કચ્છની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ : કોણ કરશે તપાસ ?

હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાનોમાં તંત્રનું ફાયર વિભાગ તપાસ કરી નોટીસો આપે છે પણ ખુદના સંકુલોમાં ચાલતી લાલિયાવાડી સામે કેમ આંખ મિચામણા ? : ઘણી સરકારી કચેરીઓમાં સમ ખાવા પુરતા સાધનો છે પણ આપતિ સમયે ઉપયોગ માટે કોઈની પાસે માર્ગદર્શન નહીં

ભુજ : રાજયમાં હાલ ફાયર સેફટીની અમલવારીનો મુદ્દો દિવસો દિવસ ઘોંચમાં મુકાઈ રહ્યો છે. કોવિડ હોસ્પિટલોમાં આગના વધેલા બનાવો અને હાઈકોર્ટની ફટકાર બાદ રાજય સરકારે કોવિડ હોસ્પિટલોમાં ફાયર એનઓસીની સાથે ઈલેકટ્રીક ઓડિટ ફરજીયાત બનાવ્યું હતું. આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિના કારણે આખરે મરો તો દર્દીઓનો થયો. જાે કે, વાડ જ ચીભડા ગળી જાય તેમ ખુદની સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીનો અભાવ જાેવા મળી રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ કચ્છમાં દરેક તાલુકામાં સરકારી કચેરીઆની ભરમાર છે. જાે કે, સરકારી સંકુલોમાં જ ફાયર સેફટીનો ધરાર અભાવ જાેવા મળી રહ્યો છે. સરકારી કચેરીઓમાં લોકોના અગત્યના દસ્તાવેજાે સચવાયેલા પડયા હોય છે, તેમજ અનેક મહેસુલી દસ્તાવેજાે, ૭-૧રના ઉતારા સહિતના અગત્યના કાગળના દસ્તાવેજાે સંગ્રહેલા હોય છે. ડીજીટલ યુગમાં ભલે કોમ્પ્યુટરમાં ડેટા હોય પરંતુ દસ્તાવેજી પુરાવા સાચવીને વર્ષો સુધી રાખવા પડે છે. મુખ્ય કચેરીઓમાં સમ ખાવા પુરતા ફાયરના સાધનો, પાઈપો પાથરેલી હોય છે પરંતુ વ્યસ્ત સ્ટાફને આપતિના સમયે ફાયરના સાધનનો કેવી રીતે ઉપયોગ કરવો તેની જાણ હોતી નથી. અંતરિયાળ તાલુકાઓમાં ફાયર સેફટીના નામે કચેરીમાં બે – ત્રણ લાલ બાટલા દિવાલમાં ગોઠવી દેવાય છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંકુલોમાં કાયદાનું રોફ જાણતું તંત્ર ખુદના સરકારી ભવનોમાં ફાયર સેફટીની અમલવારી કરાવે તેવું લોકો કહી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાનોમાં તંત્રનું ફાયર વિભાગ તપાસ કરી નોટીસો આપે છે પણ ખુદના સંકુલોમાં ચાલતી લાલિયાવાડી સામે આંખ મિચામણા કરતું હોય તેવો આક્રોશ તંત્રની કાર્યવાહીનો ભોગ બનેલા ભોગગ્રસ્તો ઉઠાવી રહ્યા છે. તંત્રએ પહેલા ખુદની કચેરીઓમાં પણ નિયમોની અમલવારી કરાવવી જાેઈએ. બાદમાં લોકો પર નિયમો થોપવા જાેઈએ તેવો પણ સૂર ઉઠી રહ્યો છે.