• શર્મ કરો શર્મ.: સરકાર સામે અવાજ ઉઠાવામાં લાજનો ધુમટો તાણનાર ધારાસભ્યો ભણી ફિટકાર
  • એકલ-બાંભણકા રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે : મંજૂરી મળી હોવા છતાં રસ્તો બનાવાનો કાર્ય શરૂ નથી કરાયું : વી.કે.હુંબલ 

ગાંધીધામ : એકલ-બાંભણકાના માર્ગને મંજૂરી મળી ગઈ હોવા છતાં રોડને બનાવાનું કાર્ય શરૂ કરાયું નથી. આ રોડનું કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે.હુંબલે તંત્રને પત્ર પાઠવી માંગ કરી છે.
શ્રી હુંબલે પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું કે, ભચાઉથી ખડીરને જોડતો અગત્યનો રસ્તો એકલ-બાંભણકા ર૦ કી.મી રોડ બનાવવા માટે પર્યાવરણ તેમજ વનવિભાગને મંજૂરીઓ મળી ગઈ હોવા છતાં સરકારને આ રસ્તો બનાવવાની દાનત નથી. કચ્છમાંથી ભાજપના પ ધારાસભ્ય હોવા છતાં આ રસ્તા માટે બજેટમાં કોઈ જોગવાઈ કરાઈ નથી. કચ્છ ભાજપના ધારાસભ્યો દ્વારા જે માહિતી તાલુકા/જિલ્લા કક્ષાએ મળી શકે તેવા પ્રશ્નો વિધાનસભામાં પૂછવામાં આવે છે પરંતુ કચ્છના પ્રાણપ્રશ્નોની કયારેય પણ દરકાર કરાઈ નથી. એકલ-બાંભણકા રોડની વર્ષોથી માંગણી હોવા છતાં અને આ રસ્તો બનવાથી ખડીર વિસ્તાર સીધો તેમના તાલુકા મથક સાથે જોડાઈ જાય અને ધોળાવીરાના કારણે પ્રવાસનક્ષેત્રે પણ મોટો વિકાસ થાય તેમ હોવા છતાં આ વિસ્તારને અનદેખી કરવામાં આવે છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી એવું કારણ આપે છે કે ખડીર વિસ્તારની વસ્તી માત્ર ૧૦ થી ૧ર૦૦૦ છે. તેના કારણે આ રોડમાં આટલી મોટી રકમ ખર્ચ કરી શકાય નહિ. જે જવાબ ખુબ જ ગંભીર અને દુઃખદ છે. રણઉત્સવ માટે રસ્તાઓ બનાવી શકાય. ધારાસભ્યો ફાર્મ સુધી તેમજ બિલ્ડરોના બિનખેતી જમીન સુધી માનવ વસ્તી ના હોવા છતાં ડામર રોડ બનાવી શકાય, પરંતુ વર્ષોથી વેદના ભોગવતા અને સરહદ સાચવી બેઠેલા લોકો માટે રોડના બની શકે જે કેટલી ગંભીર બાબત છે. આ રસ્તા ખર્ચના હિસાબના બદલે આ રોડના બનવાથી તાલુકા મથકથી વિખૂટું પડેલ વિસ્તાર તાલુકાના હેડક્વાટર સુધી જોડાઈ શકશે. અને આ રસ્તો બનાવવામાં આવે તો દેશની સેના માટે પણ ઉપયોગી બની શકે તેમ છે. જેથી ધારાસભ્યો દ્વારા સરકાર ઉપર દબાણ લાવી અને રસ્તા માટે ગ્રાન્ટ ફાળવે તેવી રજૂઆત કરવી જોઈએ. આ રસ્તાને જ્યારે પર્યાવરણની મંજૂરી મળી તેમજ મોટા કાર્યક્રમ યોજીને ભાજપ સરકારને અભિનંદન આપેલ હતા અને અનેક પ્રયાસો છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. કચ્છના પ્રાણપ્રશ્નો ચૂંટાયેલા ધારાસભ્યો ઉઠાવે અને આ રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. સરકાર ધોળાવીરા સુધી રેલવેના પાટા નાખવાની વાતો કરે છે પરંતુ એક રસ્તો પણ બનાવી શકતા નથી. એટલું જ નહિ. આ વિસ્તાર છેવાળાનો વિસ્તાર છે અને નર્મદાના પાણી પણ ખેતી માટે આ વિસ્તાર સુધી પહોંચે તો આ વિસ્તાર નંદનવન બની શકે તેમ છે. કચ્છના ધારાસભ્યો વિધાનસભામાં આંગણવાડીના, દવાખાનાના, પ્રાથમિક શાળાના રૂમો કેટલા બન્યા, વિધવા સહાય કેટલી ચૂકવાણી એવા ચીલાચાલુ પ્રશ્નો પૂછે છે જેના જવાબ તો તાલુકા કે જિલ્લા કક્ષાએથી પણ મળી શકે છે. પરંતુ કચ્છને નડતરરૂપ પ્રશ્નોને ક્યારેય પણ ચર્ચા વિધાનસભાના ફ્લોર ઉપર કરવામાં આવી નથી. જેથી આ વિસ્તાર માટે સરકાર તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી અને રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. એકલ-બાંભણકા રોડ કોંગ્રેસની સરકાર વખતે માટીકામ થયેલ હતું અને બસ પણ ચાલુ હતી જે આ સરકારમાં બંધ કરી દેવામાં આવેલ છે જેથી તાત્કાલિક આ વિસ્તારને ન્યાય મળે તેવી માંગણી છે.

  • ધારાસભ્યો મતોની લણણીમાં વ્યસ્ત-પ્રજાજનો ત્રસ્ત..!
    પાંકે..કુરો..? સ્થાનિક નપાણીયા રાજકારણીઓના લીધે કચ્છનો ખો..!
  • ‘સારા નહી માત્ર મારા’, ખુદના ફોલ્ડરીયાઓને લાભાલાભ થાય તો જ સરકારી કામોમાં અંગત રસ દાખવો, પ્રશ્નો સંકલનથી લઈ અને વિધાનસભા સુધી ગજવા, બાકી..આપણે શું..? કચ્છી પ્રજા, કચ્છનો વિકાસ, મતદારો જાય તેલ લેવા..ના તાલે જ ધારાસભ્યો વર્તતા હોવાનો ઉઠી રહ્યો છે મસમોટો અંગુલીનિર્દેશ

ગાંધીધામ : ગુજરાતની સંવેદનશીલ સરકાર કચ્છના વિકાસને માટે માંગ્યા વિના મદદ આપીને ચિંતા સેવી રહી છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, સ્થાનાકિ નેતાગરી માત્ર અને માત્ર ખુદના તરભાણું જ ભરવામાં વ્યસ્ત પડયા હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે. કચ્છ જિલ્લાના અનેકવીધ વિશાળ અને મોટા કહી શકાય તેવા પ્રશ્નોના ઉકેલની દીશામાં સરકાર ખુદ સક્રીયતા દાખવે છે પરંતુ તે પ્રશ્નો ઉકેલાઈ જાય તો સ્થાનિક રાજકારણીઓના જાણે કે, કાંડા જ કપાઈ જતા હોય અથવા તો તેવા પ્રશ્નો ઉકેલોાથી રાજકારણીઓને કોઈ જ લાભાલાભ થતો ન હોય તેવી રીતે આ પ્રશ્નો સમ ખાવા પુરતા પણ તેઓ કોઈ પણ પ્લેટફોર્મ પર ઉકેલાય તે રીતે રસ દાખવતા જ ન હોય તેવો તાલ દર્શાઈ રહ્યો છે. ધારાસભ્યો જાણે કે મતોની લણણી કરવા, પોતાના આળતીયા-મળતીયાઓને કામો અપાવી તેમાથી ટકાવારીઓ પામી લેવા, ફોલ્ડરીયાઓને જ યેન કેન પ્રકારેણ મજબુત બનાવવા સહિતનાઓમાં વ્યસ્ત પડયા હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. ઠેર ઠેર ધારાસભ્યો માત્ર અને માત્ર સારા નહી મારા, માત્ર અને માત્ર ખુદના ફોલ્ડરીયાઓને ધંધાકીય લાભાલાભ અપાય તેની જ ચિંતાઓ સેવવામા આવી રહી છે. કચ્છમાં કોગ્રેસના મોભી અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે.હુંબલ દ્વારા હાલમાં જે પ્રશ્ન ઉઠાવાયો છે અને કચ્છના પડતર રહેલા મોટા પ્રશ્નો બાબતે પણ જેરીતે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. જાણે કે, નર્મદાનો પ્રશ્ન હોય કે ખેડુતોનો વિષય કે પછી આમપ્રજાજનોને સતાવતા અન્ય મોઘવારી કે કોરોના વિષયક બાબત જ કેમ ન હોય પરંતુ આ તમામમાં જાણે કે ધારાસભ્યો મોળા જ સાબિત થયા હોય તેવો તાલ થવા પામી રહ્યો છે.

  • ધારાસભ્યોમાં જરા સહેજ પણ શરમ બચી હશે તો વિપક્ષના નેતાના સવાલોનો આપશે ઠોસ જવાબ

ગાંધીધામ : કચ્છ કોંગ્રેસના દિગ્ગજ અને અભ્યાસુ લોકનેતા વિ.કે.હુંબલ દ્વારા કચ્છના પડતર ધારદાર પ્રશ્નોનો ઉલ્લેખ કરી અને સત્તાપક્ષ અને ધારાસભ્યો પર પ્રહાર કરી દીધા છે ત્યારે હવે જો કચ્છના ધારાસભ્યોમાં જરા સહેજ પણ લાજ શરમ બચી હશે તો આ તમામ સવાલોનો ખુલ્લીને દરેક ધારાસભ્ય પોતાના મતવિસ્તાર અનુસાર ઉઠેલા પ્રશ્નોના કામોની પ્રગતિ, કયા અટકયા છે, તેના નિકાલ માટેની આ ધારાસભ્યો દ્વારા કેટકેટલી અસરકારક રજુઆતો કરવામા આવી છે તે સહિતની માહીતીઓ પ્રજા સમક્ષ સાર્વજનિક કરી દેખાડશે. જો આમ નહી કરાય તો વિપક્ષના નેતાના પ્રહારે વ્યાજબી જ  હોવાનુ પ્રજાના માનસ પર સાબીત થાય તો નવી નવાઈ નહી કહેવાય.