કચ્છના કોવિડ કેર સેન્ટરમાં નર્સિંગ સ્ટુન્ડન્ટને તાલિમ વગર જવાબદારી સોંપી દેવાઈ

રાપરના આરોગ્ય કેન્દ્રમાં આવા બિનઅનુભવી કોવિડ સહાયકોએ એકના બદલે બીજી દવા આપી દેતા થયો હોબાળો : જિલ્લા પંચાયતે ર૪ કોવિડ કેર સેન્ટરમાં ૧પર સ્ટુન્ડન્ટને સોંપી જવાબદારી : કોલેજો બંધ છે તેવામાં તાલિમ વગર કામગીરી સોંપી દેવાતા સ્વજનોમાં વધ્યો ઉચાટ

ગાંધીધામ : હાલમાં જ્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક જાહેરનામુ બહાર પાડી સ્ટાફ ઘટ નિવારવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને કોવિડ સહાયક તરીકે લેવા માટે અનુરોધ કર્યો છે. જે અન્વયે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે જિલ્લાના ર૪ કોવિડ કેર સેન્ટરમાં ૧પર નર્સિંગ સ્ટુન્ડન્ટને જવાબદારી સોંપી છે. ગઈકાલે આ માટે પરિપત્ર ઈસ્યૂ કરાયો હતો. જેમાં સમરસ હોસ્ટેલ, રાતા તળાવ, ગડા કોવિડ કેર સેન્ટર, એસ.ડી. એસ.-અંજાર, એસ.ડી.એસ.-ગાંધીધામ, એસ.ડી.એસ. માંડવી, વાગડ વેલફેર હોસ્પિટલ ભચાઉ, કસ્તૂરબા ગાંધી વિદ્યાલય-ભચાઉ, સીએચસી-ભચાઉ-દુધઈ, ગઢશીશા, ઢોરી, પલાસવા, ભુજપુર, તેમજ નાગલપર નવજીવન ટ્રસ્ટ હોસ્પિટલ અંજાર, શેઠ વર્ધમાન કલ્યાણજી વસઈ-કોવિડ કેર સેન્ટર, નખત્રાણા કડવા પાટીદાર કન્યા છાત્રાલય, હરીહર સેવા સનતાન ટ્રસ્ટ, માતાના મઢ-આશાપુરા મંદિર, મથલ પાટીદાર સેવા સંઘ અને ગૌરક્ષા કેન્દ્ર, કોવિડ કેર સેન્ટર ચોબારી, સીએચસી રાપર, ભીમરાવ સમરસ કુમાર છાત્રાલય મિરઝાપર અને બિદડા માનવ મંદિર ટ્રસ્ટ કોવિડ કેર સેન્ટરમાં સહાયકોને મુકવામાં આવ્યા છે. લાખોંદ બીએમસીબી કોલેજ ઓફ નર્સિંગમાં બીએસસી, જીએનએમ, એએનએમમાં બીજા, ત્રીજા અને ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોવિડ સહાયક તરીકે જવાબદારી સોંપવાનું હુકમ કરાયો છે. તેમજ તેઓને મહેનતાણુ ચૂકવાશે. જ્યારે રહેવા-જમવાની વ્યવસ્થા સંબંધિત સંસ્થાએ કરવાની રહેશે.જો કે, બીજી તરફ એવી વાત સામે આવી છે કે, કચ્છના કોવિડ કેર સેન્ટરમાં નર્સિંગ સ્ટુન્ડન્ટને તાલિમ વગર જવાબદારી સોંપી દેવાઈ છે. જેથી પરિવારજનોમાં ઉચાટ ફેલાયો છે. આ વિધાર્થીઓ આરોગ્યને લગતી કોઈ પણ કામગીરીથી વાકેફ નથી. દોઢ-બે વર્ષથી કોલેજો બંધ છે ઓનલાઈન અભ્યાસ કેટલો કારગત છે તે સૌ જાણે જ છે. તેવામાં અમુક સહાયકોને દવાઓના કે ઈન્જેકશનના નામ પણ નથી આવડતા તો આરોગ્ય વિભાગમાં કયા કારણોસર કોવિડ સહાયકની નિમણૂંક આપવામાં આવી તે સવાલ ઉઠવા પામ્યો છે. અમુક વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ તો બે વર્ષથી નર્સિંગ કોલેજમાં ગયા નથી અને દવાઓના નામ પણ આવડતા નથી તો રાપર, પલાંસવા તેમજ સામખિયારી, ભચાઉમાં ફરજ બજાવતા આ કોવિડ સહાયકને દવાઓના નામ પણ આવડતા નથી તો કોવીડની દવાઓ કઈ રીતે કરી શકે છે રાપરમાં કોવિડ અંગે દવાઓ આપવાના બદલે અન્ય દવાઓ આપતાં હોબાળો થયો હતો તો આવા વગર અનુભવ ધરાવતા કે નર્સિંગ કોલેજ લાખોંદની બે વર્ષથી અભ્યાસક્રમ બંધ છે તો શું જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના દર્દીઓને જાણી જોઈને મોતને ધાટ ઉતારી રહ્યા છે તેવો સવાલ ઉઠવા પામ્યો છે. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આવા અણ આવડત ધરાવતા તાલિમી નર્સિંગ કોલેજના વિધાર્થીઓની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ નહિતર આગામી સમયમાં કચ્છમાં મોતનો આંકડો વધી જાય તો નવાઈ નહીં.