કચ્છના સર્વાંગી વિકાસ માટે સરકાર સજ્જ : દિલીપ ઠાકોર

રાજયમંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્યો નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય, કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા, નગરપતિ ઘનશ્યામ ઠક્કર સહિતના રહ્યા ઉપસ્થિત : દસેય દસ તાલુકા માટે નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે કરાયું આયોજન

ભુજ : શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર આજરોજ કચ્છ જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. આજે સવારે તેમણે કલેકટર કચેરી સ્થિત આયોજન મંડળ હોલ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સલાહ સુચનો કરવાની સાથોસાથ દસેય દસ તાલુકા માટે નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે આયોજન ઘડયું હતું.આ અંગેની વિગતો મુજબ જિલ્લા આયોજન મંડળના હોલ ખાતે આજરોજ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે કચ્છના જિલ્લાના દસેય દસ તાલુકા માટે આયોજન મંડળ હેઠળ હાથ ધરાનારા કામોની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં રાજયમંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્યો નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય, કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા, નગરપતિ ઘનશ્યામ ઠક્કર, જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનદાસ પ્રજાપતિ, જિલ્લા પશુપાલન અધિકારી ડો. ઠક્કર, ભુજ ટીડીઓ શૈલેષ રાઠોડ સહિતના રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા આયોજન મંડળની બેઠક યોજ્યા બાદ મંત્રી દિલીપકુમાર ઠાકોરે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજરોજ કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી, જેમાં અગાઉના વર્ષો દરમ્યાન જે કામો થયા છે, તેની સમીક્ષા કરવાની સાથોસાથ આગામી વર્ષ માટેનું નવું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ દરમ્યાન ટેકનીકલ ખામીના લીધે છ કામો બાકી રહી ગયા હતા, જેની નવી દરખાસ્તો આવતા હાલ તે કામો પ્રગતિમાં છે અને એકાદ માસમાં પૂર્ણ થઈ જશે. ર૦ર૦-ર૧ દરમ્યાન પણ જે કામો બાકી રહી ગયા છે તેને ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી દેવાઈ છે. વધુમાં શ્રી ઠાકોરે જણાવ્યું કે, આજની બેઠકમાં નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે નવું આયોજન કરવામાં આવ્યું હતું. ૭૧૭ જેટલા કામો માટે ૧૩૪ર લાખની દરખાસ્તો આવતા મંજૂરી અપાઈ હતી. તમામ કામોનો દર મહિને પ્રગતિ રીપોર્ટ રજૂ કરવા પ્રાંત અધિકારીઓને સુચના આપી દેવાઈ છે. કોરોના કાળ હોવા છતાં ગત વર્ષે ૮૦ ટકાથી વધુ કામો પુર્ણ થયા છે. કચ્છના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનો સુર પણ આ તબક્કે વ્યકત કર્યો હતો.

ર૦રર માર્ચ સુધીમાં સ્મૃતિવનનું કામ થશે પૂર્ણ : શ્રી ઠાકોર

ભુજ : કચ્છ જિલ્લાની આજરોજ એક દિવસીય મુલાકાતેઆવેલા રાજયના શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામી રહેલા સ્મૃતિવન પ્રોજેકટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. સ્મૃતિવન પ્રોજેકટની કામગીરી નિહાળ્યા બાદ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, સ્મૃતિવન પ્રોેજેકટ ખુબ જ વિશાળ હોઈ કેટલાક કામોમાં નવા સુચનો પણ કરવામાં આવે છે. હાલે ઝડપ ભેર કામ ચાલી રહ્યું છે તેને જોતા ર૦રર માર્ચ સુધીમાં સમગ્ર કામ પૂર્ણ થઈ જાય તેવી ધારણા છે. વિકાસકામો કરવા માટે સરકાર કટિબદ્ધ છે. વધુમાં તેમણે કહ્યું કે, અગાઉ અબડાસા પેટા ચૂંટણી તે બાદ સ્થાનીક સ્વરાજયની ચૂંટણી અને કોરોના કાળના પગલે વિકાસ કામોની ગતિમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ પુનઃ તમામ કામોમાં ગતિ આવી ગઈ છે. કચ્છને વધુમાં વધુ પીવાનું પાણી મળે તે માટે પણ સરકાર સક્રિય છે. છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચે તે માટે કામો જેટગતિએ ચાલી રહ્યા છે. ભુજોડી બ્રીજનું કામ પણ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યાનું તેમણે ઉમેર્યું હતું. આ વેળાએ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, ભુજ ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે. સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.