કચ્છની બે કંપનીઓને ૬ ટન ઔદ્યોગીક ઓક્સિજન પુરો પાડવા મુખ્યમંત્રીએ બાંહેધરી આપી

કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ મુદો ઉપાડ્યા બાદ મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લેતા અપાઈ સાંત્વના : ઓક્સિજન સિલિન્ડર બનાવવા માટે ફેકટરીને ઔદ્યોગીક ઓક્સિજન અપાશે

કાસેઝના બે યુનિટમાં હવે બે થી ત્રણ હજાર ઓક્સિજન સીલીન્ડરનું થશે ઉત્પાદન : કચ્છ સહિતના તંત્રને મોટી હાશ

પ્રજાપારાયણ મુખ્યમંત્રી વિજયભાઈની ત્વરીત નિર્ણય શક્તિ અભિનંદનને પાત્ર

ભુજ : કચ્છ સહિત રાજયમાં કોરોનાના કેસો વધતા ઓક્સિજન સિલિન્ડરની ભારે ખપત જોવા મળી રહી છે તે વચ્ચે ઓક્સિજનની માંગ વધતા સરકારે ઔદ્યોગીક ઓક્સિજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ સિલિન્ડર બનાવવા માટે ઔદ્યોગીક ઓક્સિજન જોઈએ. જેથી કચ્છની બે કંપનીઓમાં સરકાર સિલિન્ડર બનાવવા માટે ઔદ્યોગીક ઓક્સિજનને પરવાનગી આપે તે માટે પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ અવાજ ઉપાડ્યો હતો. જેને સાંનુકુળ પ્રતિસાદ મળ્યો છે. અર્જુન મોઢવાડીયાએ ટ્‌વીટના માધ્યમથી વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ૩૦ એપ્રીલના જણાવ્યું કે, ગાંધીધામમાં આવેલી રામા સીલીન્ડર અને એવરેસ્ટ સિલિન્ડર ફેકટરી ર૪ કલાક ઓક્સિજન સિલિન્ડર બનાવે છે. આ ફેકટરીને સિલિન્ડર બનાવવા માટે ઔદ્યોગીક ઓક્સિજન સરકારી આદેશથી બંધ કરી દેવાયુ છે ત્યારે ત્વરીત આ ફેકટરીઓને ઓક્સિજન પુરવઠો આપવામાં આવે તે માટેની માંગ કરી હતી. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ગતરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોવિડ સ્થિતિ સંદર્ભે મળવા ગયું હતું ત્યારે શ્રી મોઢવાડીયાએ આ રજુઆત કરતાં મુખ્યમંત્રીએ બંને કંપનીઓમાં ૬ ટન ઓક્સિજન ફાળવણી યથાવત રખાશે તેવું આશ્વાસન આપ્યું હતું. નોંધનીય છે કે કચ્છ ભાજપના સાંસદ, ધારાસભ્યો, મંત્રીથી લઈ કોઈ ચુંટાયેલા નેતાઓએ આ મુદો ઉપાડ્યો નથી. ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાએ અવાજ ઉપાડતા મુખ્યમંત્રીએ સાંત્વના આપી હતી.