કંડલામાં સોયા-ખાંડ-કોલસાની તસ્કર ટોળકીનો તરખાટ : મોટાપાયે ચોરીઓ બેફામ : ખાખી નાકામ કે રહેમનજર?

અમુક ભ્રષ્ટ પોલીસની આવી ચોરીઓમાં આડકતરી ભાગીદારની ચર્ચા પણ જોવા મળી રહી છે : દેશના મહાબંદર કંડલામાં આવતી કોમોડીટીમાં દૈનિક ૧૦થી ૧પ લાખની ખુલ્લેઆમ થાય છે ચોરી : સોયા-ખાંડ અને કોલસા સહિતનાઓને લઈને ફરીયાદો પોલીસ ચોપડે પણ ચડી ચુકી છે

ખાખીના બે ચાર કર્મી-એકાદ અધિકારી અને હાજીડા નામનો શખ્સો-મયુર સહિતનાઓની મનીષા આણી ટોળકી આદરી રહી છે ચોરી-તસ્કરી : જો આમને આમ જ બનતુ રહ્યુ તો, કંડલા બંદરથી વેપારી-ઉદ્યોગપતિઓ ફેરવી લેશે મોઢું જેનો કંડલા કોમ્પલેક્ષને જશે મોટું નુકસાન

ખાટલે મોટી ખોટ : આયાત-નિકાસકારો વચ્ચે બને છે અન-બન, મંગાવનાર પાર્ટીને મોકલનાર પુરતું જ મોકલાવે,
પણ રસ્તામાં જ આ ગેંગ ખુલ્લેઆમ ખાંડ હોય કે સોયાની ચોરી કરી લે છે માટે માલની થાય છે ઘટ્ટ, જેથી આયાત-નિકાસકાર વચ્ચે થાય છે નાહકની તકરાર : આવુને આવુ જ ચાલશે તો નાછુટકે વેપારીઓ અહીથી મોંઢુ ફેરવતા થશે :
વ્યાપારી સંગઠનો-ચેમ્બર ઓફ કોમર્સ આ પ્રકારની ચોરીઓ ડામવા કેમ નથી કરતી ઉચ્ચસ્તરે રજુઆત..?

ગાંધીધામ : કંડલા વિસ્તારમાં ફરીથી તસ્કર ટોળકીને મોકળુ મેદાન જ મળી જવા પામી ગયુ હોય તેવી રીતે તરખાટ મચાવી રહ્યા હોવાનો ગણગણાટ સામે આવવા પામી રહ્યો છે. સોયા-ખાંડ અને વિદેશી કોલસાની ધુમ ચોરીઓ કરવામા આવી રહી છે. જેમા હાજીડો નામનો શખ્સ, મયુર અને આદિપુરની મનીષા આણી ગેંગનો જ આતંક હોવાનુ કહેવાય છે.
આ મામલે જાણકારોમા થતી ચચાઓની વાત કરીએ તો દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપીટી- કંડલામાં આવતી કોમોડીટીમાંથી સોયા-ખાંડ અને કોલસા જેવી વસ્તુઓની અંદાજે દૈનિક ૧૦થી ૧પ લાખની ખુલ્લેઆમ ચોરી થવા પામી રહી છે.સોયા-ખાંડ અને કોલસા સહિતનાઓને લઈને તો તાજેતરમાં ચોરીની ફરીયાદો પોલીસ ચોપડે પણ ચડી ચુકી છે.સોયા-ખાંડ હોય કે વિદેશી કોલસાની તસ્કરી અને ચોરી જ કેમ ન હોય તે સબધિત ખાખી અધિકારીઓની જાણ વીના કરવી ખુબજ કપરી બની રહેતી હોય છે. કારણ કે, તેમા મોટા પ્રમાણમા માનવશ્રમ તથા વાહનો સહિતનાઓની જરૂર પડતી હોય છે. કંડલા પટ્ટામા પણ હાલના સમયે થઈ રહેલી ચોરીમાં સબંધિત વિભાગના ખાખીના બે ચાર કર્મી-એકાદ અધિકારી અને હાજીડા નામનો શખ્સ-મયુર સહિતનાઓની મનીષા આણી ટોળકી જ આ ચોરી-તસ્કરી કરાવી રહી હોવાનુ મનાય છે. હકીકતમાં આદિપુરવાળી મનીષા કોણ? તેની જો તપાસ કરવામા આવશે તો પણ આ આખાય ભયંકર રેકેટ પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે. નહી તો જાણકારો દ્વારા એવી પણ લાલબત્તી ધરવામા આવી રહી છે કે, જો આમને આમ જ બનતુ રહ્યુ તો, કંડલા બંદરથી વેપારી-ઉદ્યોગપતિઓ મોઢુ ફેરવી લેતા પણ વાર નહી કરે અને તેનુ નુકસાન આખાય સંકુલને વેઠવાનો વારો આવી શકે છે. બે-ચાર ગણ્યા ગાઠયા પલળેલા ખાખીધારીઓની ભ્રષ્ટ ભુખ અને ચોરટોળકીના મલિન ઈરાદાઓને લઈ અને સમગ્ર કંડલા કોમ્પલેક્ષના ધંધા-રોજગારને ફટકો પડી શકે તેવી સ્થિતીનુ નિર્માણ થવા પામી રહ્યુ હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. ખાંડ-સાયા કે કોલસા સહિતની ચીજવસ્તુઓની ચોરીને હળવાશથી લેવી એટલા માટે પણ ન જોઈએ કે, આ પ્રકારની તસ્કરીઓના લીધે આયાત-નિકાસકારો વચ્ચે બને છે અન-બન, મંગાવનાર પાર્ટીને મોકલનાર પુરતું જ મોકલાવે, પણ રસ્તામાં જ આ ગેંગ ખુલ્લેઆમ ખાંડ હોય કે સોયાની ચોરી કરી લે છે માટે માલની થાય છે ઘટ્ટ, જેથી આયાત-નિકાસકાર વચ્ચે નાહકની તકરાર થવા પામી જતી હોય છે. આવુને આવુ જ ચાલશે તો નાછુટકે વેપારીઓ અહીથી મોંઢુ ફેરવતા થશે તેમ કહેવુ જરા સહેજ પણ અસ્થાને નહી ગણાય. અહી સવાલ તો એ પણ થાય છે કે, વ્યાપારી સંગઠનો-ચેમ્બર ઓફ કોમર્સ આ પ્રકારની ચોરીઓ ડામવા કેમ નથી કરતી ઉચ્ચસ્તરે રજુઆત..?