધાયા બાદ મંગળવારે 181 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જો કે રાજ્યમાં પોઝિટીવ કેસનો આંક ઘટીને 10,990 નોંધાયો હતો. તો આ મહામારીમાંથી 15 હજાર 198 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 118 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંક 1 લાખ 31 હજારને પાર થયો છે. કોરોના મહામારીના સંકજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમા સોવમવારની તુલનાએ મંગળવારે  પોઝિટીવ કેસો ઘટીને 181 નોંધાયા હતા. કચ્છમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધુ ફેલાયુ છે. સ્વૈચ્છિક લોકડાઉનરૂપી નિયંત્રણો અને રાત્રિ કર્ફ્યુ વચ્ચે પણ કોરોના કેસો કુદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે લોકોને વધુ સતર્કતા દાખવવી અનિવાર્ય છે.