કચ્છની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીના નિયમોની ઐસી તૈસી

  • તપાસ દરમ્યાન બહાર આવી ચોંકાવનારી વિગતો

રાજયની કોવિડ હોસ્પિટલોમાં આગ લાગે ત્યારે તપાસ કરી અધુરાશોની પુર્તતા કરવાના અપાય છે આદેશો પરંતુ સંચાલકો આવા આદેશોને ઘોળીને પી જતા હોવાતો સર્જાયો તાલ : ભરૂચની ઘટના બાદ ફરી એક વખત અપાયેલા તપાસના આદેશો પૈકી જિલ્લાની ૭૦ ટકા હોસ્પિટલોમાં કરાયું ચેકીંગ

વેન્ટીલેટરના કારણે ઈલેકટ્રીક લોડ વધતો હોવાથી આગજનીની ઘટના બનવાની ભીતિ : સેનીટાઈઝર અને પીપીઈ કીટના વપરાશથી આગની જવાળાઓ ઝડપથી પ્રસરતી હોવાનું તારણ : કોરોનાના દર્દીઓ માટે કોવિડની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન જણાઈ આવતા ઈલેકટ્રીક લોડનું ઓડિટ કરાવવા તમામ હોસ્પિટલોને અપાઈ કડક સૂચના

(બ્યુરો દ્વારા)ભુજ : રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં અવારનવાર આગના બનાવો બને છે, જેમાં હરહંમેશ નિર્દોષ લોકો આગની જવાળામાં હોમાઈ જાય છે. દર વખતે સંવેદનશીલ કહેવાતી સરકાર સમગ્ર રાજયમાં કોવિડ હોસ્પિટલોમાં આવી ઘટનાઓ અટકાવવા અધિકારીઓને ચેકીંગના આદેશો આપે છે. અધિકારીઓ પણ સરકારી સુચનાને અનુસરીને હોસ્પિટલોને તાકીદ કરે છે, પરંતુ બાદમાં ફોલોપ લેવાતું નથી. પરિણામે રાજયની કોવિડ હોસ્પિટલોમાં આગની પાંચ પાંચ ઘટનાઓ બાદ પણ સરહદી જિલ્લામાં કોવિડ હોસ્પિટલોમાં ૧૦૦ ટકા ફાયર સેફટીના નિયમોની અમલવારી થઈ શકી નથી. તાજેતરમાં અપાયેલા તપાસ આદેશ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં કચ્છની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીના નિયમોની ઐસી તૈસી થતી હોવાનું જણાઈ આવે છે.આ અંગેની જો વાત કરીએ તો કોવિડની સ્થિતિ પહેલા પણ સમયાંતરે હોસ્પિટલોમાં ફાયર સેફટીની અમલવારી બાબતે નોટિસો ઈસ્યુ થતી, પરંતુ હોસ્પિટલો આવી નોટીસોને ગણકારતી નથી. રાજયમાં અમદાવાદમાં પહેલી આગની ઘટના બની ત્યારે તમામ હોસ્પિટલોને જાણ કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો ન આવતા ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી હતી, તેમ છતાં હોસ્પિટલોના સંચાલકોએ કોઈ પગલાં ભર્યા ન હતા. તાજેતરમાં ભરૂચની હોસ્પિટલમાં આગની ઘટના બની જેમાં ૧૮ દર્દીઓ – નર્સ જીવતા ભુંજાઈ ગયા હતા, જેથી કચ્છની કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીની અમલવારી બાબતે કલેકટર દ્વારા તાકીદ કરવામાં આવી હતી. રવિવારે અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલાએ પરિપત્ર જારી કર્યો, જેમાં સ્પષ્ટ જણાવ્યું કે, જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોની પુર્તતા કરવી, સ્ટાફને તાલીમબદ્ધ કરવા,અધુરાશો નિવારવી સહિતની સુચના અપાઈ હતી. ભુજ નગરપાલિકાના ફાયર ઓફિસર અનિલ મારૂ અને ડિઝાસ્ટર વિભાગને સમગ્ર જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ચકાસણી માટેના આદેશો પણ અપાયા હતા. જે અનુસંધાને ચકાસણી દરમ્યાન લોલમલોલ સામી આવી છે. કોવિડ હોસ્પિટલમાં ફાયરના સાધનો તો આવેલા છે. પરંતુ આગ લાગે ત્યારે સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેની મોટા ભાગના સ્ટાફને સમજણ નથી. કોવિડ હોસ્પિટલમાં જરૂરીયાત કરતા વધુ ઈલેકટ્રીકનો વધુ વપરાશ થતો હોવાથી ઈલેકટ્રીક લોડના ઓડિટની પણ અધુરાશ જણાઈ હતી. અગાઉની સરખામણીએ દર્દીઓ વધ્યા છે. પરંતુ સુવિધામાં કોઈ વધારો થયો નથી. ફાયર ઓફિસર અનિલ મારૂએ જણાવ્યું કે, કલેકટર અને અધિક નિવાસી કલેકટરના માર્ગદર્શન અન્વયે સમગ્ર જિલ્લાની ૮૭ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવનાર છે, જેમાં અત્યાર સુધી ૭૦ ટકા હોસ્પિટલોને આવરી લેવાઈ છે. મહંદશે તમામ કોવિડ હોસ્પિટલોમાં ઈલેકટ્રીક લોડના ઓડિટની અધુરાશ જણાઈ આવી હતી, જેની પુર્તતા કરવા તમામને સુચના અપાઈ છે. ઉપરાંત અમુક જગ્યાએ ડીફલેકટર વધારવા, બાટલા વધારવા સહિતની નાની – નાની બાબતો પણ ધ્યાનમાં લેવાઈ હતી. કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવા પાછળના કારણો સંદર્ભે કહ્યું કે, સેનીટાઈઝરનો વધુ વપરાશ થાય છે તેમજ પીપીઈ કીટનો વધુ ઉપયોગ આગને ફેલાવો કરે છે. વેન્ટીલેટર સહિતના ઈલેકટ્રીક ઉપકરણોનો વધુ વપરાશ થવાથી ઈલેકટ્રીક લોડમાં સ્પાર્ક થતા આગની ઘટનાઓ બને છે, જેમાં સેનીટાઈઝર બળતામાં ઘી હોમે છે. જેથી આગની ઘટનાઓ અટકાવવા ઈલેકટ્રીક લોડનું તાકીદના ધોરણે ઓડીટ કરવા સુચના અપાઈ છે. ઉપરાંત જો આગની ઘટના બને તો દર્દીઓને કયાં લઈ જવા તે અનુસંધાને તમામ કોવિડ હોસ્પિટલોને નજીકની કોવિડ હોસ્પિટલ સાથે ટાઈઅપ કરી લેવા સુચવ્યું છે. જેથી દર્દીઓને કોઈ હાલાકી ન થાય. તમામ હોસ્પિટલોને એક બીજાના સંકલનમાં રહેવા, સ્ટાફને તાલીમ આપવા તેમજ આગના બનાવો ન બને તે દિશામાં પ્રયાસો કરવા માટે સુચના અપાઈ છે. જો નિયમોની અમલવારી નહીં થાય તો કાયદાકીય પગલા માટે દરખાસ્ત કરવામાં આવશે. જિલ્લા કલેકટર અને આરએસી સમગ્ર બાબતનું મોનીટરીંગ કરતા હોવાનું ઉમેર્યું હતું.

ભુજની બે કોવિડ હોસ્પિટલમાં ફાયરના સાધન જ નથી

ભુજ : ઓડિટ દરમ્યાન ભુજની ર૦ હોસ્પિટલમાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બે હોસ્પિટલમાં તો ફાયરના સાધનો જ ન હોવાનું સામે આવ્યું છે. ડો. રૂપાલીબેન મોરબીયા અને ડો. વિશાલ દેસાઈની હોસ્પિટલમાં ફાયરના સાધનો ન હોવાથી તમામ સીસ્ટમ વસાવવા સુચના અપાતા તબીબોએ વેળાસર પુર્તતા કરવાની ખાત્રી આપી છે. અલબત નિયમોનું પાલન થાય ત્યારે ખરૂં. પરંતુ અન્ય ૧૮ હોસ્પિટલમાં પણ ઈલેકટ્રીક ઓડિટની અપુર્તતા જણાઈ આવી હતી.

તમામ નગરપાલિકાની ફાયર શાખા અને વોલીએન્ટરને કરાયા સચેત

ભુજ : આગની ઘટનાઓને અટકાવવાના તમામ પ્રયાસો છતાં જો આગની ઘટના બને તો તેને કઈ રીતે કંટ્રોલમાં લેવી તે સંદર્ભે જિલ્લાની ૭ નગરપાલિકામાં ફાયર શાખાને સચેત કરી દેવાઈ છે. ઉપરાંત ૧૦ થી ૧પ એવા વોલીએન્ટર છે કે, જેઓએ ફાયરની તાલીમ લીધી છે, ત્યારે આપતિના સમયમાં ઝડપી કામગીરી માટે આ લોકોને સચેત કરી દેવાયા છે. જેથી ઝડપથી આગ પર કાબુ મેળવી શકાય.