જિલ્લા પંચાયત ખાતે કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને યોજાઈ પ્રથમ સામાન્ય સભા : નવ નિયુક્ત હોદ્દેદારોએ વિકાસનો આપ્યો કોલ

ભુજ : કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને આજરોજ કચ્છની મિનિ સંસદ સમાન જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. નવનિયુક્ત તમામ હોદ્દેદારોએ વિકાસનો કોલ આપી છેવાડાના લોકો અને વિસ્તારો સુધી વિકાસનો વાયરો પહોંચાડવાની વાત ઉચ્ચારી હતી. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લા પંચાયતની તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. કુલ ૪૦ બેઠકો પૈકી ૩ર પર ભાજપના ઉમેદવારોનો જવલંત વિજય થયો હતો. જયારે કોંગ્રેસના ફાળે માત્ર ૮ બેઠકો જ આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની નિયુક્તિ માટે ગઈકાલે જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય મધ્યે બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે હોદ્દેદારોના નામો પર પસંદગીની મહોર મરાઈ હતી. આજે જિલ્લા પંચાયત સભા ખંડ મધ્યે કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાન સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે માધાપર બેઠક પરથી વિજેતા બનેલા પારુલબેન કારા, ઉપપ્રમુખ પદે ફતેહગઢ સીટના વણવીરભાઈ રાજપૂત, કારોબારી ચેરમેન પદે ભુજપુર બેઠકના મહેન્દ્રભાઈ ગઢવી, શાસક પક્ષ નેતા તરીકે કુકમા બેઠક હરીભાઈ હીરાભાઈ જાટિયા અને દંડક તરીકે મેઘપર બોરીચી બેઠકના મશરૂભાઈ રબારીની વિધિવત તાજપોશી કરવામાં આવી હતી. આ વેળા ડીડીઓ ભવ્ય વર્મા, ડેપ્યુટી ડીડીઓ શ્રી પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત તમામ હોદ્દેદારોએ સબ કા સાથ સબકા વિકાસની નીતિ રીતિ અનુસરી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના વિસ્તારો અને લોકો સુધી પહોંચાડવાનો કોલ આપ્યો હતો.