કચ્છના ધાર્મિક સ્થળો આજથી માઈભક્તો માટે ખૂલ્યા

પ૬ દિવસ બાદ માતાનામઢ, કોટેશ્વર મંદિર વગેરે મંદિરોમાં દર્શનાર્થીઓ જોવા મળ્યા

ભુજ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને ધ્યાને લઈ સરકાર દ્વારા તા.ર૮ એપ્રિલના જાહેરનામું બહાર પાડી રાજ્યના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવા આદેશ કર્યા હતા. કેસોમાં ઘટાડો થતા સરકારે એસઓપીના પાલન સાથે તમામ ધર્મસ્થાનો ખોલવા મંજુરી આપવામાં આવી છે. તે અંતર્ગત કચ્છના તમામ ધાર્મિક સ્થળો આજથી માઈભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પ૬ દિવસ બાદ મંદિરમાં ભક્તો જોવા મળશે. કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામો પૈકી માતાનામઢ, કોટેશ્વર મંદિર સહિતના મંદિરો સરકારની ગાઈડલાઈન મુજબ ખુલ્લા મુકવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરને ધ્યાને લઈ સરકાર દ્વારા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા હતા. પ૬ દિવસ બાદ કોરોનાની ગાઈડલાઈનના પગલે ભુજનું આશાપુરા માતાજી મંદિર, માતાનામઢ મંદિર, લખપતનું કોટેશ્વર મંદિર સહિત કચ્છના વિવિધ ધાર્મિક સ્થળો ખુલ્લા મુકાયા છે. તો ભોજનશાળા, અતિથિગૃહ બંધ રાખવામાં આવ્યા છે.ભુજ આશાપુરા માતાજી મંદિરના પૂજારી જર્નાદનભાઈ દવેએ જણાવ્યું કે, ર૮ એપ્રિલના સરકારની સૂચના મુજબ બીજી લહેરના કારણે મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવા નિર્ણય લેવાતા મંદિર બંધ કરાયું હતું. અંદાજીત દોઢ માસ બાદ મા આશાપુરા માતાજીનું મંદિર માઈભક્તો માટે ખુલ્લું મુકાયું છે. દર્શનાર્થી માસ્ક ભૂલી ગયો હોય અથવા માસ્ક ન હોય તેમને મંદિર દ્વારા માસ્ક આપવામાં આવે છે. પ્રવેશદ્વાર પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરાઈ છે. મંદિરની અંદર માર્કિંગ કરવામાં આવ્યું છે. સોશ્યલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ દર્શન રહી રહ્યા છે. મંદિર પરિસદ સવારે પથી બપોર ૧ર અને સાંજે પથી રાત્રીના ૯ વાગ્યા સુધી માઈભક્તો માટે ખુલ્લુ રહેશે.દેશ દેવી મા આશાપુરાનું મુખ્ય પ્રાગટ્ય સ્થાનક માતાનામઢ ખાતે મઢના જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી વાજતે ગાજતે કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આ અંગે માતાનામઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેરે વિગતો આપતા જણાવ્યું કે, સરકારના આદેશ મુજબ માઈભક્તો માટે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. સરકારના આદેશ બાદ આજથી મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા છે. માઈભક્તોને દર્શન કરતી વખતે માસ્ક, દો ગજ કી દુરીનું પાલન કરવું પડશે. હાલ ભોજનશાળા, અતિથિગૃહ બંધ કરાયા છે. પરિસ્થિતિ સારી થશે ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લઈ પુનઃ શરૂ કરાશે. પ્રસિદ્ધ યાત્રામાં કોટેશ્વર મહાદેવ મંદિર દ્વારા પણ આજથી માઈભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.