કચ્છના રણમાં સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફનો શૌર્ય દિવસ ઉજવાયો

ભુજ : વર્ષ ૧૯૬પમાં કચ્છના રણમાં સરદાર પોસ્ટ પર સીઆરપીએફના જવાનો તૈનાત હતા. ત્યારે પાકિસ્તાને કચ્છની સરદાર પોસ્ટ ચોકી કબ્જે કરવા માટે પોતાના ૩પ૦૦ સૈનિકો સાથે ચડાઈ કરી ત્યારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની એક ટૂકડી પાકિસ્તાની સૈનિકો પર હાવી થઈ હતી અને પાકિસ્તાનના ૩૪ સૈનિકોને ઠાર કરી કચ્છની ભૂમિ પરથી પરત નાસી જવા મજબૂર કર્યા હતા. સીઆરપીએફના જવાનોની એ વીરતા અને બહાદુરીને નમન કરવા માટે દર વર્ષે ૯મી એપ્રીલના સીઆરપીએફ દ્વારા શૌર્ય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે કચ્છની ભારત પાકિસ્તાન બોર્ડરે આવેલ સરદાર પોસ્ટ ખાતે વીર શહીદોને નમન કરી સીઆરપીએફનો શૌર્ય દિવસ ઉજવાય છે. ગુરુવારે પણ કચ્છની સરહદે સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે શૌર્ય દિવસ ઉજવાયો હતો. ગાંધીનગર સીઆરપીએફ દળ દ્વારા શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ૧૯૬પમાં ૯મી એપ્રીલ પાકિસ્તાની સેના સામે સીઆરપીએફની ટૂકડીએ જે વીરતા બતાવી તેમાં આ દળના ૬ જવાનો શહીદ થયા હતા. દુનિયાના ઈતિહાસમાં પ્રથમ ઘટના હતી કે, સૈનિક બળની એક નાની ટુકડીએ પુરી ફોર્સનો સામનો કરી હુમલાને નિષ્ફળ બનાવ્યો હોય ત્યારે બીએસએફના પોલીસ મહાનિરીક્ષક કે.એમ. યાદવ તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરદાર પોસ્ટ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.