કચ્છના ટોલનાકાઓ પર ફાસ્ટેગની ફિલમ : વાહન ચાલકો ત્રાહીમામ

ફાસ્ટેગ અમલી બન્યું પરંતુ સુવિધાઓનો અભાવ હોવાથી રોજ ટોલનાકાઓ પર થતા વિખવાદ : ફાસ્ટેગમાં રૂપિયા જમા કરાવ્યા બાદ, ટોલનાકાઓ પર ઓટોમેટીક ટોલની રકમ વાહન માલિકના ખાતામાંથી ટોલ કંપનીને થાય છે ટ્રાન્સફર પરંતુ બેલેન્સ બતાવાતું ન હોવાથી વાહન ચાલકોને પડે છે ડબલ માર

(બ્યુરો દ્વારા)ગાંધીધામ : એક તરફ સરકાર ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવા નવી નવી નીતિઓ લાગુ કરી છે, પરંતુ તેમાં ખામી હોવાથી લોકોને પરેશાન થવાનો વારો આવે છે. તાજેતરમાં પણ ટોલનાકાઓ પર કરાતી ચુકવણીની પ્રક્રિયા રોકડના બદલે ઓનલાઈન બનાવી ફાસ્ટેગ અમલી બનાવાયો છે. જો વાહનમાં ફાસ્ટેગ ન હોય તો વાહન ચાલક પાસેથી બમણો ટોલ વસુલવામાં આવે છે. ફાસ્ટેગ એક પ્રકારે સ્ટીકર હોય છે, જે ફોર વ્હીલર કે ભારે વાહનોમાં ડ્રાયવર સાઈટના કાચ પર લગાવાય છે. તેમાં બારકોડ હોવાથી ટોલનાકે આવ્યા બાદ ઓટોમેટીક મશીન મારફતે બારકોડ સ્કેન કરી ટોલની રકમ ફાસ્ટેગના એકાઉન્ટમાંથી કપાત થઈ ટોલનાકાની કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. રોકડ વ્યવહારોમાં થતા ભ્રષ્ટાચારને ડામવા ઓનલાઈન ટ્રાન્જેકશન ફરજીયાત કરાયું છે. જો કે સેવાઓમાં ખામીઓના કારણે અંતે વાહન ચાલકોને ડબલ માર ખમવાનો વારો આવ્યો છે. આ અંગેની વિગતો મુજબ વાહન માલિક દ્વારા પોતાના ફાસ્ટેગના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવાય છેે. બાદમાં ટોલનાકા પરથી ગાડી પસાર થાય ત્યારે ઓટોમેટીક ટોલટેકસ કપાઈ જાય છે. પરંતુ કયા ટોલનાકે કેટલો ટેકસ કપાયો તેમજ હજુ ખાતામાં કેટલી બેલેન્સ છે તે દર્શાવાતી નથી. પરિણામે આડેધડ ટેકસ કપાતો હોવાથી વાહન ચાલકને કયારે ફાસ્ટેગની રકમ પૂર્ણ થઈ ગઈ તેની જાણકારી રહેતી નથી. પરિણામ ટોલનાકાઓ પર સ્ટાફ સાથે રકઝક અને વીવાદો રોજીંદા બન્યા છે. માઉન્ટ આબુ ફરીને પરત આવેલા ભુજના યુવાનોને સામખિયાળી ટોલ નાકે કડવો અનુભવ થયો હતો. તેઓએ પોતાના ફાસ્ટેગ એકાઉન્ટમાં ૧૦૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા. માર્ગમાં ટોલ ટેકસ આવતા ગયા અને ફાસ્ટેગમાંથી રકમ ચુકવાતી ગઈ, પરંતુ ફરીને પાછા સામખિયાળી ટોલનાકે આવ્યા ત્યારે તેઓના ફાસ્ટેગ એકાઉન્ટમાં રકમ શુન્ય બતાવાતા આ યુવાનો અચંબીત થઈ ગયા હતા. તેઓના ફાસ્ટેગ એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાને કારણે ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે બમણી રકમ ચુકવવા બાબતે પણ રકઝક થઈ હતી, જ્યારે આ યુવાનોએ કયા ટોલનાકે કેટલી કેટલી રકમ કપાત થઈ તેમજ બેલેન્સ કેમ નથી બતાવાતું તેઓ સવાલ પુછતા આ કર્મચારીઓ પણ મૌન સેવી બેસી ગયા હતા. ટોલનાકાના જવાબદાર અધિકારીઓ પણ આ અંગે યોગ્ય જવાબ આપી શકયા ન હતા. આ ઉપરાંત એક ટ્રક ડ્રાયવરને પણ કડવો અનુભવ થયો હતો. જેના જણાવ્યા પ્રમાણે ટ્રક માલિકે ફાસ્ટેગમાં રૂપિયા જમા કરાવી આપ્યા હતા. પરંતુ સામખિયાળી પહોંચ્યા બાદ ફાસ્ટેગમાં રકમ શુન્ય થઈ જતા પોતાના ખીસ્સા ખર્ચમાંથી ટોલની રકમ ચુકવવાનો વારો આવ્યો હતો. આ તો એક દ્રષ્ટાંત છે. આવા દરરોજ સેંકડો બનાવો બને છે, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. એક તરફ કચ્છના હાઈવે માર્ગો ખખડધજ છે, તેમ છતાં ટોલનાકાઓ પર વધારો કરવામાં આવ્યો છે, જેનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં ફાસ્ટેગના ડખ્ખા શરૂ થઈ ગયા છે, જેના કારણે ટોલનાકાઓ પર વિવાદો વધી રહ્યા છે. આ અંગે સંબંધીત તંત્રોએ હવે દરમ્યાનગીરી કરવી જ પડશે.

  • ચૂંટણીઓ-સારા નહીં મારામાં વ્યસ્ત

કચ્છનું સ્થાનિક રાજકીય જગત શું આવા પ્રશ્નોથી અવગત નથી ?

સરકારના સારા હેતુ સાથેની યોજનાઓની અમલવારીમાં તુટે છે સબોટેજ, સરકાર સારૂ કરવા જતા પણ પ્રજાજનોને ભોગવવી પડે છે હાલાકી.., રાજકારણીઓને આવા પ્રશ્નોના ઉકેલ લાવવાનું નથી લાગતું યોગ્ય? કે પછી ફુરસદનો છે અભાવ? યા તો આમાંથી આપણે શું મળે..? કાંઈ જ નહી..? માટે નથી સેવાતી ચિંતા..?

ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આમપ્રજાજનોના પેસા, સમય, ઈંધણ બચાવવા સહિતના મામલે કેટલી ચિંતા સેવવામા આવી રહી છે તે ફોસ્ટટેગના ભગીરથ અમલવારીના આયોજન પરથી જ ખ્યાલ આવી શકે છે પરંતુ બીજીતરફ સરકાર દ્વારા અમલી આ યોજનાની અમલવારીમાં સર્જાતી તકલીફો અને સમસ્યાઓ સાંભળનારા કોઈ જ ન હોવાથી એ જ પ્રજાજનોને નાહકની પીડા-વેદના ભોગવવાનો આવે છે વારો જેનાથી સરકારના સારા હેતુ છતા પણ સરકાર પર માછલા ધોવાઈ જવાની સ્થીતી પેદા થઈ રહી છે. ત્યારે જાણકારો દ્વારા સવાલ ઉઠાવાઈ રહ્યા છે કે, શું સ્થાનિકના રાજકારણીઓને આ બાબતે જરા સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી દેખાતી? અત્યાર સુધીમાં ફાસ્ટટેગની આવી વેદનાઓ બાબતે કયા રાજકારણીએ ખુદ જાત અવગત થવાનો કચ્છમાં કર્યો છે પ્રયાસ? માત્ર ચુંટણીઓના પ્રચાર અને મતોની લ્હાણી તથા સારા નહી મારાની જ ગોઠવણોમાં રટ્ટ દેખાઈ રહ્યા છે રાજકારણીઓ.