કચ્છના પુંઅરેશ્વર મંદિર સહિત 5 પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્મારકોનું કરાશે જતન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 સ્થળોનો 1-1 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવાનો લીધો મહત્વપૂર્ણ નિર્ણય : પ્રવાસન સુવિધા વિકાસ સહિત માળખાકીય સવલતોના પૂન:સ્થાપન માટે કરાશે ફાળવણી

ભુજ : ગુજરાતના પાંચ રાજ્ય રક્ષિત સ્મારકોના વિકાસ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના પુંઅરેશ્વર મંદિર સહિતના 5 પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્મારકોના વિકાસ માટે કુલ પાંચ કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ફાળવાશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

ગુજરાતમાં ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતાં પાંચ સ્મારકોના કોન્ઝરવેશનરિસ્ટ્રોરેશન માટે સ્મારક દીઠ રૂપિયા 1-1 કરોડનો ખર્ચ કરીને સંરક્ષણ, જિર્ણોધ્ધાર, પરિસર વિકાસ, વૃક્ષારોપણ, પર્યટકો માટેની સુવિધાઓ વિકસાવવાના કામો હાથ ધરાશે. આ પાંચ સ્મારકોમાં મહિસાગરના લુણાવાડામાં આવેલ કલેશ્વરી સ્મારક સમૂહ, કચ્છના નખત્રાણા તાલુકાના યક્ષ નજીક આવેલા પુંઅરેશ્વર મહાદેવનું ઐતિહાસિક મંદિર, સુરેન્દ્રનગરના થાન ચોટીલામાં આવેલ તરણેતર મંદિર, પ્રભાસ પાટણમાં આવેલ પ્રાચિન જૈન મંદિર (સંગ્રહાલયનું મકાન) અને રાજકોટના ગોંડલના ખંભાલીડામાં આવેલ પ્રાચિન બૌદ્ધ ગુફાઓ માટે રકમ ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં રાજય રક્ષિત પાંચ સ્મારકોના પુરારક્ષણ તેમજ રિસ્ટોરેશન માટે કુલ 5 કરોડ રૂપિયા ફાળવણીની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પૂરાતત્વ અને સંગ્રહાલય નિયામક હસ્તકના રાજ્ય રક્ષિત સ્મારકોના જિર્ણોદ્ધાર તેમજ અન્ય માળખાકીય સવલતોના કામો રકમમાંથી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીએ 5 સ્મારકોમાં પ્રત્યેક સ્મારક દીઠ 1-1 કરોડનો ખર્ચ કરીને સ્મારકોનું સંરક્ષણ, જિર્ણોદ્ધાર, પરિસર વિકાસ તેમજ વૃક્ષારોપણ, બ્યૂટીફિકેશનના કામો અને પર્યટક સુવિધા વિકસાવવાની કામગીરી કરવામાં આવશે. રાજ્ય સરકારે ર૦ર૧રરના બજેટમાં હેતુસર 5 કરોડ રૂપિયા ફાળવેલા હતા. જેનો લાભ કચ્છને પણ મળ્યો છે.

ઉલ્લેખનિય છે કે, કચ્છમાં અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે, અને વખતો વખત તેના વિકાસ તેમજ જતન માટેની રજૂઆતો સરકાર સ્તરે કરવામાં આવી રહી છે. તેવામાં પુંઅરેશ્વર મંદિરના વિકાસ માટેની રકમ ફાળવાતા ઈતિહાસવિદ્દોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

પ્રાચિન પુંઅરેશ્વર મહાદેવ મંદિરનો આછેરો ઈતિહાસ

ભુજ : નખત્રાણા તાલુકાના મંજલ અને યક્ષની વચ્ચે હાઈવે પર આ ઐતિહાસિક પુઅરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જામ લાખા ફૂલાણીના ભત્રીજા પુઅરાએ પાદરગઢ અને પુઅરાગઢનો કિલ્લો તૈયાર કરાવ્યો હતો. કિલ્લા નજીક આવેલ પ્રાચિન શિવમંદિર રા-પુઅરાના નામ ઉપરથી પુઅરેશ્વર મંદિર તરીકે જાણીતું થયું છે. મંદિર કચ્છનું પ્રાચિનતમ મંદિર હોવાનું પુરાતત્વ દ્રષ્ટિએ મના છે. ઓરીસ્સાના કોણાર્ક સૂર્યમંદિરના જગ મંડપની જેમ જાલકભાત અને નાગર તેમજ દ્રવિડ શૈલીનો સમન્વય ધરાવતું બેસરા પ્રકારનું મંદિર ઇસવિસન ૯મી ૧૦મી સદીનું છે. આ ઐતિહાસિક મંદિર પર અનેક વખત ચડાઈઓ પણ થઈ છે. હાલ આ મંદિર ખંડીયર બનીને ઉભું છે. ઈતિહાસની સાક્ષી પુરતા આ મંદિરના વિકાસ માટે અનેક રજૂઆતો કરાઈ હતી. ત્યારે હવે રાજ્ય સરકારે જે ફાળવણી કરી છે, તેમાંથી આ ઐતિહાસિક મંદિરનો વિકાસ થાય તે જરૂરી છે.