કચ્છના અંતિમ મહારાઓ શ્રી પ્રાગમલજી ત્રીજાની વિદાય, કચ્છભરમાં શોક

ટૂંકી માંદગી બાદ ૮પ વર્ષની જૈફ વયે મહારાવ સાહેબે ફાની દુનિયાને કરી અલવિદા : રાજ પરિવારના સદ્દસ્યોએ મહારાવના અંતિમ દર્શન રણજિત વિલાસમાં કર્યા : છેલ્લા પ્રાણ સુધી અલગ કચ્છ માટે ઉપાડતા રહ્યા અવાજ

ભુજ : દેશના સૌથી વિશાળ જિલ્લા કચ્છને અલગ રાજ્યનો દરજ્જાે મળે અને હંંમેશા લાખો કચ્છીઓના હિતની ચિંતા કરતા કચ્છના અંતિમ રાજવી મહારાઓ શ્રી પ્રાગમલજી ત્રીજા બાવા સાહેબનું આજે વહેલી સવારે ટૂંકી માંદગી બાદ નિધન થતાં કચ્છભરમાં શોક ફેલાયો છે. ૮પ વર્ષની જૈફ વયે મહારાવ સાહેબે ફાની દુનિયાને અલવિદા કરી છે. મહારાવ સાહેબની વિદાયના સમાચાર વાયુ વેગે કચ્છ અને મુંબઈ તેમજ દેશ – દેશાવરમાં પહોંચી જતાં લોકોએ અત્યંત દુઃખની લાગણી અનુભવી છે.

લોકશાહી શાસન પૂર્વે કચ્છ જિલ્લામાં રાજાશાહી શાસન હતું. આજે પણ કચ્છમાં રાજપરંપરા અકબંધ છે. રાજાશાહી સમયમાં કચ્છના રાજા તરીકે જવાબદારી નિભાવી કચ્છીઓના હિતમાં હંમેશા ચિતા સેવતા મહારાવ પ્રાગમલજી ત્રીજાની અણધારી વિદાયથી રાજ પરિવાર સાથે કચ્છ રાંક બન્યું છે. મહારાવ સાહેબની વિદાયથી રાજ પરિવાર અને કચ્છીઓ ઘેરા આઘાત મુકાઈ ગયા છે. થોડા સમયે પૂર્વે તેઓ બિમાર થતા તજજ્ઞ તબીબોના નેજા હેઠળ સારવાર થતી હતી. ખાસ પ્રાઈવેટ જેટથી તબીબો મહારાવ સાહેબની સારવાર માટે ભુજ આવ્યા હતા.

ટૂંકી માંદગી બાદ તેઓનું નિધન થતાં કચ્છ ભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કચ્છના હિતની સદૈવ ચિંતા કરતા મહારાવ પ્રાગમલજી ત્રીજા આપણી વચ્ચે હવે રહ્યા નથી, ત્યારે તેમના અંતિમ દર્શન ભુજ ખાતે રણજિત વિલાસ પેલેસમાં બપોરે ૧રથી ૧ની વચ્ચે રાખવામાં આવ્યા હતા. વર્તમાન કોવિડ ગાઈડલાઈનના પગલે નિયમોનું પાલન સાથે સૌએ મહારાવના અંતિમ દર્શન કર્યા હતા તેવું કચ્છ રાજકુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા (નલિયા), દેવપર ઠાકોર સાહેબ કૃતાર્થસિંહ જાડેજા, તેરા ઠાકોર સાહેબ મયૂરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.બાવા સાહેબને અંજલિ આપવા પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યો પંંકજભાઈ મહેતા, બાબુભાઈ મેઘજી શાહ, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, નગરપતિ ઘનશ્યામ ઠક્કર, ઉપનગરપતિ રેશ્માબેન ઝવેરી, સાવજસિંહ જાડેજા, જાેરાવરસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા,  શૈલેન્દ્રસિંહ જાડેજા, અમીરઅલી લોઢિયા, અલીમામદ જત, અનવર નોડે, અલીભાઈ હિંગોરજા, પ્રબોધ મુનવર, અશોક હાથી, ઘનશ્યામ જાેષી, રજાકભાઈ ચાકી, પૂજારી જર્નાદનભાઈએ અંજલિ આપી હતી.

દુઃખમાં સહભાગી થનારા સૌનો ઋણ સ્વીકાર : કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા

મહારાવ પ્રાગમલજી ત્રીજા કચ્છની પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેતા

ભુજ : કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ પરિવારના મોભી મા આશાપુરાના પરમ સેવક મહારાવ સાહેબનું આજે દુઃખદ નિધન થયું છે. મહારાવ સાહેબની આત્માને શાંતિ મળે અને દુઃખની આ ઘડીમાં સહભાગી થનારા સૌ કોઈનો રાજ પરિવાર વતી ઋણ સ્વીકારું છું. મહારાવ સાહેબ કચ્છની પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી રહેતા હતા. કચ્છની પ્રજા હંમેશા સુખી રહે તે માટે તેઓ પ્રયત્નો કરતા હતા. ૪૦ – પ૦ વર્ષથી તેઓ રાજ પરિવારની પરંપરા નિભાવી રહ્યા છે. તેમનો ધ્યેય હતો કે, હું રહું ન રહું પણ રાજ પરિવારની પરંપરા રહેવી જાેઈએ. તેઓએ મારા શીરે કુંવરની મોટી જવાબદારી સોંપી હતી. કચ્છના મહારાવે કચ્છ માટે જે સ્વપ્ન જાેયા છે તે આપણે સૌ સાર્થક કરીએ. કચ્છની પ્રજા સુખી હશે તો મહારાવ સાહેબની આત્માને સાચી શ્રદ્ધાંજલિ મળશે.

રાજવી પરંપરા જાળવનાર મહારાવશ્રીની  ખોટ ક્યારે નહીં પુરાય : સાવજસિંહ જાડેજા

ભુજ : કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાના દુઃખદ નિધનને કારણે કચ્છી ઈતિહાસ પરિષદના સાવજસિંહ જાડેજાએ દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે, કચ્છના શુભ ચિંતક, પર્યાવરણ પ્રેમી અને રાજવી પરંપરા જાળવનાર મહારાવશ્રીના અવસાનથી કચ્છમાં ક્યારે નહીં પુરાય તેવો ખાલીપો થયો છે. સાવજસિંહે મહારાવશ્રી વિશે વાત કરતા કહ્યું હતું કે, તેમનો જન્મ થયો ત્યારે રાજવી પરંપરાના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ દાદાએ પરપૌત્રનું મોઢુ જાેયું હતું. તેમના જન્મ વખતે કચ્છ અને ભુજમાં ઉત્સવ ઉજવાયો હતો. આખા ભુજમાં મીઠાઈઓ વહેંચાઈ હતી. મહારાવશ્રીએ રાજાશાહી પણ ભોગવી હતી અને લોકશાહી પણ જાેયેલી. તેઓને કચ્છના ઈતિહાસ અને ભૂગોળનું સારૂં એવું જ્ઞાન હતું. અલગ કચ્છના તેઓ હિમાયતી રહ્યા હતા અને કચ્છને સ્વતંત્ર સ્ટેટનો દરજ્જાે મળે તે માટે તેમણે દિલ્હીમાં અનેક રજૂઆતો કરી હતી. તેમને એક વાતનો વસવસો એ રહ્યો હતો કે, કચ્છની પ્રજાએ અલગ કચ્છ માટેની કોઈ બુલંદ માંગ ન કરી. પરિણામે તેમનું આ સ્વપ્નું સાકાર ન થઈ શક્યું. મહારાવશ્રીએ લોકશાહીમાં પણ રાજવી પરંપરાઓ જાળવી રાખી હતી. નવરાત્રિ વખતે થતી પતરીવિધિ, નાગપાંચમના નિકળતી સવારી, ભુજંગ દેવનું પૂજન, કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણી સહિતની પરંપરાઓ તેમણે અકબંધ રાખી હતી. તેમના નિધનથી કચ્છમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી હોવાનું જણાવીને તેમણે દુઃખની લગાણી વ્યક્ત  કરી હતી.

મહારાઓ પ્રાગમલજી ત્રીજા બાવા સાહેબની જીવન ઝરમર : (૩ મે ૧૯૩૬થી ર૮ મે ર૦ર૧)

ભુજ : કચ્છના મહારાઓ પ્રાગમલજી ત્રીજાનો જન્મ ૩ મે ૧૯૩૬ના થયો હતો. તેઓ કચ્છ રાજ્યના જાડેજા વંશના શાસક શીર્ષક હતા. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ તેમણે મેહુ કોલેજ, અજમેર અને દૂન સ્કૂલ, દહેરાદૂનથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. અને બાદમાં દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી સ્નાતક થયા હતા. તેમના પિતા અને કચ્છના પૂર્વ શાસક મહારાઓ શ્રી મદનસિંહજી, અને મહારાણીબાઈ શ્રી રાજેન્દ્ર કુંવરબા સાહેબના મોટા પુત્ર છે અને તેમના પિતાના ઉત્તરાધિકાર પર યુવરાજ સાહેબની પદવી સાથે વારસદાર બે ફેબ્રુઆરી, ૧૯૪૮ના બન્યા હતા.  રણજિત વિલાસ મહેલ, પ્રાગમહલ અને વિજય વિલાસ મહેલ જેવા રાજવી મહેલો કચ્છના પૂર્વ શાસકો સાથે જાેડાયેલા છે અને તેમની કેટલીક ખાનગી મિલકતો છે. રાજવંશ સાથે સંકળાયેલા અન્ય ખાનગી મહેલોમાં આઈનામહેલ, શરદ બાગ પેલેસ, ચાવડા રખાલ અને દરબારગઢ પેલેસ શામેલ છે. પ્રાગમલજી ત્રીજા મુંબઇમાં રહેતા હતા અને લંડનમાં પણ મકાન ધરાવે છે. હાલની કોવિડની સ્થિતિમાં તેઓ લાંબા સમયથી ભુજ ખાતે હતા. ર૦૦૧માં ભૂકંપ આવ્યો ત્યારે પ્રાગમહેલ, આઈનામહેલને નુકસાની થઈ હતી, જેનું પણ સમારકામ તેઓએ કરાવ્યું હતું. તેમના દાદા ખેંગારજીએ કંડલા બંદરની સ્થાપના ૧૯૩૦-૩૧માં કરી હતી.કંડલા બંદર સ્થાપવા માટે હજારો એકર જમીન આપી દેવાઈ હતી.  ગાંધીધામ – આદિપુરમાં સિંધી વસાત માટે તેમણે જ જમીન આપી હતી. આજે પણ કંડલામાં ખેંગારજી બાવાનું સ્ટેચ્યુ તેમની દાતારી અને દિલેરીની લોકોને યાદ અપાવે છે. મહારાવ પ્રાગમલજી ત્રીજા સાહેબના પિતાશ્રી મહારાવ મદનસિંહજીનું ૧૯૯૧માં નિધન થયું હતું. ત્યારબાદ મહારાવ પ્રાગમલજી ત્રીજા રાજ પરિવારનું નેતૃત્વ કરતા હતા. જેઓની આજે અણધારી વિદાયથી કચ્છને ન પુરાય તેવી ખોટ પડી છે.

છતરડી સ્મશાન ખાતે કરાઈ અંતિમવિધિ

પોલીસ બેન્ડના સન્માન સાથે નિકળી અંતિમયાત્રા

ભુજ : કચ્છના અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાએ આજે દેહ ત્યાગ્યો છે. મહારાવ તેમની વિદાયથી મહારાણી પ્રીતીદેવી તેમજ ત્રણ વારસદારો કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા અને તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજાને વિલાપ કરતા છોડી ગયા છે. બપોરે અંતિમ દર્શન બાદ રણજીત વીલાસ પેલેસથી તેમની અંતિમ યાત્રા નિકળી હતી. કચ્છના અંતિમ મહારાવે વિદાય લઈ લેતા રાજ પરિવારની પરંપરા પ્રમાણે બેન્ડ સુરાવલી સાથે અંતિમ યાત્રા નિકળી હતી. પોલીસની બેન્ડ પાર્ટીએ ગમગીનીના સૂર રેલાવ્યા હતા. રણજીત વિલાસ પેલેસથી મંગલમ થઈ છતરડી સુધી અંતિમ યાત્રા નિકળી હતી. લાખો કચ્છીઓના હૃદયમાં સ્થાન પામનારા બાવા સાહેબની વિદાય શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. બેન્ડ સુરાવલીના સુરો સાથે અંતિમ યાત્રા નિકળી હતી. બાદમાં છતરડી ખાતે અંતિમવિધિ કરાઈ હતી.

મહારાવ પ્રાગમલજી ત્રીજાને આગેવાનો અને સંસ્થાઓએ આપી હૃદયાંજલી

ભુજ : કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજા બાવા સાહેબ આજે આપણી વચ્ચે રહ્યા નથી પણ તેમના સંસ્મરણો આપણા હૃદયમાં હંમેશા અંક્તિ રહેશે. પ્રાગમલજી ત્રીજા બાવા સાહેબની ખોટ કદી પણ પુરાશે નહીં. ભારે હૃદયે કચ્છની જુદી જુદી સંસ્થાઓ, આગેવાનો અને કચ્છના દરેક નાગરીકે બાવા સાહેબને હૃદયાંજલી આપી છે. કચ્છ કુળદેવી મા આશાપુરા બાવા સાહેબની આત્માને શાન્તિ આપે તેવી સૌ કોઈએ પ્રાર્થના કરી છે.

• કચ્છી સાંસદ વિનોદ ચાવડા :

કચ્છના હિતની સદેવ ચિંતા કરતા નેક નામદાર મહારાવ પ્રાગમલજી ત્રીજા આપણી વચ્ચે રહ્યા નથી. મા આશાપુરા તેમના દિવગંત આત્માને શાંતિ અર્પે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.  બાવા સાહેબ સાથે જ્યારે પણ મુલાકાત થતી ત્યારે કચ્છના હિત માટે અમને માર્ગદર્શન આપતા રહેતા.

• એસઆરસીએ વડીલ ગુમાવ્યા –  નરેશભાઈ બુલચંદાણી :

કચ્છના અંતિમ મહારાવ આજે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે. ગાંધીધામ નગર આજે ઉભુ છે તેમા મહારાવશ્રીના પરીવારનો દીર્ઘ ફાળો રહેલો છે. તેઓના પિતાશ્રીએ જમીન આપી તે બાદ આ નગર વસેલુ છે, કચ્છે એક જાગૃત મોભી અને એસઆરસીએ વડીલ  ગુમાવ્યા હોવાનો વસવસો એસઆરસીના ડાયરેકટર નરેશ બુલચંદાણીએ વ્યકત કર્યો હતો.

• શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી ખોટ પડી –  રાજભાઈ પટેલઃ 

એસઆરસીના ડાયરેકટર અને ગાંધીધામ સંકુેલના જાણીતા આગેવાન રાજભાઈ પટેલે કહ્યુ હતુ કે, કચ્છના અંતિમ મહારાઓશ્રીના નિધનની ઘટના શબ્દેમાં વર્ણવી ન શકાય તેવી ખોટ પાડનારી બનશે. માત્ર ગાંધીધામ જ નહી પરંતુ આખાય કચ્છને માટે તેઓ સદાય ચિંતિત રહેતા હતા.

• કચ્છે અનુભવી-અડીખમ હામી ગુમાવ્યા –  કેશુભાઈ પટેલ :

ઐતિહાસીક કચ્છના રાજવી એવા મહારાઓશ્રીનું અનંતવાટે ગમન થવાની વાત ગમગીની ઉભી કરનારી છે. કચ્છ આખાયના હિતના તેઓ હામી રહ્યા છે. કચ્છ માટે સદાય ચિંતા સેવતા મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાની અણધારી વિદાયથી કચ્છવાસીઓ, કચ્છીયતને મોટો ધક્કો લાગ્યો હોવાનુ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યુ હતુ.

• પંકજ મહેતા :

જીવનકાળ દરમ્યાન મહારાવ સાહેબે કચ્છની પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો, મહારાવ સાહેબ વાગડમાં યોજાતા રવેચી માં ના મેળામાં અચુક હાજરી આપતા, કચ્છ સાથે તેઓ હૃદયથી જાેડાયેલા હતા. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ કચ્છ તેમને આજીવન યાદ કરશે.

• જાેરાવરસિંહ રાઠોડ :

મહારાવ સાહેબ કચ્છ જિલ્લો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે હંમેશા પ્રગતિ કરે તેમજ દરેક ક્ષેત્રે કચ્છીઓનું નામ આગળ વધે. કચ્છી ભાષાનું  ગૌરવ અકબંધ રહે તેના હિમાયતી હતા. તેઓ કચ્છના હિત માટે સૌના માર્ગદર્શક હતા.

• ઘનશ્યામ ઠક્કર :

મહારાવ સાહેબ આજે આપણી વચ્ચે નથી. ભુજના નગરજનો વતી અત્યંત આઘાતની લાગણી અનુભવું છું. મહારાવ સાહેબની આત્માને શ્રદ્ધાંજલિ મળે તે માટે મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના કરું છું.

• પુષ્પદાન ગઢવી :

અમારા પરિવારનો રાજ પરિવાર સાથે પેઢીઓથી નિકટ સબંધ છે. મહારાવ સાહેબ પ્રાગમલજી ત્રીજા સાદું જીવન જીવતા હતા. તેમજ નાની નાની વસ્તુઓની ખુબ જ ચીવટ રાખતા હતા. આજે તેમની વિદાયથી તેમને શ્રદ્ધાંજલિ આપવા શબ્દો ઓછા પડે તેમ છે. તેમણે કચ્છ માટે જે કાર્યો કર્યા છે અને કચ્છીઓના હૃદયમાં જે સ્થાન મેળવ્યું છે તેને કચ્છ પેઢીઓ સુધી યાદ રાખશે.

• માનવજ્યોત સંસ્થા ભુજ :

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા – કચ્છ દ્વારા કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. તેઓ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને દર વર્ષે અનુદાન મળતું રહ્યું હતું. સંસ્થાની વિવિધ માનવસેવા, જીવદયા પ્રવૃત્તિઓથી ખુશ હતા. માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવતા અને શુભેચ્છાઓ પાઠવતા રહ્યા હતા. તેઓની પ્રેમભરી લાગણીને સંસ્થા દ્વારા બિરદાવવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જાેષી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ તેઓનાં અવસાનથી દુઃખની લાગણી વ્યક્ત કરી તેઓશ્રીને ભાવાંજલિ આપી હતી.

• કવિઓ ભુજ :

કચ્છના લોકપ્રિય મહારાવ પ્રાગમલજી ત્રીજા સાહેબના દુઃખદ અવસાનથી ન પુરાય તેવી મોટી ખોટ કચ્છને પડી છે. સતત કચ્છના શુભ ચિંતક અને વખતો વખત કચ્છના વિકાસકાર્યો માટે માર્ગદર્શન આપનાર અને ચિંતા સેવનારા એવા મહારાવ પ્રાગમલજી ત્રીજાને શ્રદ્ધાંજલી અર્પણ કરતાં પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું.

• શંકરભાઈ સચદે :

નખશીખ પ્રમાણીક, ચારિત્ર્યવાન, ઉમદા તથા બહુશ્રુત યુવરાજ તરીકે દિવંગત મહાનુભાવની ઈતિહાસમાં નોંધ લેવાશે. મહારાવની વિદાયથી આઘાત અનુભવી તેમની ખોટ કચ્છીઓને કયારેય પણ પુરાશે નહીં તેવું પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ એલ સચદેએ જણાવ્યું હતુ.

• સંસ્કૃત પાઠશાળા :

સંસ્કૃત પાઠશાળા નાગરજ્ઞાતિના આગેવાનો દ્વારા અંજલિ આપતા જણાવ્યુ હતું કે, સ્વઃ ત્રીજા પ્રાગમલજી સાહેબના અવસાન થતાં સંસ્કૃત પાઠશાળાના પાયાના સંસ્કૃતપ્રેમી ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું.  જ્યારે નાગર સમાજના આગેવાન ઈન્દ્રવદનભાઈ છાયા હાટકેશ્વર મંદિરના પુજારી કનુભાઈ વ્યાસ વી. એન. અંતાણીએ અંજલિ આપતા રાજાશાહી વખતથી નાગર સમાજની પરંપરા આજે પણ જળવાઈ રહી છે તેવું આશિષભાઈ વૈઘ જણાવ્યું હતું. સ્વઃ ના માનમાં એક દિવસ સંસ્કૃત પાઠશાળા બંઘ રહેશે ૧૫મા અઘ્યાયના પઠન સાથે અંજલિ અપાઈ હતી તેવું અંતાણીએ જણાવ્યું હતું.