કચ્છના રેલવે વિભાગ પર કોવિડની બીજી લહેર ભારી : ૧૭૦ જેટલો સ્ટાફ સંક્રમિત

સામખિયાળીથી લઈ ભુજ અને મુંદરા સુધીના ગાંધીધામ સબ ડિવિઝન ક્ષેત્રમાં રેલ કર્મચારીઓને લાગી રહ્યો છે કોરોનાનો ચેપ : બીજી લહેરમાં રેલવેએ પાંચ જેટલા કોરોના વોરિયર્સ પણ ગુમાવ્યા

(બ્યુરો દ્વારા)ગાંધીધામ : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર હાવી બની રહી છે. આવી કપરી પરિસ્થિતિમાં જયારે લોકો બિમારીથી બચવા ઘરે બેસતા હોય છે. ત્યારે ટ્રાન્સપોર્ટેસન સેવા ર૪ કલાક ચાલુ હોય છે. કોરોના કાળમાં દેશની સૌથી મોટી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સેવા રેલવે પણ અવિરત ચાલુ રહી છે. જો કે ફરજ બજાવતા સ્ટાફને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યા છે. ગાંધીધામ સબડિવિઝન ક્ષેત્રમાં કોરોનાની બીજી લહેરમાં ૧૭૦ જેટલા સ્ટાફને સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. કમનસીબે પાંચ જેટલા કોરોના વોરિયર્સ પશ્ચિમ રેલવેએ ગુમાવ્યા છે.આ અંગેની વિગતો મુજબ પશ્ચિમ રેલવે કોરોના કાળમાં પણ લોકઉપયોગી થઈ રહી છે. પેસેન્જર ટ્રેન ઉપરાંત સ્પેશિયલ ઓક્સિજન ટ્રેનો દોડાવી લોકો સુધી પ્રાણવાયુ પહોંચાડવામાં રેલવેનો અગ્રીમ ફાળો રહ્યો છે. આ ઉપરાંત ગાંધીધામમાં તો રેલવે વિભાગે પોતાની હોસ્પિટલમાં કોવિડની સારવાર સામાન્ય દર્દીઓ માટે શરૂ કરી છે. જો કે સંક્રમણનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. પશ્ચિમ રેલવેનો સ્ટાફ પણ આ સંક્રમણમાંથી બાકાત રહ્યો નથી. ભુજથી મુંબઈ તેમજ ગાંધીધામથી આંતરરાજ્યોમાં ટ્રેનોનું પરિવહન થાય છે. ટ્રેનમાં જાત – જાતના પ્રવાસીઓ આવતા હોય છે. હવે તો રેલવે સ્ટેશને મુસાફરોના કોવિડ પોઝિટીવ રિપોર્ટ કરાવાય છે, જેમાં સંક્રમીત દર્દીઓ પણ સામે આવતા હોય છે. સાવધાની વચ્ચે કયાંક ચુક રહી જવાથી રેલવેનો સ્ટાફ પણ સંંક્રમીત બન્યો છે. ગાંધીધામ સબ ડિવિઝન રેલવે ક્ષેત્રની જો વાત કરીએ તો સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ અને મુંદરા રેલવે સ્ટેશન તેમાં સમાવિષ્ઠ છે. સબ ડિવિઝન હેઠળ પેસેન્જર ટ્રેનો ઉપરાંત માલગાડી, ઓક્સિજન ટ્રેનો, પાર્સલ ટ્રેનનો પરિવહન થાય છે. અંદાજે ૩ હજાર જેટલો સ્ટાફ આ સબ ડિવિઝન હેઠળ કાર્ય કરે છે. કોરોનાની બીજીલહેરના આ સમયગાળામાં ગાંધીધામ સબડિવિઝન હેઠળ આવતા રેલવે મથકોના ૧૭૦ જેટલા સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો છે. જે પૈકી કેટલાક દર્દીઓ હોમ આઈસોલેશનમાં દાખલ છે. તો અમુકની તબીયત ક્રિટીકલ હોવાથી વેન્ટિલેટર પર પણ હોવાનું જાણવા મળ્યું છે. તો કેટલાક કર્મચારીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ બન્યા છે.એઆરએમ આદીસ પઠાણિયાએ વાતને સમર્થન આપતા કહ્યું કે, કોરોનાની બીજીલહેરમાં ગાંધીધામ સબ ડિવિઝન ક્ષેત્રમાં અત્યાર સુધી ૧૭૦ જેટલા સ્ટાફને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. પાંચ જેટલા કર્મચારીઓનું કોરોનાથી દુઃખદ નિધન થયું છે. હાલ ઓછા સ્ટાફ સાથે અમે જનતાની સેવા કરી રહ્યા છીએ. લોકો પણ સાવધાની રાખે તે માટે અપીલ કરી હતી.