કચ્છના ખેડૂતોની હોળી પહેલા દિવાળી : પીએમ કિસાન નિધિનો મળશે આઠમો હપ્તો

યોજનામાં સામેલ દરેક ખેડૂતના ખાતામાં જમા થશે ર હજારની રકમ

(બ્યુરો દ્વારા)ભુજ : ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે સો ટકા કેન્દ્ર સહાયીત પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજના અમલમાં મુકી છે. નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં આ યોજના અમલમાં આવી હતી. આ યોજના હેઠળ દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં ર હજાર રૂપિયા જમા કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને ૭ હપ્તા સુધીની રકમ ચુકવી દેવાઈ છે. આઠમાં હપ્તાની રકમ ૩૧ માર્ચ એટલે કે હોળી પહેલા ચુકવાય તેમ હોઈ ખેડૂતોની આગોતરી દિવાળી આવી શકે તેમ છે.આ અંગેની વિગતો મુજબ ભારત એ ખેતીપ્રધાન દેશ હોઈ ધરતીપુત્રોની આવક વધે તે માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નિર્ધારીત કરાયું છે ત્યારે ખર્ચાળ બનતી ખેતીથી ધરતીપુત્રો મોં ન ફેરવે અને ખેતી પણ સમૃદ્ધ બને તે માટે ખેડૂતલક્ષી યોજનાઓનો વ્યાપ વિસ્તારી દેવાયો છે. ખેડૂતના હિતો માટે અમલમાં રહેલી યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજના પણ એક મહત્વની યોજના છે. રાજયમાં બે હેકટર સુધીની ખેડાણ લાયક જમીન ધરાવતા ખેડૂત કુટુંબને આ યોજનાના લાભાર્થી ગણવામાં આવે છે. ખેડૂત કુટુંબને પ્રતિવર્ષ કુલ્લ રૂા. છ હજાર ત્રણ સરખા હપ્તામાં સહાય ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (ડીપીટી) માધ્યમથી ચુકવવામાં આવે છે. ખેડૂતોને હક્કની રકમ તેઓને બેંક ખાતામાં સીધી જમા થાય તે માટે સમગ્ર પ્રક્રિયા કેન્દ્ર સરકારના મોનીટરીંગ હેઠળ જ આગળ ધપી રહી છે. સરકારની આ યોજનાથી નાના તેમજ સીમાંત ખેડૂતોને આર્થિક રીતે ટેકો પણ મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની આ યોજનાનો આઠમો હપ્તો ખેડૂતોને મળવા જઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં અનેક એવા ખેડૂતો છે જેઓને અમુક હપ્તા ચુકવા નથી.
ઘણા ખેડૂતોના ડોકયુમેન્ટમાં વેરીફીકેશનની અધુરાશો હોવાથી આ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે, ત્યારે આ યોજનામાં નામ સામેલ છે કે કેમ તે સહિતની વિગતો જાણવા પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર જઈ ખેડૂતો વિગતો પણ ચકાસી શકે છે.