કચ્છમાં કોરોનાએ જૂનો રેકોર્ડબ્રેક કરી વધુ 58 લોકોને કર્યા સંક્રમિત

રાજ્યમાં પણ કોરોનાનો વધતો જતો આંક : 24 કલાકમાં નવા 6,690 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

ભુજ : સરહદી કચ્છમાં કોરોના મહામારીએ બરાબરનું માથું ઉચક્યુ છે. દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે તો કચ્છમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ શરૂઆતથી લઈને અત્યાર સુધીના જૂના રેકોર્ડ બ્રેક કરીને કોરોનાએ આજે કચ્છમાં 58 લોકોને સંક્રમિત કર્યા હતા. તો રાજ્યમાં 24 કલાકમાં નવા 6,690 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા.

મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં બે મુખ્ય મથકો ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યુ પણ લગાવી દેવાયો છે. તો અન્ય શહેરમાં પણ સ્વૈચ્છિક નાઈટ કર્ફ્યુ અમલી બન્યો છે. તેમ છતાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે. સોમવારે કચ્છમાં 50 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા બાદ આજે મંગળવાર પણ અમંગળ સાબિત થતા જિલ્લામાં સર્વાધિક 58 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. તો સમગ્ર રાજ્યમાં આજે કોરોના રેકોર્ડ બ્રેક નવા 6,690 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. કચ્છની જ વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પોઝિટીવ દર્દીઓનો આંક 50ની આસપાસ રહે છે. ત્યારે આજે પણ એક સામટા 58 કેસો સામે આવતા કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો છે. કચ્છમાં કુદકેને ભુસકે વધતા કોરોનાના કેસોને કારણે ભયનું લખલખું પ્રસરી ગયું છે. લોકોની બેફિકરાઈ કહો કે, આરોગ્ય તંત્રની બેદરકારી કે, પછી તંત્રની બેજવાબદારીને કારણે કોરોનાના વધતા જતા કેસો પર અંકુશ આવી શકતો નથી. જો કે આજે પણ કચ્છમાં કોરોના પોઝિટીવ 22 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ. કચ્છમાં વધુ 58 પોઝિટીવ કેસ સામે આવતા જિલ્લામાં કુલ પોઝિટીવ કેસનો આંક 5,525 થયો છે. જ્યારે જિલ્લા અત્યાર સુધી 4966 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તો જિલ્લામાં હાલની સ્થિતિએ કોરોનાના 447 કેસો એક્ટિવ છે.