કચ્છમાં આર્મી હોસ્પિટલમાં કોવિદ સારવાર મુદ્દે આજે મહત્વપૂર્ણ નિર્ણયની સંભાવના

ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આર્મી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાય તે માટે આયોજન ઘડાઈ રહ્યું હોવાની કરી હતી જાહેરાત

જામનગર – વડોદરા ઉપરાત કચ્છ જિલ્લામાં પણ કામગીરી શરૂ થાય તે માટે આજે બેઠક યોજાય તેવી સંભાવના : સુરક્ષાની દ્રષ્ટિએ મિલિટરી પરિષર સંવેદનશીલ હોઈ આમપ્રજાજનોને આવનજાવન માટે કેવા પ્રકારે પરવાનગી અપાશે તે જોવું પણ મહત્વનું : ગત સાલે કોરોનાની પ્રથમ લહેર વેળાએ આર્મીના જવાનો પણ કોરોનાનો બન્યા હતા ભોગ ત્યારે પુનઃ તેનું પુનરાવર્તન ન થાય તે માટે પણ રાખવી પડશે પુરતી તકેદારી

(બ્યુરો દ્વારા)ગાંધીધામ : વૈશ્વિક મહામારી કોરોનાના વધી રહેલા સંક્રમણથી પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવતા સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી કોવિડ હોસ્પિટલોમાં નો બેડની સ્થિતિ સર્જાતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાના દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિકસ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને ૧પમી જુન સુધી કોવિડના દર્દીઓની સારવાર કરવાની રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે. તો સ્થિતિની ગંભીરતાને સમજી રાજયમાં ચાર સ્થળોએ આવેલી આર્મી હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું હોવાની વાત ઉચ્ચારી હતી, જેને પગલે જામનગર, વડોદરામાં આ નિર્ણય લાગુ કરાયા બાદ હવે કચ્છમાં પણ આર્મી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને સારવાર આપી શકાય તે માટે વહીવટી તંત્રએ મનોમંથન ધરતા આજે મહત્વપુર્ણ બેઠક મળનાર હોવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. આ અંગેની વિગતો મુજબ કોરોનાની બીજી લહેર દેશના અન્ય વિસ્તારોની સાથોસાથ ગુજરાત માટે પણ ઘાતક સાબિત થઈ રહી છે. સતત વધી રહેલા પોઝિટીવ કેસો ઉપરાંમ મૃત્યુઆંકના પગલે રાજયના ર૦ શહેરોમાં નાઈટ કર્ફયુ અને અનેક જિલ્લાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયેલ છે. કોરોનાની સ્થિતિ કાબુમાં લેવા તેમજ દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આર્મી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાય તે માટે આયોજન ઘડાઈ રહ્યું હોવાની પણ વાત ઉચ્ચારી હતી. રાજયમાં કચ્છ ઉપરાંત જામનગર, અમદાવાદ અને વડોદરામાં આર્મી હોસ્પિટલો આવેલી છે. આ સરહદી કચ્છ જિલ્લામાં પણ કામગીરી શરૂ થાય તે માટે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી સંભાવના છે. વહીવટી તંત્રના સુત્રોએ વિગતો આપતા જણાવ્યું કે, કચ્છમાં આવેલી મિલીટરી હોસ્પિટલનો કોરોના દર્દીઓ માટે ઉપયોગ કરાય તે માટે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી સંભાવના છે. આ બેઠક યોજાયા બાદ સંપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરક્ષાની દ્રષ્ટિએ મિલિટરી પરિષર સંવેદનશીલ હોઈ આમપ્રજાજનોને આવનજાવન માટે કેવા પ્રકારે પરવાનગી અપાશે તે જોવું પણ મહત્વનું બની રહેશે. ગત સાલે કોરોનાની પ્રથમ લહેર વેળાએ આર્મીના જવાનો પણ કોરોનાનો ભોગ બન્યા હતા, જે બાદ આર્મી પરિસરમાં આવનજાવન પર ખુબ જ નિયંત્રણો લાદી દેવાયા હતા ત્યારે આર્મી હોસ્પિટલોનો કોરોના દર્દીઓ માટે ઉપયોગ કરવાથી પુનઃ કયાંક આર્મી જવાનો કોરોનાનો ભોગ ન બને અને ગત વર્ષની સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે પણ પુરતી તકેદારી રાખવી જરૂરી બની રહેશે.જો કે, કચ્છમાં આર્મી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મુદ્દે કચ્છનુ વહીવટીતંત્ર હાલતુરંત મગનુ નામ મરી પાડવાનુ ટાળી રહ્યુ હોવાનો વર્તારો સામે આવવા પામ્યો છે. ગુજરાતના અધિકારીઓ આજે આર્મી ઓફીસર સાથે બેઠક કર્યા બાદ સંભવત કોઈ નીર્ણય લે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.