જિલ્લામાં ૬ સપ્લાયરો કાર્યરત : ૪૩૬૦ બોટલો હોસ્પિટલો માટે અનામત રાખવા જિલ્લા સમાહર્તાનો આદેશ : હોસ્પિટલ મુજબ સપ્લાયર વેન્ડર કરાયા નક્કી : નોડલ ઓફિસરોને પણ સોંપાઈ જવાબદારી

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાએ કચ્છમાં હાહાકાર મચાવ્યો હોઈ પોઝિટીવ દર્દીઓની સંખ્યા ચિંતાજનક સ્તરે વધતી જઈ રહી છે. એકતરફ હોસ્પિટલો દર્દીઓની ભીડથી ઉભરાઈ રહ્યા છે. બીજીતરફ ઓક્સિજનની માંગમાં પણ ઉછાળો આવતા મેડિકલ ઈમરજન્સી સમાન સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં ઓક્સિજનનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે તમામ સપ્લાયરોને મેડિકલ માંગને પ્રાધાન્ય આપવા પણ જિલ્લા સમાહર્તા દ્વારા આદેશ બહાર પડાયો છે.
આ અંગેની વિગતે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં હાલે ઓક્સિજનના ૬ સપ્લાયરો કાર્યરત છે, જેમના દ્વારા દૈનિક ૪૬૧૦ સિલિન્ડરનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદનમાંથી ૪૩૬૦ સિલિન્ડરો હોસ્પિટલ માટે અનામત રાખવા આદેશ કરાયો છે. જિલ્લામાં સરકારી તેમજ ખાનગી મળી કુલ ૪ર હોસ્પિટલોમાં હાલે કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, ત્યારે આ તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરવા માટે સપ્લાયરો પણ નિર્ધારીત કરવામાં આવ્યા છે. તેની સાથો સાથ સબંધીત સપ્લાયરોના નોડલ ઓફિસરોના નામ તેમજ સંપર્ક નંબરો પણ નિર્ધારીત કરાયા છે.