કચ્છના છેવાડાના વિસ્તાર સુધી કરાયેલી આરોગ્ય સેવા સરાહનીય

જી.કે. અને અદાણી ફાઉ. સંકલિત ‘સર્વેસંતુ નિરામયા’ પુસ્તિકાનું જિલ્લા કલેક્ટરના વિમોચન

ભુજ : જી.કે. જનરલ હોસ્પિટલ અને અદાણી ફાઉંડેશન દ્વારા કચ્છ જિલ્લાના છેવાડાના ગ્રામવિસ્તાર સુધી હાથ ધરેલી આરોગ્યલક્ષી લોકસેવાને આવરી લેતી “સર્વેસંતુ નિરામયા” પુસ્તિકાનું વિમોચન કરતાં જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. એ કહ્યું કે, લખપત અને ખાવડાના દૂર-દરાજના ગ્રામવિસ્તાર સુધી હોસ્પિટલ અને ફાઉંડેશને કરેલી કામગીરી સરાહનીય છે.
જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે આયોજિત વિમોચન બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્માએ જણાયું હતું કે, જિલ્લાના વહીવટીતંત્ર સાથે તાલ મિલાવી જી.કે. દ્વારા કરાતી કામગીરી અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી બનશે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે જણાવ્યુ કે, જી.કે. અને અદાણી ફાઉંડેશન હમેશા માત્ર છેવાડાના જ નહીં પરંતુ, દરેકવર્ગ માટે અનેકવિધ લોકકલ્યાણની સેવા કરવા તત્પર છે. આ પ્રસંગે ગ્રામવિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી એમ.કે.જાેશી, જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મૅડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણી, ફાઉંડેશનના સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેસંતુ નિરામયા પુસ્તકમાં લખપત, ખાવડા, નલિયા, મુંદ્રા તાલુકાઓમાં આરોગ્યના વિવિધ કાર્યક્રમોનો સચિત્ર અહેવાલ તેમજ સમાજના દરેકવર્ગો જેમ કે, પત્રકારો માટે આરોગ્ય કેમ્પ, પોલીસકર્મી, સિનિયર સીટીઝન, ડ્રાઈવરો,વિધાર્થીઓને પરીક્ષા ટાંકણે મનોચિકિત્સાકીય માર્ગદર્શન ધાર્મિક સંસ્થાઓમાં સુશ્રુષા કેમ્પ વ્યસનમુક્તિ અભિયાન તથા રક્તદાન કેમ્પ વિગેરે બાબતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ગેઇમ્સના વહીવટી ડાયરેક્ટર વી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ પુસ્તિકામાં વિવિધ અહેવાલો ઉપરાંત કચ્છના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જાેશી, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, કચ્છના તત્કાલીન કાર્યકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.એન.ક્ન્નર તથા કોલેજના એસો. ડીન ડો. એન.એન.ભાદરકાએ પુસ્તિકામાં અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. પુસ્તિકાનું સંકલન ભુજ ફાઉંડેશનના કિશોર ચાવડાએ કર્યું હતું.