કચ્છના અંતરિયાળ વિસ્તારની ગ્રામ પંચાયતોમાં તલાટીઓની અનિયમિતતાથી ગામવાસીઓ પરેશાન

મહેકમ ઘટના કારણે એકી સાથે ત્રણ – ચાર પંચાયતોના વહીવટ તલાટીઓના શીરે હોઈ અઠવાડિયામાં માત્ર એકાદ દિવસ સબંધીત પંચાયતમાં રહે છે હાજર : નાના – નાના કામો માટે પણ ગ્રામ્ય પ્રજાને નાછૂટકે જિલ્લા – તાલુકા મથક સુધી લંબાવવાનો આવી રહ્યો છે વારો

(બ્યુરો દ્વારા)ભુજ : વિસ્તારની દ્રષ્ટિએ અતિ વિશાળ એવા કચ્છ જિલ્લામાં મોટાભાગના લોકો હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરે છે. ગ્રામ્ય કક્ષાએ વહિવટી સહિતની કામગીરીનું સુચારૂ આયોજન થાય તે માટે ગ્રામ પંચાયતો આવેલી છે, પરંતુ તેમાં તલાટીઓની અનિયમિતતા રહેતી હોઈ ગ્રામ્ય પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહેકમ ઘટના લીધે એક – એક તલાટી પાસે ૩થી ૪ પંચાયતોનો વહિવટ હોઈ સપ્તાહમાં એકાદવાર માંડ જે તે પંચાયતમાં તલાટીની હાજરી જોવા મળી રહી છે. આ અંંગેની વિગતો મુજબ સરકારી કામગીરી પારદર્શિ બને તેમજ કામગીરીમાં ઝડપ આવે તે માટે સરકારની મોટાભાગની યોજનાઓ અને કામો ડીજીટેલાઈઝેશન સમાવી દેવામાં આવ્યા છે. આંગળીના ટેળવે સરકારની યોજનાઓ અમલી બનાવાઈ છે. જન્મ – મરણના દાખલા, ૭/૧ર, ૮-અ ઉતારા, સોગંદનામા, વેરા વસૂલાત સહિતની કામગીરી ગ્રામ પંચાયત કરવામાં આવે છે. આ તમામ કામગીરી માટે તલાટીના સહી – સિક્કા પણ જરૂરી હોય છે. દરેક ગ્રામ પંચાયતને સવારે ૧૦ઃ૩૦થી સાંજે પઃ૩૦ સુધી કાર્યરત રાખવા સરકારી ફરમાન કરવામાં આવ્યું છે, પરંતુ કચ્છ જિલ્લામાં મોટાભાગના ગામોમાં સરકારી ફરમાન માત્ર કાગળ પુરતુ જ અમલી છે. સામાન્ય રીતે એક તલાટીની એક જ ગામ માટે નિયુક્તી કરવામાં આવે છે, પરંતુ કચ્છમાં મહેકમ ઘટ હોઈ એક – એક તલાટી પાસે ૩- ૪ પંચાયતોનો ચાર્જ હોવાની સાથો સાથ જિલ્લા કક્ષાએ પણ મિટિંગોમાં હાજરી આપવી પડતી હોઈ સપ્તાહમાં એકાદ દિવસ માંડ પંચાયતમાં હાજરી જોવા મળે છે. નાના – નાના કામો માટે પણ ગ્રામ્ય પ્રજાને નાછૂટકે જિલ્લા – તાલુકા મથક સુધી લંબાવવાનો આવી રહ્યો છે વારો આવી રહ્યો છે.