કંડલા વાવાઝોડાની કણસતી કથા

કંડલાના કાંઠાળ વિસ્તારોથી લઈ હિંમતપુરાના પાટડી ગામ સુધીના લોકોએ દરિયાઈ મોજાની પ૦ ફુટની અનુભવી હતી કારમી થપાટ

૨૩ વર્ષ પહેલા કંડલામાં આવેલ હોનારતમાં ૧પ૦ કિ.મી.ની ઝડપે ફુંકાયેલ પવને વેંતરેલ વિનાશનું આંકડાકીય એક્સ-રે : ૧૪૮પ લોકો દરિયામાં તણાયા : ૧રર૬ બન્યા લાપતા : ૩૦ હજાર લોકો થયા હતા ઘરવિહોણા : ૧પ૦૦ કરોડનું અધધધ થયું હતું નુકશાન

પોતાના આખેઆખા પરીવારને દરીયામાં ગરકાવ થતા નિહાળ્યા : ખુદ એક બચી ગયા તેઓએ આજે પણ ઘરના સભ્યોના નામે બનાવ્યુ છે મંદિર

ગાંધીધામ : ૧૮મીએ “તૌકતે” વાવાઝોડું દરિયા કિનારે ત્રાટકવાનું છે ત્યારે આજથી ૨૩ વર્ષ પહેલા કંડલામાં આવેલા વિનાશક વાવાઝોડામાં થયેલી વિપરતી અસરો અને તેના પગલે આજની તારીખે પણ કણસતી કથા સમાન સ્થિતી પર પણ ડોકીયુ કરવુ સમયોચિત્ત જ બની રહે તેમ છે. ર૩ વર્ષ પહેલા આવેલી આ મહાવિનાશક વાવાઝોડાની હોનારથી કંડલા દરીયાઈ વિસ્તારથી લઈ અને ઠેર ઠેર મોટા પ્રમાણમાં ભારે ખાનાખરાબી સર્જાવવા પામી હતી તો કંડલાના નીચાણવાળા વિસ્તારોના લોકોથી માંડી અને પાટડીનાં હિંમતપુરાના એક જ પાટડીયા પરિવારનાં ૧૬ સભ્યો જીવતા દરિયામાં હોમાયા હતા અને હિંમતપુરા ગામનાં કુલ ૨૯ લોકો કાળનો કોળીયો બની ગયા હતા. અહીના લોકોએ કુદરત કોપ સમાન દરીયાઈ મોજા પ૦ પ૦ ફુટની જોરદાર થપાટનો અનુભવ પણ કર્યો હતો.આગામી ૧૭ અને ૧૮મી મે નાં રોજ દરિયા કિનારે “તૌકતે” વાવાઝોડું ત્રાટકવાનું છે. અને સરકાર દ્વારા એનડીઆરએફની ટીમ સાથે કોઇ જાનહાની ન થાય એ માટે તંત્ર ખડે પગે સજ્જ થયું છે. ત્યારે આજથી બરાબર ૨૩ વર્ષ પહેલા સન ૧૯૯૮ની ૯મી જૂને ત્રાટકેલા કંડલાનાં ૧૫૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડામાં સત્તાવાર ૧૪૮૫ લોકો દરિયામાં તણાયા હતા અને ૧૨૨૬ લોકો લાપત્તા બન્યા હતા. જ્યારે ૩૦,૦૦૦થી વધુ લોકો ઘર વિહોણા બન્યા હતા અને અંદાજે રૂ. ૧૫૦૦ કરોડનું નુકશાન પહોંચ્યું હતુ. કંડલાના આ વિનાશક વાવાઝોડામાં પાટડી તાલુકાનાં હિંમતપુરા ગામનાં મજૂરી કામ અર્થે ગયેલા ૨૯ લોકો દરિયામાં જીવતા હોમાયા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં ચતુરભાઇ તેમના બે બાળકોની લાશ ખભે લઇને ૮ કલાક સુધી પાણીમાં તરતા રહ્યા હતા. તેમણે આ સમયને યાદ કરતા કહ્યુ કે, આ સમયે હું મારી પત્ની , બે દિકરા તથા દિકરીને લઇને મજૂરી કામ અર્થે કંડલા બંદરે ગયો હતો ત્યારે દરિયાઇ મોજાની ૫૦ ફૂટની થપાટ આવતા ઘરમાં ૧૦ ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. અમે પરિવારનાં પાંચેય જણા મકાનનાં સિમેન્ટનાં પતરા પર ચઢી ગયા હતા. ત્યારબાદ દરિયાઇ મોજાની બે ક્રૂર થપાટમાં અમે અમારી સાથેનાં અનેક લોકોને દરિયામાં સ્વાહા થતા નજરે જોયા હતા. ત્યારબાદ અમારૂ આખુ ઘર પાયાથી જ ભોંયભેગુ થતા પત્નિ અને ૨ વર્ષની દિકરીને મારી નજર સામેં જ દરિયાઇ મોજામાં પળવારમાં અદ્રશ્ય થઇ ગઇ હતી. જ્યારે ૬ વર્ષનાં અને ૪ વર્ષનાં દને હાથમાં લઇ પાણીમાં તરતા બે માળનાં મકાનની દિવાલ મારા ખભા પર પડતા મારી પાંસળીયો ભાંગી ગઇ હતી. ત્યારબાદ હું મારા બન્ને બાળકોની લાશને આઠ કલાક હાથમાં લઇને તરતો રહ્યોં ત્યારે લાકડું હાથમાં આવી જતા હું કિનારે આવી ગયો અને આઠ દિવસે હું ભાનમાં આવ્યો હતો. આજે મેં મારા ઘરમાં પત્નિનાં નામનું મંદિર બનાવ્યુ છે અને આજે પણ એમની યાદમાં જીવી રહ્યોં છુ.અમારા પરિવારના કુલ ૨૩ સભ્યો તે સમયે કંડલા મજૂરી કામ અર્થે ગયા હતા. આ વિનાશક વાવાઝોડામાં મારા બે દિકરા, દિકરાની વહુઓ અને નાના-નાના ભુલકાઓ મળી પરિવારના કુલ ૧૬ સભ્યો દરિયાઇ મોજામાં જીવતા તણાઇ ગયા હતા અને મારા પાંચ દિકરા ૭ થી ૮ કલાક પાણીમાં તરીને માંડ જીવતા બચ્યા હતા. આ દરિયાઇ મોજામાં મોતને ભેટેલા ૧૬ સભ્યોમાંથી માત્ર ૪ જણાની લાશ જ અમને મળી શકી હતી. કંડલાના વિનાશક વાવાઝોડામાં હિંમતપુરા ગામના પતિ-પત્નિ, બે બાળકો અને બે બાળકીઓ દરિયાઇ પાણીમાં સ્વાહા થઇ ગયા હતા.