કચ્છમાં અંધશ્રદ્ધા – ભ્રમથી અંતરિયાળ વિસ્તારના લોકો રસીથી અળગા

રસીકરણની પ્રક્રિયામાં છેવાડાના વિસ્તારો લખપત – રાપર સૌથી પાછળ અને જિલ્લા મથક ભુજ ટોપ પર : આરોગ્ય સેવાની ભલામણ કરવા ફોન કરતા લોકો પોતાના ગામમાં વેક્સિન લેવા માટે નથી કરતા પ્રચાર : સરહદી વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિના કેમ્પો કરાયા છતા ન મળી ફળશ્રુતિ

ભુજ : કોરોનાથી બચવા રસી જ એકમાત્ર હથિયાર છે, તેમાં પણ ડિસેમ્બર સુધી ૧૦૦ ટકા કામગીરી કરવાનો લક્ષ્યાંક છે. સરકાર દ્વારા રાષ્ટ્રધર્મ નિભાવો – રસી લગાવોના સુત્રો વહેતા કરાયા છે તો તંત્ર દ્વારા પણ વેક્સિન લઈ સુરક્ષીત થવાની અપીલો કરાય છે, પરંતુ રસીકરણ ઝુંબેશ શરૂ થયાને છ મહિનાનો સમય થવા આવ્યો તેમ છતાં અડધી કામગીરી તો ઠીક લોકો સુધી જાગૃતિ પણ પહોંચી નથી. પરિણામે અંધશ્રદ્ધા – ભ્રમના કારણે અંતરિયાળ વિસ્તારોમાં લોકો રસીથી અળગા રહ્યા છે.

આ અંગેની વિગતો મુજબ સરકાર દ્વારા વેક્સિનેશની અપીલો કરાય છે, પરંતુ રસીનો જથ્થો પુરતો અપાતો નથી. શહેરી વિસ્તારોમાં લોકો રસી લેવા તૈયાર છે, તેઓને જથ્થો નથી મળતો અને અંતરિયાળ ગામડાઓમાં લોકો રસી લેવા તૈયાર નથી, ત્યાં આરોગ્ય વિભાગ સમજાવી સમજાવીને  થાકયું તો પણ રસીકરણની કામગીરીમાં વેગ આવતો નથી. કચ્છની જાે વાત કરીએ તો અંતરિયાળ એવા રાપર અને લખપતમાં સૌથી ઓછું રસીકરણ થયું છે. જિલ્લામાં સૌથી પહેલો કેસ લખપતમાં આવ્યો હતો અને રાપર વાગડનું મુખ્ય મથક હોવાથી લોકડાઉનમાં હજારો મુંબઈગરાઓ રાપરમાં આવ્યા હતા. તેમજ કચ્છનું પ્રવેશદ્વાર હોવાથી સંક્રમણનો દર જેટ ગતિએ વધ્યો હતો. જાે કે, આ બે તાલુકામાં રસીકરણનો વ્યાપ સાવ મંદ છે. તેની પાછળ આરોગ્ય વિભાગનું ગાડું ઈન્ચાર્જના હવાલે ગબડાવાયા છે તે કારણ પણ યોગ્ય માની શકાય. ભુજ એ કચ્છનું પાટનગર હોવાથી તમામ સરકારી કચેરીઓ અહીં આવેલી છે. જેથી સરકારને સારૂં લગાડવા ભુજમાં જાેરશોરથી પ્રસાર થતા વેક્સિનેશનનો વ્યાપ ઘણો વધ્યો છે.

જિલ્લા પંચાયતની યાદી જાેઈએ તો ૧૮ પ્લસમાં સૌથી વધુ ભુજ બાદમાં ગાંધીધામ, અંજાર, માંડવી, મુંદરા, નખત્રાણા, ભચાઉ, અબડાસા, લખપત અને છેલ્લે રાપરનો નંબર આવે છે. જયારે ૪પ પ્લસમાં સૌથી વધુ ભુજ ત્યાર બાદ ગાંધીધામ, અંજાર, માંડવી, ભચાઉ, નખત્રાણા, રાપર, મુંદરા, અબડાસા અને છેલ્લે લખપતનો વારો આવે છે. ૧૮ પ્લસમાં પહેલા ક્રમે રહેલા ભુજમાં ૮પ૧પ અને છેલ્લા ક્રમે રહેલા રાપરમાં ર૮૪૦ લોકોએ રસી લીધી છે, જેથી કહી શકાય કે રેશીયો કેટલો મોટો છે. ૪પ પ્લસમાં પણ આવી જ સ્થિતિ છે. ભુજમાં ૬૧૮રપ લોકોએ જયારે લખપતમાં માંડ પ૦ર૪ લોકોએ રસી લીધી છે. જેથી કહી શકાય અંતરિયાળ અને સરહદી વિસ્તારોમાં રસી લેવાનું પ્રમાણ ઘણું ઓછું છે, આ પછવાડે ઘણા બધા કારણો જવાબદાર છે. જેમાં પ્રથમ છે જાગૃતિનો અભાવ. કેટલાક લોકો અંધશ્રદ્ધામાં માનતા હોવાથી ઈન્જેક્શન મુકાવવાથી ડરે છે. કેટલાકના મનમાં રસી પ્રત્યે શંકા – કુશંકા ઘર કરી ગઈ છે. કેટલાક લોકો રસીની ખોટી વાતોથી ભ્રમિત થઈ ગયા છે. વ્યક્તિ વ્યક્તિએ મત મતાંતર બદલાઈ રહ્યો છે, જેના કારણે લોકો વેક્સિન લેવા આવતા નથી. અગર આરોગ્યની ટીમ ગામમાં જઈ લોકોને સમજાવે ત્યારે લોકો રસી લેવા હા પાડે છે પરંતુ જયારે કેન્દ્રમાં બોલાવાય ત્યારે કોઈ પણ બહાનું ધરી આવતા નથી. એક બાજુ ઉપરી અધિકારીઓ આરોગ્યના કર્મચારીઓને ગામડાઓમાં ઘરો ઘર જઈ રસી લેવા માટે સમજાવવાનું આદેશ કરે છે, જયારે બીજી તરફ ગામડાઓમાં કર્મચારીઓ જાય ત્યારે કડવા અનુભવ થતા હોય છે. જે ગામમાં ખુદ વિભાગોના અધિકારીઓ જાતે ગયા છે ત્યાં પણ લોકો રસી લેવા આગળ આવ્યા નથી, જે કડવી વાસ્તવિકતા છે. દરેક તાલુકામાં બની બેઠેલા આગેવાનો પોતાની વાહવાહી માટે તબીબોને વારંવાર ફોન કરી પોતાના સબંધીતોને સારી આરોગ્ય સેવા માટે અથવા બેડ મળે કે મેડિકલ સુવિધા માટે ભલામણો કરતા હોય છે પરંતુ આ જ આગેવાનો પોતાના ગામમાં દસ જણને વેક્સિન લેવા માટે સમજાવતા નથી જે આવા બની બેઠેલા આગેવાનો માટે શરમની વાત છે.

અત્રે નોંધનીય છે કે, સરહદી વિસ્તારો ખાવડા, બન્ની, લખપત, વાગડ સહિતના વિસ્તારોમાં રસી લેવા માટે અનેક કેમ્પેઈન થયા પરંતુ હજુ સુધી જાેઈએ એટલી ફળશ્રુતી ન મળ્યાનું સરકારી આંકડાઓ પરથી ચરિતાર્થ થઈ રહ્યું છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ત્રીજી લહેર પૂર્વે વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે પણ સફળતા મળશે કે કેમ તે તો સમય જ બતાવશે.