કંડલા પોર્ટમાં ફરી તસ્કરીનો બનાવ : સબ સ્ટેશનમાંથી ૩૦ હજારની ચોરી

લોખંડની ગ્રીલ તોડી ૬૦થી ૭૦ કિલો કોપરની પટ્ટીઓ ચોરી જવાઈ

ગાંધીધામ : દેશના મહાબંદર ગણાતા દિન દયાલ કંડલા પોર્ટમાં વધુ એક વખત તસ્કરીનો બનાવ સામે આવ્યો છે. આ વખતે તસ્કરો સબ સ્ટેશનમાંથી ૩૦ હજારની મતા ઉઠાવી ગયા છે. કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં રાકેશકુમાર સુખદેવ પ્રસાદ સિન્હાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ગત તા. ૩૦મી જુલાઈથી ર નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો. કંડલા પોર્ટમાં આવેલ ૧૦૦૦ કેવીએ ડીજી સબ સ્ટેશનના બિલ્ડિંગમાં પહેલા માળે આવેલ કંટ્રોલ રૂમમાં ચોરી થઈ હતી. અજાણ્યા તસ્કરો લોખંડની બારી તોડી બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા. અને કંટ્રોલ રૂમના કેબીનેટમાં રહેલા ૧૮ કોપરની પટ્ટીઓ આશરે ૬૦થી ૭૦ કિલો કુલ કિંંમત રૂપિયા ૩૦ હજારની ચોરી કરી ગયા હતા. જે અંગે ગુનો દાખલ થતાં પીઆઈ કે.પી. સાગઠિયાએ તપાસ હાથ ધરી છે.