કચ્છમાં ઓક્સિજનની ખપત અઢી ગણી વધી : 5 પ્લાન્ટ સ્થાપાશે

ભુજમાં રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોવિડ-19 અંગે સમીક્ષા બેઠક યોજાઈ : કચ્છમાં ઓક્સિજનની અછત દૂર કરવા ભુજ, અંજાર, માંડવી તેમજ ગાંધીધામમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાશે

ભુજ : અહીંની કલેકટર કચેરી મધ્યે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને બેઠક તથા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં હાલની પરિસ્થિતિ વિશે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે રાજ્યમંત્રીએ પત્રકારોને પણ વિસ્તૃત માહિતી આપી હતી.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક દર અઠવાડીયે યોજાય છે. જેમાં નક્કી કરાયું હતું કે, જિલ્લાના પ્રભારીઓ, જિલ્લાના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ વગેરે સાથે સમીક્ષા બેઠક કરાય. જે અનુસંધાને ભુજ કલેક્ટર કચેરી મધ્યે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને બેઠક તથા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા જે 80 વેન્ટીલેટર ફાળવવાની જાહેરાત કરાઈ હતી તે મળી ગયા છે. અન્ય એક પ્રશ્નમાં તંત્રની યાદીમાં બેડ ખાલી બતાવાય છે. પંરતુ જ્યારે હોસ્પિટલમાં દર્દીને દાખલ કરાવવા માટે લઈ જવાય છે ત્યારે બેડ ફુલ છે તેવું જવાબદારો દ્વારા કહેવામાં આવે છે. તેમજ હોસ્પિટલમાં 2 હજાર બેડની જે જાહેરાત કરાઈ હતી, ત્યારે કચ્છમાં અગાઉથી જ 2 હજાર બેડની વ્યવસ્થા હતી. જિલ્લામાં 46 હોસ્પિટલમાં 3 હજાર 803 બેડ હાલ કાર્યરત છે. જેમાં 1200 ઓક્સિજન બેડનો સમાવેશ થાય છે. તથા વધારે 300 બેડની વ્યવસ્થા કરાઈ રહી છે. ઉપરાંત ભુજ સમરસ કોવિડ સેન્ટર, ગાંધીધામના ગોપાલપુરી કોવિડ સેન્ટર, અબડાસાના રાતા તળાવ કોવિડ સેન્ટર, પાટીદાર કન્યા છાત્રાલય નખત્રાણા, લીલીશા કુટીયા ગાંધીધામ, ડીપીટી ગાંધીધામ, ગાંધી બાલિકા વિદ્યાલય ભચાઉ, નવજીવન હોસ્પિટલ અંજાર વગેરે આધુનિક બનાવાશે. ઉપરાંત કચ્છની હોસ્પિટલોમાં વેન્ટિલેટરની પણ સગવડ કરવામાં આવી છે. આ તકે ખાનગી હોસ્પિટલના તબીબોની સેવા પણ લેવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો દ્વારા પુછાયેલા પ્રશ્ન જી.કે જનરલ હોસ્પિટલનો ગેટ શા માટે બંધ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ઓક્સિજન સિલિન્ડર જી.કે.માં પહોંચતા વાર લાગી હતી. એટલે બંધ રખાયો હતો. અને આ પ્રશ્નનો સાચો જવાબ રિપોર્ટ બાદ બહાર આવશે. અન્ય એક પ્રશ્ન કચ્છમાંથી 700 ઓક્સિજન સિલિન્ડર બીજા જિલ્લામાં જાય છે, તેનો જવાબ આપતા જણાવ્યુ હતું કે, આ અંગે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત રેમડેસિવીર ઈન્જેક્શનની કાળા બજારી, ઈન્જેક્શનો માટે લાગતી લાંબી લાઈનો, ઉપરાંત ઈન્જેક્શનનું મોડુ કરાતું વિતરણ સહિતના પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. જેમાં વાસણભાઈ આહિરે કહ્યું હતું કે, ઓક્સિજન બાબતે વપરાશ ખુબ જ વધ્યો છે. અગાઉ 22 ટનની જરૂરીયાત હતી, જે હવે વધીને 55 ટન પર પહોંચી છે. જેથી શોર્ટેજ સરજાય છે, જે આગામી દિવસોમાં નિવારવામાં આવશે. વધુમાં ઉમેર્યું હતું કે, ઓક્સિજનની ઘટ પુરી કરવા માટે કચ્છમાં 5 જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાશે. જેમાં ભુજમાં-1, અંજારમાં-1, ગાંધીધામમાં-2, માંડવીમાં-1નો સમાવેશ થાય છે. તો ગુજરાત સરકાર દ્વારા કચ્છના દર્દીઓ માટે 10 એમ્બ્યુલન્સ ફાળવાઈ છે જેથી દર્દીઓને રાહત થશે. રેમડેસિવીર ઈન્જેક્શન બાબતે કહ્યું હતું કે, તેનો જથ્થો વધુને વધુ મળે તેવી માંગ મુખ્યમંત્રી સુધી મુકાઈ છે. ગઈકાલે કચ્છને 700 ઈન્જેક્શન મળ્યા હતા, જે આજે વધારીને 800 મળ્યા છે. જેમ જેમ ઉત્પાદન વધતું જશે તેમ જથ્થો વધુ પ્રાપ્ત થશે. ઉપરાંત કોવિડના દર્દીઓને મા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ક્યારે પ્રાપ્ત થશે તે પ્રશ્નના જવાબમાં વહેલી તકે આ સેવાનો લાભ મળશે તેવુ જણાવ્યુ હતું. કોવિડના કેસો, મૃત્યુ આંક, ઓક્સિજન સહિતના પ્રશ્નો મીડિયા સુધી માહિતી આપવામાં આવતી નથી. જવાબદારો દ્વારા ફોન કરવા છતા કોઈ પણ ફોન ઉપાડતું નથી. અને ઉપાડે છે તો જવાબ આપતા નથી તેવું પુછતા રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, હવેથી રોજેરોજ વિગતો મળી રહે તે માટે સંકલન કરવાની સુચના કલેક્ટરને અને જવાબદાર અધિકારીઓને અપાઈ છે.

રાજયમંત્રી વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય નિમાબેન આચાર્ય, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પ્રભારી જે. પી. ગુપ્તા, ડીડીઓ ભવ્ય વર્મા, આસી. કલેકટર મનીષ ગુરવાની, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, એસપી સૌરભસિંગ, આરોગ્ય અધિકારી ડો. જે. . માઢક, ડો. કશ્યપ બુચ, ડો. નરેન્દ્ર હિરાણી, ડો. જીજ્ઞાબેન દવે, ડો. શાર્દુલ, અનિરૂદ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત પત્રકારો હાજર રહ્યા હતા.