કચ્છના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા તે કેટલા અસરકારક

  • દૂરથી ડુંગર રળિયામણા લાગે …

ગ્રામીણ લેવલે શરૂ થતા કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા પણ હોવી જોઈએ : સુરેશ છાંગા

ગુજરાત સરકારે ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનની શરૂઆત કરી પણ હાથ ખંખેરી લીધા : ગામડાઓમાં સીસીસી શરૂ કરવા લોકભાગીદારી જોઈએ પણ દાતાઓ આગળ નથી આવતા, અગર સુવિધા હોય તો આરોગ્ય સ્ટાફ મળતો નથી : સીસીસીમાં માત્ર પ્રાથમિક સવલતો અપાતી હોવાથી લોકો ઘરે રહેવાનુ વધારે પસંદ કરે છે

ભુજ : રાજ્યની સાથે કચ્છમાં પણ ગ્રામીણ લેવલે કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે, ત્યારે સરકારે ગામડાઓમાં કોરોનાને અંકુશમાં લેવા મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત તમામ ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ગ્રામ પંચાયતોને જાણ કરાઈ છે. અલબત સુવિધાઓ અને મેડિકલ સ્ટાફના અભાવે સરકારની આ વાતોનો કચ્છમાં ફિયાસ્કો થતો જોવા મળે છે.કચ્છમાં કુલ ૬૩ર ગ્રામ પંચાયતો આવેલી છે, જે પૈકી અમુક સદ્ધર અને વગદાર પંચાયતોએ જ પોતાના ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા છે. મોટાભાગના ગામોમાં આ સેવા શરૂ થઈ નથી અને જો શરૂ થાય તો પણ કોઈ કામના નથી. અમુક ગામોમાં તો સરકાર અને સ્થાનિક નેતાઓને સારૂં લગાડવા ગાદલા પાથરી દેવાયા છે. અલબત આ માત્ર ફોટ સેશન પુરતું સીમીત રહી ગયું છે. ગામડાઓમાં કોવિડ કેર સેન્ટરની જો વાત કરીએ તો પ્રાથમિક શાળા કે સમાજવાડીમાં લોકભાગીદારીથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સરકારે સુચવ્યું છે. સરકાર કોઈ ફાળો આપવાની નથી. લોકો પાસેથી ફંડ ઉઘરાવી ગ્રામ પંચાયતોએ આ સેવા કરવાની છે, જેથી ઘણા ખરા ગામોમાં ફંડના અભાવે આ સેવા શરૂ થઈ નથી. કોવિડ કેર સેન્ટરમાં માત્ર પ્રાથમિક સવલતો આપવાની હોય છે, જે માટે ખાટલા કે ગાદલા, હવાની અવર જવર માટે પંખા, પાણીની સગવડ, મેડિસીનની કીટ, બીપી માપવાનું મશીન, ગ્લુકોમીટર, પ્લસ ઓક્સિ મીટર, થર્મલ ગન સહિતના સાધનો રાખવાના હોય છે. બેઝીંક સારવાર જ સીસીસી અપાય છે. ખાસ તો જો કોઈ વ્યક્તિ દાખલ હોય તો તેના જમવાની વ્યવસ્થા ઉભી કરવાની હોય છે. પણ મોટાભાગના ગામોમાં કોવિડ કેર સેન્ટર શોભાના ગાંઠિયા સમાન છે. કારણ કે અહીં માત્ર પ્રાથમિક સારવાર અપાય છે. પ્રાથમિક સારવાર તો લોકો પોતાના ઘરમાં પણ લઈ શકે છે. લોકોમાં એવો ભય છે કે મને હળવા લક્ષણો છે, છતાં જો હું સીસીસીમાં જઈશ અને મારી બાજુમાં કોવિડ પોઝિટીવ વ્યક્તિ હશે તો મને ચેપ નહીં હોય તો પણ લાગી જશે. ઉપરાંત ઓક્સિજનની સગવડ તો છે નહીં. તો હું શું કરવા સીસીસીમાં દાખલ થઉં તેના કરતાં ઘરે રહી સારવાર મેળવવાને લોકો અગ્રીમતા આપી રહ્યા છે. મોટાભાગના ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા પાછળ ગ્રહણો નડી રહ્યા છે. જેના કારણે કચ્છના ગ્રામીણ વિસ્તારમાં વકરતી મહામારી વચ્ચે સરકારની વાતોનો ફિયાસ્કો થઈ રહ્યો છે.કચ્છમાં અત્યાર સુધી ગામડાઓમાં કેટલા કોવિડ કેર સેન્ટર શરૂ થયા તે અંગે સીડીએમઓ ડો. માઢકને પુછતા તેમણે આ સઘળી જવાબદારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સંભાળતા હોવાનું કહ્યું હતું. ડે.ડીડીઓ શ્રી પ્રજાપતિએ ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી.બીજીતરફ કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશ છાંગાએ જણાવ્યું કે, ગ્રામીણ લેવલે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં વિઘ્નો આવી રહ્યા છે. લોકભાગીદારીથી આ કામગીરી કરવાની છે. અમે કુનરિયા ગામમાં સીસીસી શરૂ કર્યું છે. પણ જો કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવાય તો દર્દીઓને શહેર સુધી ધક્કો ખાવાનો વારો નહીં આવે. ઉપરાંત ગ્રામીણ લેવલે શરૂ થતા કોવિડ કેર સેન્ટરમાં તબીબોની ફાળવણી થાય તો સોનામાં સુંગધ ભળે તેમ કોવિડ કેર સેન્ટર લોક ઉપયોગી સાબિત થશે.

હજુ પણ સમય છે ચેતો, કાગળ પર સેન્ટર દર્શાવશો તો આગામી દિવસો ઘાતક સાબીત થશે
ભુજ : કોરોનાની પ્રથમ લહેરમાં કોઈને પણ અંદાજો ન હતો કે બીજી લહેર આવશે. બીજી લહેર લોકોની કંપારી છુટાવી દીધી છે. આવા સમયે હજુ તો ત્રીજી લહેર પણ આવવાની આશંકાઓ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી ચુકયા છે. જેથી હજુ પણ ચેતવાનો સમય છે. કાગળ પર ગ્રામીણ વિસ્તારોમાં સેન્ટરો દર્શાવીને સંતોષ માની લેવો યોગ્ય નથી. આ બેદરકારી આગામી દિવસોમાં સ્થિતિને વધારે ખરાબ કરશે. હજુ પણ સરકાર અને તંત્ર વાસ્તવિકતાને નજર અંદાજ ન કરે અન્યથા આગામી દિવસોમાં પરિસ્થિતિની કલ્પના કંપાવી દેનારી હશે. આ સેન્ટરો સરકારી ચોપડે નોંધાશે પણ તેનાથી ગામ વાસીઓ કોઈ ફાયદો થવાનો નથી. કારણ કે અંતે તો દવા લેવા માટે શહેરોમાં જવું જ પડશે.

ગામડાઓમાં સુવિધા વગર ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ રહેવા નથી માંગતા

ભુજ : કોરોનાની બીજી લહેરમાં તંત્ર કોરોનાની ચેન તોડવા તનતોડ મહેનત કરી રહ્યું છે. તેના ભાગરૂપે જિલ્લામાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ તબીબી સારવારના અભાવે આ પ્રયાસ વધારે સફળ થાય તેમ જણાતું નથી કારણ કે મોટાભાગના કોવિડ કેર સેન્ટરમાં સુવિધા નથી અથવા મેડિકલ સ્ટાફ હાજર હોતો નથી પરિણામે ગ્રામ્ય વિસ્તારના લોકો રહેવા માંગતા નથી. જેથી આ સ્થળો ખાલી અથવા ગણતરીના દર્દીઓ ત્યાં લાભ લઈ રહ્યા છે. હાલમાં ગામડાઓમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. દિનપ્રતિદિન ગામડાઓમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા ગ્રામ્ય લેવલે સીસીસી શરૂ થયું પણ સુવિધા ન હોવાથી લોકો અહીં રહેવા માંગતા નથી પરિણામે શહેરોમાં દર્દીઓનો જોક વધી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં સુવિધા મળે તો લોકો શહેરમાં આવવા રાજી નથી.

દુધઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતાનો અભાવ

અંજાર : તાલુકાના દુધઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગંદકીના કારણે દરરોજ સારવાર માટે આવતા દર્દીઓ તથા દાખલ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે આરોગ્ય કેન્દ્ર ખાતે વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે તો લોકોને પડતી મુશ્કેેલી દૂર થાય તેમ છે. દૂધઈ આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ દુધઈ તથા આજુબાજુના ગામોમાંથી લોકો સારવાર માટે આવે છે. ઉપરાંત શંકાસ્પદ કોવિડ દર્દીઓનું ટેસ્ટ વગેરે કામગીરી અહીં થાય છે ત્યારે આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. હોસ્પિટલમાં જંયા – ત્યાં ગંદકીના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. સરકાર જ્યારે સ્વચ્છતાને મહત્ત્વ આપે છે ત્યારે આરોગ્ય કેન્દ્રએ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ પંક્તિ સાર્થક કરવી જોઈએ, જેથી દર્દીઓને પડતી મુશ્કેલી ઓછી થઈ શકે. સ્વચ્છતા ન માત્ર દુધઈ પણ દરેક કોવિડ કેર સેન્ટરમાં થવી જોઈએ.

ચૂંટણી ટાણે ઘરે ઘરે ફરતા ગામડાના નેતાઓ ઘરમાં છુપાયા

ભુજ : ગામડાઓમાં કોરોના અંકુશમાં લેવા સરકારે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જાણ કરી છે. જેમાં સૌનો સહકાર જરૂરી છે, જો કે સહકાર માટે જેમણે સૌથી પહેલા આગળ આવવું પડે તેવા ગામડાના નેતાઓ હાલ ઘરમાં છુપાઈ ગયા છે. ચૂંટણી સમયે ઘરે – ઘરે મત માંગવા જતા આવા નેતાઓ હાલ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કે તેમાં સુવિધાઓ ઉભી કરવા મુદ્દે પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા છે. દારૂ અને રૂપિયા લઈ મતદાન કરનાર પ્રજા હાલ કમોતે મરવા મજબૂર થઈ છે. જે લોકો આવા સીસીસીમાં દાખલ છે, તેની મુલાકાત પણ રાજકીય આગેવાનો બીકના માર્યે લેતા નથી. કારણ કે સુવિધા ન હોવાથી લોકોનો બળાપો સહન કરી શકવાની તાકાત તેમનામાં નથી.