કચ્છમાં કોરોના વોરિયર્સને રસીનો બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ

કચ્છમાં કોરોના વોરિયર્સને રસીનો બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ

જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે તબીબો અને પેરા મેડિકલ સ્ટાફને રસીનો બીજો ડોઝ અપાયો

ભુજ : કોરોના મહામારીના કેસોમાં દિન પ્રતિદિન ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથોસાથ કોરોના વેક્સિનેશનની કામગીરી પુર ઝડપે આગળ વધી રહી છે. કચ્છ જિલ્લામાં હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ અપાયા બાદ આજથી રસીનો બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ થઈ છે. ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલ ખાતેથી રસીકરણના બીજા ડોઝની કામગીરીના શ્રીગણેશ કરાયા હતા.કોરોના સામે રક્ષણ આપતી ભારતમાં સ્વદેશી બે રસી બનાવાઈ છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન નામની રસી કોરોના વોરિયર્સને અપાઈ રહી છે. જે લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે તેઓએ ર૮ દિવસ બાદ રસીનો બીજો ડોઝ લેવો અત્યંત જરૂરી છે. રસીનો બીજો ડોઝ લીધા બાદ એક મહિના પછી શરીરને કોરોનાના જીવાણુ અસર કરતા નથી. જો કે તબીબોના મતે રસી લીધા બાદ પણ તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. વેક્સિન એકસપર્ટનું કહેવું છે કે, કોરોના વિરૂદ્ધ મોટા ભાગની વેક્સિન બે ડોઝને ધ્યાને રાખીને જ ડીઝાઈન કરાઈ છે. પહેલો ડોઝ તમારા શરીરને ટ્રેન કરે છે કે એ વાયરસના હુમલાને કેવી રીતે ઓળખે. તેમજ ઈમ્યુનીટી સીસ્ટમ તૈયાર કરે છે. બીજા ડોઝને બુસ્ટર શોટ કહે છે. આ ડોઝ શરીરમાં ઈમ્યુનીટી સીસ્ટમને વધારે છે, જેના કારણે બન્ને ડોઝ લેવા જરૂરી છે. કચ્છમાં રસીકરણના પ્રથમ ડોઝની વાત કરીએ તો ૧૧૮૭૬ હેલ્થ કેર વર્કર્સને રસી આપવાના આયોજન સામે ૧૧પ૧પ વર્કરે રસી લીધી છે. જ્યારે ફ્રન્ટ લાઈન વર્કરમાં ર૦૭ર૪ ના ટાર્ગેટ સામે ૧૭૭પ૦ લોકોએ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લીધો છે. આ લાભાર્થીઓને આજથી વેક્સિનનો બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ થઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે જણાવ્યું કે, આજથી કોરોના વોરિયર્સને બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં સિવિલ સર્જન, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિતનાઓને રસી અપાઈ રહી છે. જે લોકોએ પ્રથમ તબક્કામાં કોવેક્સિનનો ડોઝ લીધો છે તેઓને બીજા ડોઝમાં આ જ કંપનીની રસી લેવી તેમજ જેમને કોવિશીલ્ડનો ડોઝ અપાયો છે તેઓએ કોવિશીલ્ડ રસી લેવા અનુરોધ કર્યો હતો. તંત્ર દ્વારા તો તકેદારી રાખવામાં આવશે, પરંતુ લાભાર્થી પણ આ બાબતે સજાગ રહે તેવું જણાવ્યું હતું. જે લાભાર્થીએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, તેના ર૮ દિવસ બાદ બીજો ડોઝ લેવો જરૂરી છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેમજ કોમ્યુનિટી સ્પ્રેડ અટકે છે. જિલ્લામાં અત્યાર સુધી કોઈ પણ સ્થળે રસીકરણની આડ અસર જોવા મળી નથી. બીજો ડોઝ લીધા બાદ સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, સૌએ સહકાર આપી પ્રથમ ડોઝ લીધો છે, તેવી રીતે લાભાર્થીઓએ બીજા ડોઝના રસીકરણમાં ભાગ લેવાનો છે. રસી લીધા બાદ એક કલાક જેવો સમય વીતી ગયો પરંતુ મને કોઈ પણ જાતની આડ અસર થઈ નથી. એક વર્ષથી આપણે આ મહામારીથી પીડાઈ રહ્યા છીએ ત્યારે રસીકરણના મહા અભિયાનમાં જોડાઈ મહામારીથી મુક્ત થવાનો સમય આવી ગયો છે. ડો. નેહલ વૈધે કહ્યું કે, રસીનો બીજો ડોઝ લીધાના એક મહિના બાદ આપણને કોરોના સામે રક્ષણ મળશે. રસી લીધા બાદ પણ સૌએ તકેદારી રાખવી જરૂરી છે. જી.કે. જનરલ હોસ્પિટલના ડો. કૃપાલી મોરબીઆએ રસીનો બીજો ડોઝ લીધા બાદ કહ્યું કે, જે લોકોએ પ્રથમ ડોઝ લીધો છે તેના ચાર અઠવાડિયા બાદ બીજો ડોઝ લઈ આ કોર્ષ પુરો કરવો જરૂરી છેે. ડો. નેહલ નાણાવટીએ જણાવ્યું કે, જે લોકોને મનાઈ કરવામાં આવે છે, તેઓએ રસી ન લેવી બાકીના લાભાર્થીઓને રસી લેવા જણાવ્યું હતું. આજે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે રસીકરણના બીજા ડોઝની કામગીરી વેળાએ ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો. અમીન અરોરા, સુપરવાઈઝર આસીત શાહ, મેડિકલ એડમીન ભૂમિ કટારા, ડો. માવા ઝાલા, ડો. જનકબા જાડેજા સહિતના હાજર રહ્યા હતા.