કચ્છમાં ઓક્સિજનના સુચારૂ વિતરણ માટે કંટ્રોલરૂમ શરૂ કરાશે

કોવિડ હોસ્પિટલોને જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન મળી રહેશે તેવી ધરપત અપાઈ : જિલ્લા પંચાયત ખાતે હોસ્પિટલના વહિવટીવડા, તબીબો તેમજ અધિકારીઓની મિટીંગ મળી

ભુજ : કચ્છમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. કોરોના બિમારીના સંક્રમણમાં સપડાતો દર્દી ઝડપથી ગંભીર સ્થિતિમાં આવી જાય છે. પરિણામે તેને ઓક્સિજન આપવાની તાતી જરૂરિયાત ઉભી થાય છે. હાલમાં કચ્છ જિલ્લામાં ઓક્સિજનની ભારે બૂમરાડ ઉઠી રહી છે. કોવિડ દર્દીઓને સમયસર ઓક્સિજન મળતા નથી. હોસ્પિટલોમાં પણ જથ્થો ખુટવા લાગ્યો છે. એકાએક ઓક્સિજનની માંગ વધી જતાં તંત્ર પણ તેને પહોંચી વળવા રીતસરનું ધંધે લાગી ગયું છે. કોરોના દર્દીઓની સારવાર, હોસ્પિટલોની માહિતી, રેમડેસીવીર ઈન્જેકશન માટે કંટ્રોલરૂમ શરૂ થયા બાદ હવે કચ્છમાં ઓક્સિજનના સુચારૂ વિતરણ માટે પણ કંટ્રોલરૂમ શરૂ કરવાની ગતિવિધિ શરૂ કરી દેવાઈ
છે. આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિવિધ કોવિડ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરોના વહિવટીવડા, તબીબો અને તંત્રના અધિકારીઓની મિટીંગ મળી હતી. જેમાં ઓક્સિજન વિતરણ વ્યવસ્થામાં કયાં ચુક રહી જાય છે, જેના કારણે આ અવ્યવસ્થા સર્જાઈ છે. તેવી બાબતો પર ચર્ચા કરાઈ હતી. બીજીતરફ હાજર સંચાલકોને સાંભળવામાં આવ્યા હતા. તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાત્રી અપાઈ હતી. ડીડીઓ ભવ્ય વર્માએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ તાલુકામાં આવેલી કોવિડ હોસ્પિટલના જવાબદારો સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીએ ભુજની ખાનગી અને સરકારી હોસ્પિટલના વહિવટીવડા સાથે ચર્ચા કરી સમીક્ષા કરી હતી. મળેલી માહિતી પ્રમાણે ઓક્સિજનના વિતરણ માટે હવે કંટ્રોલરૂમ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં હાજર રહેલા દિશાન લાઈફ કેરના દિવ્ય શાહે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલને ન્યાય પૂર્વક અને જરૂરિયાત પ્રમાણે ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટેની ખાતરી અપાઈ છે. ભુજની ૧રથી ૧પ કોવિડ હોસ્પિટલના વહિવટીવડા, તબીબો હાજર રહ્યા હતા, જેને સૌથી વધુ જરૂરિયાત છે, તેવા દર્દીઓને પ્રાયોરીટીના ધોરણે તાત્કાલિક ઓક્સિજન આપવો, નોર્મલ દર્દીને ઉંધા સુવડાવી ઓક્સિજન આપવો તે સહિતના પ્રયાસો હાથ ધરી જરૂરિયાતને પુરી પાડવા કામગીરી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ઓક્સિજન અને સંસાધનોની અછત પાછળ સંગ્રહખોરી છે જવાબદાર

અમુક લોકોએ ઘરમાં સીલીન્ડર રાખ્યા : મોટા વિક્રેતાઓએ પણ જથ્થો સંગ્રહી રાખ્યો હોવાની ચર્ચા : કચ્છની અમુક સંસ્થાઓ પાસે સિલીન્ડરનો મોટો જથ્થો હતો, જે પોતાના સભ્યોમાં બાટણી થતા હાલાકી સર્જાઈ

ભુજ : જિલ્લામાં હાલ સૌથી વધુ ચર્ચાનો મુદ્દો હોય તો તે છે ઓક્સિજનનો, ઓક્સિજનના સીલીન્ડરથી લઈ રીફીલીંગ, ઓક્સિજન મીટ, સિલીન્ડર પર લગાવવાની કીટ સહિતના સંશાધનોની હાલ બજારમાં ભારે અછત પ્રવર્તી રહી છે, તેની પાછળ સંગ્રહખોરી જવાબદાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હાલ ડરના માર્યા અમુક લોકોએ ઓક્સિજન સીલીન્ડર તેમજ સંશાધનોની સંગ્રહખોરી કરી લીધી છે. અમુક પરિવારોએ સેફટી ખાતર ભવિષ્યમાં જરૂર પડે તો દોડાદોડ ન કરવી પડેએ માટે ઘરમાં સીલીન્ડર રાખી દીધા છે. કેટલાક મોટા વિક્રેતાઓએ બજારની પરિસ્થિતિ જોઈ સાધનોની સંગ્રહખોરી કરી વધુ ભાવ વસૂલતા હોવાની પણ બજારમાં ચર્ચા છે. અલબત ચારે તરફ ભયના માહોલ વચ્ચે પોતાના પરિવારની ચિંતા કરી આગોતરી તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ અતિશ્યોક્તિ વધી જતાં બજારમાં અછતનો માહોલ સર્જાયો છે.