• GST‌ રિટર્ન માટે ૧લી એપ્રિલથી HSN કોડ ફરજિયાત

એચએસએન કોડમાં નાની અમથી ભૂલ થવા પર ભરવો પડશે ૫૦ હજારનો દંડ : દોઢ કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવનારા વેપારીઓ માટે પ્રથમ વખત નિયમ અમલી બની રહ્યો હોઈ તેઓને પડશે હાલાકી

(બ્યુરો દ્વારા)ભુજ : આધુનિકતા તરફ આગળ વધી રહેલી કેન્દ્ર સરકાર દરેક ક્ષેત્રે સમયાંતરે પરિવર્તન લાવ્યા કરે છે. દેશના વેપાર ઉદ્યોગ ક્ષેત્રે એક સરખું કર માળખું અમલમાં રહે તે માટે જીએસટી એટલે કે ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ પણ અમલી બનાવ્યો છે. જો કે, જીએસટીના અમલ બાદથી તેનો વિરોધ તો જોવા મળી રહ્યો છે તેની સાથોસાથ આ ટેકસના લીધે વેપારીઓ અનેક પ્રકારની હાલાકીઓ પણ ભોગવતા હોય છે. રિટર્ન ફાઈલ કરવામાં સર્વર ડાઉનની સમસ્યાઓ તો હંમેશા જોવા મળતી જ હોય છે. તેની સાથોસાથ નિયમોમાં પણ આંટીઘૂંટી હોઈ અડચણોનો સામનો કરવો પડતો હોય છે. આગામી એક એપ્રીલથી દેશના તમામ કારોબારીઓ માટે જીએસટી રિટર્ન દાખલ કરવા માટે હાર્મોનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનક્લેવર મતલબ કે નામકરણની સુમેળ સિસ્ટમ (એચએસએન) કોડનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવી દેવામાં આવતા કચ્છના વેપારી વર્ગ માટે મુશ્કેલીઓ ઉભી થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ અંગેની વિગતે વાત કરીએ તો જીએસટીની અમલવારી થઈ ત્યારથી જ વેપારીઓ માટે મુશ્કેલીનો સમય પણ શરૂ થયો છે. જીએસટીના નિયમોમાં સતત ફેરફાર કરાતા હોઈ મોટા વેપારીઓ તો તેમાંથી હેમખેમ બહાર નિકળી જાય છે. જો કે, નાના વેપારીઓને નિયમોની જોગવાઈઓની આંટીઘૂંટીની ઓછી ખબર રહેતી હોય છે. તો સર્વર ડાઉન સહિતની અડચણોને લીધે રીટર્ન ભરવાની સમય અવધી પણ પસાર થઈ જતી હોઈ વગર વાંકે પેનલ્ટી ભરવાનો પણ વારો આવતો હોય છે. એક એપ્રીલથી અમલી બનનારા એચએસએન કોડ અંગે નાના કારોબારીઓનું કહેવું છે કે આવું થવાની તેમની મુશ્કેલીઓ વધી શકે છે કેમ કે એચએસએન કોડમાં નાની અમથી ભૂલ થવા પર તેમણે રૂા.૫૦,૦૦૦નો દંડ ભરવો પડી શકે છે. આગામી પહેલી એપ્રિલથી કારોબારીઓને તમામ ટેક્સ ઈનવોઈસ અને જીએસટીઆર-૧ ભરવા દરમિયાન એચએસએન કોડનો ઉલ્લેખ કરવો પડશે. આ બાબતે કચ્છના જીએસટી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અત્યારે વાર્ષિક રૂા.૧.૫ કરોડ સુધીનો કારોબાર કરનારા કારોબારીઓને એચએસએન કોડથી મુક્ત રાખવામાં આવ્યા હતા. ૧.૫ કરોડથી પાંચ કરોડ રૂપિયા સુધીનો વાર્ષિક કારોબાર કરનારા લોકોને બે અંકના એચએસએન કોડનો ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે પાંચ કરોડથી વધી ટર્નઓવર ધરાવતાં કારોબારીઓને ચાર અંકનો કોડ આપવાનો હોય છે. આગામી ૧લી એપ્રિલથી વાર્ષિક પાંચ કરોડ સુધીના કારોબાર કરનારા તમામ કારોબારીઓએ ચાર અંક અને પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતાં કારોબારીઓએ છ ડિઝટના કોડનો ઉલ્લેખ કરવો પડશે. નિકાસકારો માટે આઠ અંકના એચએસએન કોડ હશે. વાર્ષિક પાંચ કરોડ સુધીના ટર્ન ઓવરવાળા કારોબારીઓ માટે બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી)માં એચએસએન કોડ અનિવાર્ય હશે જ્યારે બિઝનેસ ટુ કન્ઝયુમર (બીટુસી)માં આ વૈકલ્પીક હશે પરંતુ પાંચ કરોડથી વધુના કારોબારીઓ માટે તમામ પ્રકારના બિઝનેસમાં આ અનિવાર્ય હશે. જીએસટી નિષ્ણાત અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા સુત્રોએ વધુમાં જણાવ્યું કે કસ્ટમ ટેરિફ એક્ટ (સીમાશુલ્ક કાયદો)થી એચએસએન કોડ નીકળે છે અને તે વસ્તુઓના વર્ગીકરણના હિસાબથી નિર્ધારિત થાય છે. વસ્તુઓના વર્ગીકરણથી જ ટેક્સનો દર નક્કી થાય છે. વેપારીઓ એચએસએન કોડમાં ભૂલ કરે છે તો તેનો ટેક્સનો દર અલગ થઈ જશે. બાદમાં પકડાઈ જવા પર કારોબારી પર જીએસટી એક્ટની કલમ ૧૨૫ હેઠળ ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. આમ એકંદરે આ નવા નિયમથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે તેવું લાગી રહ્યું છે.