કચ્છના વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં પ્રવેશ આપવા જિલ્લાનું શિક્ષણ વિભાગ સક્ષમ

પ્રથમ કસોટીના આધારે વિદ્યાર્થીઓના માસ પ્રમોશનનું તૈયાર થશે રિઝલ્ટ : ગુજરાતમાં પ્રથમ વખત માસ પ્રમોશન કારણે કચ્છ સહિત ગુજરાતની સરકારી શાળાઓ પ્રથમ વખત ૧૦૦ ટકા રીજીલ્ટ

ભુજ : ગુજરાત સરકારે કોરોનાના કારણે ધો. ૧૦ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા વીના માસ પ્રમોશન આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, ત્યારે નબળા વિદ્યાર્થીઓના વાલીઓમાં એવો ગણગણાટ છે કે, પોતાના સંતાનને ધો. ૧૧ માં પ્રવેશ મળશે કે કેમ? ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, કચ્છમાં માસ પ્રમોશનથી ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં સરકારી શાળાઓમાં સમાવવા માટે જિલ્લાના તંત્ર પાસે પુરતી વ્યવસ્થા છે. આ અંગેની વિગતો મુજબ કારકીર્દી ઘડતર માટે ધો. ૧૦ અગત્યનો પડાવ છે. વિદ્યાર્થીઓની કારકીર્દીમાં શાળા નહીં પરંતુ રાજ્યના વિદ્યાર્થીઓ સાથે લેવાનારી પ્રથમ બોર્ડની પરીક્ષામાં ઘણા અનુભવો થાય છે. દર વર્ષે લેવાતી પરીક્ષામાં માત્ર પપ થી ૬૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે. બાકીના વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સહિતના વિષયોમાં નાપાસ થતા હોવાથી બીજી વખત પરીક્ષા આપવી પડે છે. આ સીલસીલો દર વર્ષે યથાવત રહેતો આવ્યો છે. ધો. ૧૦ની શરૂઆતથી જ વિદ્યાર્થીઓમાં ભય હોય છે. જો કે, કોરોનાના કારણે ધો. ૧ થી ૯ અને ૧૧ માં અગાઉથી જ માસ પ્રમોશન આપી દેવાયા છે, ત્યારે ધો. ૧૦ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાતા તેઓ માટે બીજી દિવાળી જેવો ઉત્સાહ છે. વિદ્યાર્થીઓ ભણતર મુકી ઉત્સાહના અતિરેકમાં આવી ગયા છે. બીજી તરફ તેમના વાલીઓ પોતાના સંતાનને ધો. ૧૧ માં પ્રવેશ મળશે કે કેમ? તેની ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે, દર વર્ષે બોર્ડ પરીક્ષાના પ૦ થી ૬૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થતા હોવાથી તેઓને પણ એડમીશન મેળવવામાં ફાંફા મારવા પડે છે. આ વર્ષે તો ૧૦૦ ટકા રીઝલ્ટ આવ્યું છે ત્યારે તમામને કેવી રીતે પ્રવેશ મળશે ? તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે. સરકારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું તો તેમના એડમીશન માટેની વ્યવસ્થા પણ કરી જ હશે. કચ્છમાં ધો. ૧૦માં માસ પ્રમોશનથી ઉત્તિર્ણ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વીસેક હજારની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનદાસ પ્રજાપતિએ કહ્યું કે, જેમ ધોરણ ૯ માં પ્રથમ કસોટીના આધારે માસ પ્રમોશનનું રીઝલ્ટ તૈયાર કરાયું તેમ ધો. ૧૦માં પ્રથમ કસોટીના ગુણના આધારે વિદ્યાર્થીઓના પરીણામ તૈયાર કરવામાં આવશે. આ સંદર્ભે ઠરાવ પણ બહાર પડશે. તમામ વિદ્યાર્થીઓને એડમીશન મળશે કે કેમ? તેવું પુછતા કહ્યું કે, કચ્છમાં સરકારી, ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પુરતી વ્યવસ્થા છે. સામાન્ય રીતે દર વર્ષે કલાસમાં ૬૦ની કેપેસિટી સામે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. ત્યારે આ વર્ષે માસ પ્રમોશનથી તમામ જગ્યાઓ ભરપાઈ થશે. કચ્છમાં એડમીશન સંદર્ભે ૯૯ ટકા કોઈ વિદ્યાર્થીઓને તકલીફ પડશે નહીં તેવી ધરપત આપી હતી.

માસ પ્રમોશન મુદ્દે કચ્છમાં કયાંક ખુશી તો કયાંક કચવાટ

ભુજ : ધો. ૧૦માં સરકારે માસ પ્રમોશન આપ્યું છે, જેથી રેગ્યુલર વિદ્યાર્થીઓમાં ખુશી છે તો રીપીટર વિદ્યાર્થીઓમાં કચવાટ પ્રવર્તી રહ્યો છે. કેટલાક વાલીઓ એવું માને છે કે, ધો. ૧૦ માં માસ પ્રમોશન આપવાથી આગામી સમયમાં ધો. ૧રના રિઝલ્ટ પર અસર પડશે. માસ પ્રમોશનથી જે વિદ્યાર્થીઓ બોર્ડમાં ૯૦ ટકાની અપેક્ષા લઈને બેઠા હતા, તેઓના સપના ચકનાચુર થયા છે. આ વર્ષે ૧૦૦ ટકા રીઝલ્ટ આવતા શહેર, ગામડાઓ, શાળા, ટયુશનની બહાર તેજસ્વી તારલાના પોસ્ટરો જોવા મળશે નહીં. કેટલાક વિદ્યાર્થીઓ સોશીયલ મીડિયા હળવી રમુજો પણ પ્રસરાવી રહ્યા છે. કેટલાક નબળા વિદ્યાર્થીઓ આ વખતે સરકારના કારણે પાસ થઈ જતા તેઓ પોતાના માસ્તરોને ફોન કરી ‘સાહેબ તમે તો કહેતા હતા કે તું તો સાવ જ ઠોઠ છો.. તમને કોણ પાસ કરશે ? ’ પણ હું તો પાસ થઈ ગયો, તેવું કહી હળવા મુળમાં દેખાઈ રહ્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ ઉત્સાહના અતિરેકમાં એવું પણ કહી રહ્યા છે કે, જો કોરોના હજુ બે વર્ષ લંબાય તો ૧૧ ધોરણમાં પણ સાયન્સ પ્રવાહમાં એડમીશન લઈ લઉં. તો સોશિયલ મીડિયામાં એક મેસેજ ઘણો વાયરલ થયો છે. જેમાં લખ્યું છે કે, ‘સોસાયટીના કોમન પ્લોટમાં છોકરાઓ ભેગા થઈ કોરોનાની જય બોલાતા હતા, તપાસ કરતા ખબર પડી કે, આ છોકરાઓ ધો. ૧૦ના વિદ્યાર્થીઓ હતા’ જો કે, સિક્કાની બીજી બાજુ જોઈએ તો સરકારનો નિર્ણય આવકારદાયક છે. ૧૩ લાખ છોકરાઓ પરીક્ષા આપે ન કરે નારાયણ કોઈને કોરોના થાય કે સ્થિતિ ગંભીર બને તો જવાબદારી સરકારના માથે આવે. જાન હૈ તો જહાન હૈ. આ વર્ષે ભલે ઘરે બેઠા પાસ થયા હોય પણ સુરક્ષીત તો છે. જીવતા હશું તો આવતા વર્ષે મહેનત કરી સારા માર્કસથી ઉત્તિર્ણ થઈ બે વર્ષની અભ્યાસની કસર પુરી લેવાશે.