કચ્છની બજારોમાં આ વર્ષે કેસર કેરીની સર્જાશે અછત

ગીર- સોમનાથ અને તલાલાની કેસર કેરીને વ્યાપક નુકસાન બાદ કચ્છી કેસરને પણ વાવાઝોડાની નડી અસર : કેરીનો મોટાભાગનો પાક ખરી પડતાંં બજારોમાં સર્જાશે શોર્ટેજ : આ વખતે કેરીની ગુણવત્તા પણ જોવા નહીં મળે

ભુજ : કચ્છ અને ગુજરાતના લોકો ઉનાળાની શરૂઆત સાથે કેસર કેરીનો સ્વાદ માણવા તલપાપડ બનતા હોય છે. જો કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ તહેવારોની રોનક તો છીનવી સાથો સાથ ઉનાળામાં કેરીનો સ્વાદ પણ છીનવી લીધો છે. ગત વર્ષે લોકડાઉનના કારણે લોકો કેરીનો રસ મન ભરીને પી શકયા નહીં. આ વર્ષે કોરોના ઉપરાંત કમોસમી માવઠુ અને વાવાઝોડાની અસરના કારણે કેરીનો મોટાભાગનો પાક ખરી પડતાં બજારમાં આ વખતે કેરીની તંગી જોવા મળશે. પરિસ્થિતિ એવી થઈ છે કે રસ પીવાની સીઝનમાં લોકોને રસી મુકાવાનો વારો આવ્યો છે. આ અંંગેની વિગતો મુજબ મે મહિનાની શરૂઆતમાં કચ્છમાં કેસર કેરી બજારમાં આવી જશે તેવી ધારણ હતી, પરંતુ પખવાડિયા સુધી બપોર બાદ કમોસમી માવઠું વરસતું રહ્યું જેના કારણે કેરીની સીઝન મેના ત્રીજા સપ્તાહમાં શરૂ થશે તેવી ધારણા હતી. જો કે એકાએક તાઉતે વાવાઝોડુ આવી જતાં આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સામાન્ય રીતે ગીર અને તલાલાની કેરી બજારમાંથી વિદાય લે તે પૂર્વે કચ્છની કેસર કેરી બજારમાં પ્રવેશ કરી લે છે. જો કે તાઉતેના કારણે ગીર અને ભાવનગર વિસ્તારમાં ભારે તારાજી સર્જતા કેરીના બગીચાઓમાં ભારે નુકશાની થઈ છે. જે ડાળીઓ પર કેરીની લુમેલુમ લટકતી હતી, તે કેરીઓ જમીન પર વેરાઈ ગઈ હતી. ખરી સીઝન ટાંણે વાવાઝોડુ આવતા આંબાની રોનક પણ છીનવાઈ છે. એક તો વાતાવરણમાં આવતા પલટાના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો, બીજીતરફ કેરી હજુ માર્કેટીંગ યાર્ડમાં પહોંચે અને ભાવો મળે તે પૂર્વે વાવાઝોડાના કારણે પાક ખરી પડતાં મનનુ ધાર્યું શકય બન્યું નથી. તજજ્ઞોના મત પ્રમાણે ગીર અને તલાલાની કેરીને વ્યાપક નુકસાન થતાં બજારોમાં કેરી ઓછી આવશે, ઉપરાંત જે કેરી જમીન પર વેરાઈ ગઈ છે તેને વિણી કોલ્ડસ્ટોરેજમાં રાખી કૃત્રિમ રીતે પકવવામાં આવશે. જો કે તેમાં ગુણવત્તા જળવાશે નહીં. મહદઅંશે બજારમાં ડાઘીવાળા આંબા જોવા મળે તો નવાઈ નહીં. ઉપરાંત કૃત્રિમ રીતે પકવેલા આંબા વધુ આયુષ ધરાવતા નથી. કચ્છની કેસર કેરીને પણ વ્યાપક નુકસાન થયું છે. થોડા દિવસોમાં બજારોમાં કેરી આવી જશે પરંતુ કમોસમી માવઠા વરસી જતાં સ્વાદમાં ફેર આવશે. ઉપરાંત પાક ઘટી જતાં બજારમાં અછત પણ જોવા મળે તેવા સંજોગો છે. ઉપરાંત માલને નુકસાની થઈ હોવાથી ભાવમાં વધારો ઘટાડો પણ બજારની સ્થિતિને આધારે થઈ શકે.