કંડલા સહિત અંજારના કાંઠાળ ગામોમાં વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી

અંજારના પ્રાંત અધિકારી દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવીને સ્થળાંતરની વ્યવસ્થાઓ કરાઈ ઉભી : માછીમારો, અગરીયાઓ અને કાંઠાળ વિસ્તારમાં વસતા લોકોના સ્થળાંતર માટેની ગોઠવાઈ વ્યવસ્થા

અંજાર : ગુજરાતમાં તૌકતે  વાવાઝોડાની આગાહીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા વાવાઝોડા સામે લડવાના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે, દરિયાકાંઠેથી લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી દેવાઈ છે. તેવામાં અંજારના પ્રાંત અધિકારી વિમલ જોષી દ્વારા અંજાર તાલુકાના કાંઠાળ ગામડાઓ તેમજ ખાસ કરીને કંડલામાં સતર્કતાના પગલા લેવામાં આવ્યા હતા. કંડલા સહિતના વિસ્તારોમાં માછીમારોને દરિયો ખેડવા સૂચના આપવામાં આવી હતી. દરિયામાં ફસાયેલા માછીમારોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. માટે દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરાશે. સાથે સ્થાનિક લોકોને સમયાંતરે વાવાઝોડા વિશે સૂચના આપવામાં આવી રહી છે. વાવાઝોડું કચ્છના તાલુકાઓમાં ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, માંડવી, અબડાસા અને લખપતના દરિયાઈ વિસ્તારના ૧૨૩ જેટલા કાંઠાળ ગામોને અસર કરે તેવી સંભાવનાને પગલે આગોતરી તકેદારીના પગલાં ભરાઈ રહ્યા છે. અગરિયાઓને પણ સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવાઈ છે. તો આજે કંડલા સહિત તુણા પોર્ટ વિસ્તારમાં માછીમારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. અને માછીમારોને વાવાઝોડા અંગે સ્થાનિક તંત્રએ સૂચનો પણ આપ્યા હતા. અંજારના પ્રાંત અધિકારી વિમલ જોષીએ જણાવ્યું હતું કે, અંજાર તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં લોકોને વાવાઝોડા સંદર્ભે જાગૃત કરાયા છે. ખાસ કરીને અગરીયાઓ અને માછીમારોને સચેત કરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો અને કાચા મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવશે. જ્યાં સ્થળાંતરીત કરવામાં આવશે તે સ્થળની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્થળાંતરીત લોકો માટે આવાસ, આહાર અને આરોગ્યની સવલતો ઉભી કરાઈ છે. સ્થળાંતરની પ્રક્રિયામાં પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી વિમલ જોષીએ જણાવ્યું હતું.