કચ્છની ૬૬૪ વ્યાજબી ભાવની દુકાનો પરથી ૧ર.૪૯ લાખ વ્યક્તિઓને આજથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મે મહિના માટે એનએફએસએ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ૩.પ કિલો ઘઉં અને ૧.પ કિલો ચોખાનું વિતરણ : સવારથી જ રેશનિંગ દુકાનો પર કાર્ડધારકો અનાજ લેવા પહોચ્યા

ભુજ : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે કોરોનાની બીજી લહેરમાં નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરાયું છે. આજથી કચ્છના જુદા જુદા વિસ્તારોમાં આવેલી ૬૬૪ વ્યાજબી ભાવની દુકાનો પર એનએફએસએ કાર્ડધારકોને નિઃશુલ્ક ઘઉં, ચોખા આપવામાં આવ્યા હતા. આ વિતરણ વ્યવસ્થા ર૦મી મે સુધી અમલી રહેશે.
આ અંગેની જો વાત કરીએ તો ગત વર્ષે લોકડાઉનના કારણે સરકાર દ્વારા નિઃશુલ્ક અનાજ વિતરણ કરાયું હતું, જે બાદ હવે આ વર્ષે પણ નિઃશુલ્ક અનાજ વિતરણ થયું છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મે મહિના માટે આ વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજ્યમાં ૭૧.પ૪ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોની ૩.૭૪ કરોડની જન સંખ્યાને અનાજ વિતરણ કરાશે. કચ્છની જો વાત કરીએ તો જિલ્લામાં ૬૬૪ જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે, જયાં આજથી અનાજ વિતરણ શરૂ થયું છે. કાર્ડમાં અંતિમ આંક ૧ ધરાવતા લાભાર્થીઓ અનાજ લેવા માટે પહોંચ્યા હતા. ગત વર્ષે લોકોએ આ પ્રમાણે અનાજ મેળવ્યું હોવાથી વ્યવસ્થાથી પરિચિત છે. ગઈકાલે દુકાનોની બહાર કુંડાળા કરી દેવાયા હતા. જો કે અમુક સ્થળોએ કુંડાળા માત્ર નામ પુરતા રહ્યા હતા. જિલ્લામાં ર,પ૮,ર૪ર એનએફએસએ કાર્ડધારકો નોધાયેલા છે, જેઓની જન સંખ્યા ૧ર,૪૮,૯પર છે, જેઓને વ્યક્તિ દીઠ ૩.પ કિલો ઘઉં અને ૧.પ કિલો ચોખા આપવામાં આવી રહ્યા છે. જિલ્લામાં અંત્યો યોજના અંતર્ગત ર૬,૬૧પ કાર્ડધારકો છે, જેઓને પણ યોજનાનો લાભ અપાઈ રહ્યો છે, તેવું પુરવઠા વિભાગમાં જાણવા મળ્યું છે.નોંધનીય છે કે, ર૦મી મે સુધી આ વિતરણ વ્યવસ્થા રેશનકાર્ડની બુકલેટના અંતિમ આંક પ્રમાણે શરૂ રહેશે, જે લાભાર્થી આ સમય દરમિયાન અનાજ ન મેળવી શકે તેઓને ર૧થી ૩૧ મે સુધી વ્યાજબી ભાવની દુકાનેથી અનાજ મળશે. વન-નેશન રેશનકાર્ડ યોજના અંતર્ગત લાભાર્થી રાજ્યની કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન પર પોતાના હાથના આંગુઠા કે આંગણીનો ઉપયોગ કરી અનાજ મેળવી શકશે.